રાજકોટ3 કલાક પેહલા
- કૉપી લિંક
ફાઈલ ફોટો
રાજકોટ શહેર અને જિલ્લામાં પરિણીતાઓને ત્રાસ આપવાની ઘટનાઓ રોજિંદી બની છે ત્યારે ધોરાજીના સુપેડીમાંથી આવી જ એક વધુ ઘટના સામે આવી છે. જેમાં સુપેડીમાં માવતરે રહેતી કાનાલુસની પરિણીતા રંજનબેને પતિ સહિત 6 સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેણીએ જણાવ્યું હતું કે, સાસરિયાઓ દ્વારા તને વળગાડ છે, તેમ કહીં ક્રિયાઓ કરાવવામાં આવી હતી તેમજ ન્યૂઝપેપર મારફત પતિના આડાસંબંધોની પોતાને જાણ થઈ હતી. હાલ ધોરાજી પોલીસે પીડિતાની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મારા પતિ અને સાસુ જોડે રહેતી હતી
ફરિયાદી રંજનબેન કીરીટભાઈ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પિતાનું નામ કુરજીભાઈ સોલંકી છે. હું હાલ મારા માવતરના ઘરે રહું છું. મારા લગ્ન ગઇ તા.15/5/2016ના રોજ કાનાલુસ ગામના રહેવાસી કીરીટભાઈ નટુભાઈ ચાવડા સાથે થયા હતા. મારે સંતાન નથી. મારા સસરા હયાત નથી. હું, મારા પતિ તથા મારા સાસુ હિરૂબેન અમે ત્રણ જ જોડે રહેતા હતાં. મારા મોટા સસરા હરજીભાઈ જીવાભાઈ ચાવડા, વચલા સસરા મેઘજીભાઈ જીવાભાઈ ચાવડા તથા મારા પિતરાઈ જેઠ અમુભાઈ હરજીભાઈ ચાવડા જેઓ બધા તેના પરીવાર સાથે અમારા પાડોશમાં રહેતા હતા.
ઘરખર્ચ માટે વાપરવા રૂપિયા આપતા નહોતા
લગ્નના ચાર મહિના બાદ મારા પતિ મને અવારનવાર હેરાન પરેશાન કરી શંકા-કુશંકા કરતા હતા અને કહેતા કે, તું કંઇ ઘરનું કામ કરતી નથી અને તું તારા માવતરના ઘરેથી કાંઈ લઈ આવેલ નથી. સપ્ટેમ્બર 2022 ન્યુઝપેપરથી મને માલુમ પડેલ કે મારા પતિને અન્ય યુવતી સાથે આડા સબંધો હતા. સાસુ હીરૂબેન નાની-નાની બાબતમાં તથા ઘરકામમાં મ્હેણાં ટોણા મારતા. મને કહેતા કે, તારે ઘરની બહાર નીકળવું નહિ એમ કહીને ત્રાસ આપવા લાગ્યા હતા. મારા મોટા સસરા હરજીભાઈ તથા વચ્ચેના સસરા મેઘજીભાઈ અને મારા પતિ જે રેલ્વેમાં નોકરી કરે છે. તેમનો પગાર આવે તે આ બંને લઇ લેતાં અને અમારા ઘરનો વહીવટ અમારા મોટા સસરા કરતા હોય અને મને ઘર ખર્ચ માટે વાપરવા માટે રૂપિયા આપતા નહોતા.
પોલીસે સાસરિયાઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી
મારા પિતરાઈ જેઠ અમુભાઈ મારા પતિ સાથે રેલવેમાં નોકરી કરતા હોય તે મારા પતિની ચડામણી કરતા હતા. અને મને મેણાટોણા મારતા હતા. જેથી મારા પતિ મને અવારનવાર આ બધા લોકોની ચડામણીથી ઢીકાપાટુનો માર પણ મારતા હતા. પીતરાઈ જેઠ તથા મારા મોટા સસરા મને કેહતા કે, તેને વળગાડ છે. જેથી તેમની ક્રિયાઓ મારી પાસે કરાવી અને મને હેરાન-પરેશાન કરતા હતા. પરિણીતાની આ ફરિયાદનાં આધારે હાલ ધોરાજી પોલીસે ગુનો નોંધી પતિ, સાસરિયા સહિતનાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
.