- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- On The First Day, More Than 50,000 People Turned Up, Opened The Doors And Plunged Into The Ocean Of The Fair, Enjoyed The Innovative Rides, And Even Ate Breakfast.
રાજકોટએક કલાક પેહલા
- કૉપી લિંક
શ્રાવણિયા સરવડાઓથી સર્જાયેલા ખુશનુમા માહોલમાં જન્માષ્ટમી પર્વે રાજકોટનો જગમશહૂર લોકમેળો મંગળવારે શરૂ થયો હતો. રેસકોર્સ મેદાનમાં સાંજે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળીયાના હસ્તે લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ 50 હજારથી વધુ રાજકોટિયન્સ ઊમટ્યા હતા અને રાત્રિના 12 વાગ્યા સુધી ફજર ફાળકા, ટોરાટોરાં, ડ્રેગન સહિતની યાંત્રિક રાઇડ્સની મજા માણી હતી. લોકહૈયામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવતો લોકમેળો લાગલગાટ પાંચ દિવસ સુધી લાખો લોકોને મોજમસ્તીના મહાસાગરમાં ડુબાડશે.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો એટલે રસરંગ લોકમેળો
રાજકોટનો લોકમેળો સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટો છે. ત્યારે રાજકોટના લોકોમાં તો આ મેળાનું અનેરું મહત્ત્વ છે જ, પરંતુ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાંથી લોકો મેળાની મજા માણવા આવતા હોય છે. પ્રથમ દિવસે સાંજના સમયે મેળાનું ઉદઘાટન થતાની સાથે જેમ જેમ સાંજ ઢળતી ગઈ અને રાત થતી ગઈ તેમ તેમ લોકોની અવરજવર મેળામાં શરૂ થઇ હતી. પ્રથમ દિવસે સાંજના 5થી રાત્રિના 12 વાગ્યા સુધી 50,000થી વધુ લોકોએ મેળાની મજા માણી હતી.
ચાર દિવસ બાકી રહેશે ત્યારે ફરીથી મજા માણવા આવીશું: દિશા હદાણી
દિશા હદાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ લોક મેળો રાજકોટમાં થાય એ આજ દિવસ સુધી માત્ર સાંભળ્યું હતું, પરંતુ આજે આ મેળાની પ્રથમ દિવસે જ મુલાકાત લઈ અને આ મેળાનો આનંદ અનુભવ્યો છે. જુદી-જુદી રાઇડ્સમાં બેઠા, આઈસ્ક્રીમ ખાધો છે. હજુ મેળાના ચાર દિવસ બાકી રહેશે ત્યારે પણ ફરીથી મેળામાં આવી આનંદ માણીશું તેવી ઇચ્છા છે.
મેળાની મજા અને મેળાનો આનંદ અલગ જ હોય: ગોપી હદાણી
જ્યારે ગોપી હદાણીએ જણાવ્યું હતું કે, મેળાની હું આતુરતાથી રાહ જોઈ રહી હતી, મારુ સાસરું બાબરા છે પણ આજે સ્પેશિયલ મેળો માણવા હું રાજકોટ આવી છું. મેળાની મજા અને મેળાનો આનંદ અલગ જ હોય છે. આજે પ્રથમ દિવસે જ મેળામાં મજા માણી છે અને આગળ પણ જ્યાં સુધી મેળો ચાલશે ત્યાં સુધી મેળામાં મજા માણવા આવીશું.
રાજકોટ વાસીઓ મેળાના રંગમાં રંગાઈ ગયા
રાજકોટના લોકમેળામાં રાઇડ્સની મજા નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈ માણી રહ્યા હતા, પરંતુ તેની સાથે સાથે રમકડાના સ્ટોલ પર રમકડાં ખરીદતા બાળકો અને જ્વેલરીની વસ્તુ ખરીદી કરતી યુવતીઓ નજરે પડી રહી હતી. દરેકના ચહેરા પર એક અલગ ખુશી જોવા મળતી હતી. જાણે રાજકોટ વાસીઓ મેળાના રંગમાં રંગાઈ ગયા હોય તેવું લાગી રહ્યું હતું.
16 વોચ ટાવર કાર્યરત કરાયા
ઉલ્લેખનીય છે કે, લોકમેળાની તૈયારીઓ છેલ્લા એક મહિનાથી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવતી હતી. લોકમેળાનો રંગારંગ પ્રારંભ થતાંની સાથે જ લોકો ફેસ્ટિવલ મૂડમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. લોકમેળામાં લોકોની સલામતી સુરક્ષા માટે પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ પગલાં લેવામાં આવી રહ્યાં છે. મેળા માટે વહીવટી તંત્ર દ્વારા રૂ.4 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાર જેટલા કંટ્રોલ રૂમ, 16 વોચ ટાવર કાર્યરત કરાયા છે.
.