પાટણએક કલાક પેહલા
- કૉપી લિંક
પવિત્ર શ્રાવણ માસના પ્રકૃતિથી સુગંધીત વાતાવરણમાં ભોળાનાથ શિવજીને ભજીને આપણા જીવને શિવ સાથે જોડીએ. શિવ ઉપાસના જીવને પરમ સુખ સાથે શિવાનંદની અનુભૂતિ કરાવે છે. જીવને શિવ સાથે જોડતો અને શિવજીને અતિપ્રિય પવિત્ર શ્રાવણ માસનો આજથી ધર્મમય માહોલમાં શુભારંભ થયો છે.

આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત થતાં જ શહેરના વિવિધ શિવાલયોમાં શિવભકતો ભગવાન ભોળાનાથની ઉપાસનામાં લીન બન્યા હતા. શહેરના શિવાલયોમાં શિવભકતો અને શ્રદ્ધાળુઓએ ભગવાન શિવજીના શિવલિંગ ઉપર વિશેષ પૂજાઅભિષેક વિધી કરી હતી. તો શિવભકતો દ્વારા શિવલિંગ ઉપર દુધ, જળ તેમજ બીલીપત્ર ચડાવી અભિષેક પૂજાવિધી કરી હતી. શ્રાવણ માસની શરુઆત ભગવાન ભોળાનાથના ગુરુવારના સિધ્ધિયોગથી થતાં શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે ભકતોએ શંખનાદ કરી ધ્વજા રોહન કરી ભગવાન આસુતોષને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા .

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે શહેરના સિધ્ધનાથ મહાદેવ તેમજ બગેશ્વર મહાદેવમાં શિવભકતો દ્વારા શિવજીની વિશેષ પૂજાઅર્ચના કરાઈ હતી, જેમાં શહેરના ગાયકવાડ સરકારના સમયથી સ્થાપીત છત્રપતેશ્વર મહાદેવ ખાતે શિવ ઉપાસકોએ ભગવાન શિવને પંચામૃતનો અભિષેક કરી પુષ્પ અને બીલી અર્પણ કરી હર હર મહાદેવના નાદ સાથે ભગવાન શિવજીની આરાધનાનો પ્રારંભ કર્યો હતો, તો શહેરના મુળેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ સહિત અન્ય શિવાલયોમાં પણ શ્રદ્ધાળુઓએ શિવજીનો બ્રહ્મનાદ ગુંજતો કર્યો હતો. આમ ધર્મનગરી પાટણમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવમંદિરોમાં શિવનાદ ગુંજી ઉઠયો હતો.
