ગાંધીનગરએક કલાક પેહલા
- કૉપી લિંક
સરકારની જ્ઞાન સહાયક યોજનાના કારણે ટેટ – ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોનું ભાવિ અંધકારમય બની જવાની દહેશતથી સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. આજે ફરીવાર ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ – ટાટ પાસ ઉમેદવારોએ ધરણા પ્રદર્શન યોજ્યા હતા. જેનાં પગલે અગાઉથી ગોઠવાયેલી પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને પણ અટકાયત કરી લેવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. 11 માસના કરાર આધારિતની આ ભરતીનો TET-TAT પાસ ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની માંગ છે કે સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે. પરંતુ આજદિન સુધી વારંવાર રજૂઆતો કર્યા પણ સરકારના પેટનું પાણી હલતું નથી.

રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી ટેટ અને ટાટની પરીક્ષાનું આયોજન કરાયું નથી. જોકે 2023માં સરકારે ભરતીની જાહેરાત તો કરી પરંતુ જ્ઞાન સહાયકોને કરાર આધારિત 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી રહ્યા છે. એવામાં ઘણા ઉમેદવારો જે સરકારી નોકરીનું સપનું જોઈને બેઠા છે તેમને આ જ્ઞાન સહાયક યોજના લોલીપોપ લાગી રહી છે. જેના વિરોધમાં આજે ઠેર-ઠેરથી આવેલા યુવાનો દ્વારા ગાંધીનગરમાં એકઠા થઈ ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.

પ્રદર્શનકારી ઉમેદવારોએ કહ્યું હતું, ગુજરાતના બાળકોના શિક્ષણના વિશાળ હિત અને હજારો ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના હિતમાં કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. રાજય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં જ્ઞાન સહાયકની 11 માસના 26 હજાર 500 પગાર કરાર આધારિત ભરતી કરવામાં આવે છે.

જેના કારણે અગાઉ ટેટ ટાટ પાસ કરેલ વિધાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. આ જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જવાની સંભાવના છે.
વધુમાં ઉમેદવારોએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે તેવો ગેર વ્યાજબી નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સીધી અસર ગુજરાતના બાળકોના શિક્ષણ અને રાજયના વર્તમાન ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવારો પર થશે. આથી આ યોજના બંધ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવાની સરકાર પાસે માંગ છે. ત્યારે પોલીસ દ્વારા પ્રદર્શનકારી ઉમેદવારોની ટીંગાટોળી કરીને પણ અટકાયત કરી લેવામાં આવી હતી.