રાજકોટ3 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી સોમવારે રાજકોટની મુલાકાતે આવશે. જિલ્લા કલેક્ટરે સીએમ પટેલની આ મુલાકાત અંગે વિગતો આપતા જણાવ્યું કે, 5 સપ્ટેમ્બરે શિક્ષકદિનનાં કાર્યક્રમો અગાઉથી જ નક્કી હોવાના કારણે લોકમેળાના ઉદ્દઘાટન માટે મુખ્યમંત્રીનો સમય મળી શકયો નથી. જોકે 4 સપ્ટેમ્બરે CM પટેલ રાજકોટની મુલાકાત લેશે. જેમાં એઇમ્સ હોસ્પિટલની મુલાકાત અને કેથલેબનાં લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે.
મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ અને ઉદ્દધાટન
કલેક્ટર જોશીનાં જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવ્યા બાદ એઇમ્સની મુલાકાત લેશે તથા તમામ કામગીરીની સમીક્ષા કરશે, IPD ટુંકમાં શરૂ થનાર હોય તે અંગે પણ માહિતી મેળવશે. ત્યારબાદ રાજકોટ દક્ષિણ વિસ્તારના ધારાસભ્ય રમેશ ટીલાળાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ પછી રાજકોટ મનપાની 50 ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, સીવીલ હોસ્પીટલમાં લોકો માટે આશીર્વાદરૂપ નવી કેથલેબનું ઉદ્દઘાટન પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે. રસરંગ લોકમેળાનું ઉદ્ઘાટન કરવા માટે મંત્રી અથવા પ્રભારી મંત્રીનો સમય મેળવવા તજવીજ ચાલી રહી છે. જે પૂર્ણ થયા બાદ સત્તાવાર જાહેરાત કરાશે.
જન્માષ્ટમી પર્વ નિમિત્તે માર્કેટિંગ યાર્ડ સાત દિવસ બંધ રહેશે
રાજકોટ માર્કેટ યાર્ડમાં આગામી જન્માષ્ટમી પર્વ નિમિત્તે સાત દિવસનું વેકેશન જાહેર કરાયું છે. માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે જન્માષ્ટમી પર્વ નિમિત્તે વેપારી, કમિશન એજન્ટો તેમજ મજૂરો સહિત યાર્ડની કામગીરી સાથે સંકળાયેલા સૌ કોઇની માંગણી અને રજૂઆતને ધ્યાને લઇ ચેરમેન જયેશભાઇ બોઘરાના આદેશથી યાર્ડમાં તા. 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર શનિવાર સુધી રજા રહેશે, જ્યારે તા.10 સપ્ટેમ્બરે રવિવારની રજા હોવાથી તા.11 સપ્ટેમ્બરને સોમવારથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે. સૌરાષ્ટ્રના અન્ય તમામ યાર્ડ પણ રાજ્કોટ માર્કેટ યાર્ડને અનુસરતા હોય ટૂંક સમયમાં અન્ય યાર્ડમાં પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ત્રણથી સાત દિવસ સુધીની રજા જાહેર થાય તેવી શક્યતા છે.
.