સુરેન્દ્રનગર18 મિનિટ પેહલા
સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ અને આઝાદીની લડતમાં મહામૂલું યોગદાન આપનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 127મી જન્મજયંતિ છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તેમની રચનાઓ થકી આજે પણ લોકહૈયે જીવંત છે. આવો ઝવેરચંદ મેઘાણી વિશે વધુ જાણીએ.
ઝવેરચંદ મેઘાણીનું જીવન-કવન
ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896માં સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતુ. જેઓ બગસરાનાં જૈન વણિક હતા. તેમનાં પિતાની પોલીસ ખાતામા નોકરી હોવાથી ગુજરાતના અલગ-અલગ ગામોમાં રહેવાનુ થયું હતું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાએ થયું હતુ. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટી.પી. ગાંધી એન્ડ એમ.પી. ગાંધી સ્કૂલમાં 1910થી 1912 સુધી માધ્યમિક શિક્ષણ મેળવી 1912માં મેટ્રિક થયા હતા. તેમણે ઈ.સ. 1916મા ભાવનગરના શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમા સ્નાતકીય અભ્યાસ કર્યો હતો. ભણતર પૂરું કર્યા બાદ વર્ષ 1917મા તેઓ કોલકત્તા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનીયમ કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે એક વાર ઇંગ્લેન્ડ જવાનું પણ થયું હતું. ત્રણ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી આ નોકરી છોડીને પોતાના વતન બગસરામાં સ્થાયી થયા.
1922માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા અને દાંપત્યજીવનની શરૂઆત થઈ. નાનપણથી ઝવેરચંદનો ગુજરાતી સાહિત્ય તરફ ઝુકાવ હતો. રાણપુરથી પ્રકાશિત થતા ‘સૌરાષ્ટ્ર’ નામના છાપામાં લખવાની શરૂઆત કરી ત્યારબાદ 1922થી 1935 સુધી તેઓ સૌરાષ્ટ્રના તંત્રી તરીકે પણ રહ્યા હતા. આ સમય દરમિયાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઇ ‘કુરબાનીની કથાઓ’ની રચના કરી કે જે તેમનું પહેલું પ્રકાશિત થયેલ પુસ્તક હતું. ત્યારબાદ તેઓએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ નું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી.
1926માં ‘વેણીનાં ફૂલ’ કાવ્ય સંગ્રહથી તેમણે કવિતા લેખનમાં પગલાં પાડયાં. ઇ.સ. 1928માં તેમના લોકસાહિત્યમાં પ્રદાન બદલ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ ‘સિંધુડો’ ભારતના યુવાનોમાં ખૂબ લોકપ્રિય થયું હતું. તેમનાં શૌર્યસભર ગીતોએ લોકોને આઝાદીની લડતમાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતાં જેના કારણે તેમને ઇ.સ. 1930માં બે વર્ષની જેલ પણ થઈ હતી. જેલના સમયગાળા દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી પણ નવાજ્યા હતાં. ત્યારબાદ તેમણે ફૂલછાબમાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું. ઈ.સ. 1933માં પત્નીનાં દેહાંત બાદ તેઓ મુંબઈ સ્થાયી થયા અને અહીં તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા. ત્યારબાદ તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં ‘કલમ અને કિતાબ’નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી. વર્ષ 1936થી વર્ષ 1945 સુધી તેમણે ફૂલછાબનાં સંપાદક તરીકેની ભૂમિકા અદા કરી હતી. જે દરમ્યાન 1942મા ‘મરેલાનાં રૂધિર’ નામની પુસ્તિકા પ્રકાશિત કરી હતી. 1946માં તેમના પુસ્તક ‘માણસાઈનાં દીવા’ને મહિડા પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું. અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે પણ નિમવામાં આવ્યા હતા. આમ આટલી બધી જવાબદારીઓ સુપેરે નિભાવ્યા બાદ 9 માર્ચ 1947ના દિવસે માત્ર 50 વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલામાં તેમનું અવસાન થયું હતુ.
સર્જન
મેઘાણીએ 4 નાટકગ્રંથ, 7 નવલિકા સંગ્રહ, 13 નવલકથા, 6 ઇતિહાસ, 13 જીવનચરિત્રની તેમણે રચના કરી છે. લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું “માણસાઈના દીવા”માં તેમણે વાર્તારૂપે નિરૂપણ કર્યું છે. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો, કંકાવટી, રઢીયાળી રાત, ચુંદડી, હાલરડાં, ધરતીનું ધાવણ, લોક સાહિત્યનું સમાલોચન, યુગવંદના, તુલસીક્યારો, વેવિશાળ, બોળો, કિલ્લોલ, વેણીના ફૂલ, સમરાંગણ, સોરઠ તારા વહેતા પાણી સહિતની નોંધપાત્ર સાહિત્યકૃતિઓ તેમની રચના છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે 28 એપ્રિલ, 2023ના રોજ ચોટીલા ખાતે રૂ.29.51 કરોડના ખર્ચે તૈયાર થનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને રૂ. 3.39 કરોડના ખર્ચે તૈયાર થનાર પુસ્તકાલયનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતુ.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય
ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલ નવલકથાઓ, વાતાસંગ્રહ, કવિતાઓ અને નવલિકાઓ દ્વારા ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે. તેમણે તેમનાં લખાણો દ્વારા સૌરાષ્ટ્રના માલધારીઓ, રાજપુતો, ગરાસીયાઓ, આહિરો અને મેર જેવા સમુદાયની અનોખી સંસ્કૃતિને લોકો સમક્ષ ઉજાગર કરી છે અને અમર બનાવી છે. ઝવેરચંદ મેઘાણીજીની 125મી જન્મ જયંતી નિમિત્તે પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળ ચોટીલા ખાતે સંગ્રહાલય તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે મેઘાણીજીના જન્મ સ્થળની બરાબર સામે સરકાર તરફથી જમીન ફાળવવામાં આવી છે. આ સંગ્રહાલયના નિર્માણ માટે સરકારશ્રી દ્વારા રૂ. 29.51 કરોડનું બજેટ મંજુર કરવામા આવ્યું છે. આ સંગ્રહાલય શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન અને તેમના દ્વારા પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં અપાયેલ યોગદાનને જનતા સમક્ષ પ્રદર્શિત કરશે. જેમાં ખાસ કરીને શ્રી મેઘાણીનાં ફોટોગ્રાફ્સ, પિક્ચર, વિડીયો, ઓડિયો, વસ્ત્રો સહિત તેમનાં સાથે સંકળાયેલી વિવિધ વસ્તુઓ, સામગ્રીઓને પ્રદર્શિત કરવામાં આવશે. આઝાદીની લડતમાં શ્રી ઝવેરચંદ મેઘાણીનાં પ્રદાન અને તેને સંબંધિત દસ્તાવેજો પણ અહીં રાખવામાં આવશે. આ સંગ્રહાલય ચોટીલા અને સુરેન્દ્રનગરની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર અને સાહિત્ય પ્રેમીઓ માટે શ્રી ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન અંગે માહિતી આપતુ ધામ બની રહેશે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલય
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1999માં ચોટીલાના વાંચન પ્રેમી લોકો માટે સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓ શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની 125મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આ પુસ્તકાલયને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નામ આપવામાં આવ્યું છે. હાલનું આ ભવન નાનું હોવાથી રાજ્ય સરકારશ્રી દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ મોટા ભવનના નિર્માણ માટે રૂપિયા 3.39 કરોડની નાણાકીય જોગવાઈ વર્ષ 2023-24ના નાણાકીય વર્ષમાં મંજૂર કરવામાં આવી છે. જે માટે શ્રી ઝવેરચંદ મેઘાણીજીના જન્મસ્થળની બરાબર સામે જ જગ્યા ફાળવવામાં આવી છે. આ જગ્યામાં બે માળનું અત્યાધુનિક સરકારી પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવશે. આ પુસ્તકાલયમાં મેઘાણીજીના તમામ સાહિત્ય સર્જનને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનો સંશોધકો સંશોધનના હેતુસર ઉપયોગ કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,”મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન” અભિયાન અંતર્ગત ચોટીલા નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના શીલાફલકમનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.ઝવેરચંદ મેઘાણી રચિત કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, આષાઢી સાંજનાં અંબર ગાજે જેવી અનેક રચનાઓ આજે પણ લોક હૈયે ગુંજી રહી છે.
Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…
MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…
Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…
The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…
Recent images from the set of a canceled Game of Thrones spin-off have surfaced, showcasing…
The forthcoming installment in the Jurassic World movie series has been slated for release, along…