8 મિનિટ પેહલા
- કૉપી લિંક
BAPS સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં જુલાઈ ૧૬, ૨૦૨૩ના રોજ રોબિન્સવિલમાં “ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ એટલે કે “પ્રેરણાના મહોત્સવ”નો આરંભ થયો હતો. આ મહોત્સવ અંતર્ગત, તાજેતરમાં સ્વામિનારાયણ અક્ષરધામ, રોબિન્સવિલ, ન્યૂજર્સી ખાતે ‘From House to Home’ થીમ હેઠળ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો હરિભક્તોની સાથે સેંકડો સંતો અને અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બાળકના ભવિષ્યને આકાર આપી શકે તેનું સુંદર માર્ગદર્શન આપ્યું
આ કાર્યક્રમમાં દરેક વાલી પોતાના બાળકમાં કેવી રીતે નૈતિકતા અને અન્ય મૂલ્યોનું સિંચન કરી બાળકના ભવિષ્યને આકાર આપી શકે તેનું સુંદર માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્વાન વક્તાઓએ કૌટુંબિક મૂલ્યો કેવી રીતે પારિવારિક એકતા અને શાંતિના આધારરૂપ છે તેની સુંદર છણાવટ કરી હતી અને જણાવ્યું કે આવા મૂલ્યો જ કોઈપણ ‘મકાન’ને વાસ્તવિક રીતે ‘ઘર’માં પરિવર્તિત કરે છે.

કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યું કે આદર્શ પેરેન્ટિંગ એ બાળકોને માર્ગદર્શન અને સ્વતંત્રતાનો સમન્વય છે. તે બાળકોના આગવા વ્યક્તિત્વને પ્રોત્સાહિત કરવાની સાથે યોગ્ય સીમારેખા અને મર્યાદાઓની સમજ આપવી તે છે. રોજિંદા જીવનમાં આવતી ક્ષણોમાં વાણી-વર્તન દ્વારા સહજ રીતે આપણે બાળકનું ઘડતર કરતાં રહેતા હોઈએ છીએ. વાલીઓને તેમની પ્રાથમિક્તાઓ અને પેરેન્ટિંગને લગતી ગેરસમજો વિશે પણ વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા વાકેફ કરવામાં આવ્યા હતા.
સકારાત્મક પેરેન્ટિંગ ઉપર પેનલ ડિસ્કશન બાદ BAPS ના વિદ્વાન સંત પૂ. આનંદસ્વરૂપદાસ સ્વામીએ જણાવ્યું હતું કે આ પ્રકારના પેરેન્ટિંગ દ્વારા બાળકને હૂંફ મળે છે, બિનશરતી પ્રેમ મળે છે અને બાળક ભાવનાત્મક સ્થિરતાનો અનુભવ કરે છે.




.