વડોદરા2 કલાક પેહલા
- કૉપી લિંક
સાવલી તાલુકાના પોઇચા ગામ પાસેના નવાપુરા ગામની 22 વર્ષીય પરિણિતાનું રહસ્યમય મોત નીપજતાં ચકચાર મચી ગઇ હતી. પરિણીતાના મૃતદેહને સાવલી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પરિણિતાના પિતા અને ભાભીએ દીકરીને મારી નાંખવામાં આવી હોવાનો આક્ષેપ કરી ન્યાયિક કાર્યવાહી કરવા માંગણી કરી છે.
ફોન ઉપર જાણ કરી
મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના અમરાપુરા ગામમાં રહેતા બળવંતસિંહ પ્રતાપસિંહ સોલંકીની દીકરી રમિલાના બે વર્ષ પૂર્વે સાવલી તાલુકાના જ પોઇચા પાસેના નવાપુરા ગામમાં રહેતા કલ્પેશભાઇ પરમાર સાથે થયા હતા. આજે રમીલાની તબિયત બગડતા તેનું મોત નીપજ્યું હતું. સાસરીયાઓએ રમીલાના મોતના ફોન ઉપર સમાચાર મૃતક રમીલાના પિતાને આપતા પરિવારજનો સાવલી સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
ચક્કર આવતા જ પડી ગઇ
રમીલાના પતિ કલ્પેશભાઇ પરમાર સહિત પરિવારજનોએ રમીલાને એકાએક ચક્કર આવતા પડી જવાથી મોત નીપજ્યું હોવાનું કારણે પોલીસને આપ્યું હતું. પોલીસે મૃતક રમીલાના પતિ સહિત સાસરીયાઓએ આપેલા કારણને ધ્યાનમાં લઇ કાર્યવાહી હાથ ધરી છે. રમીલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દીકરીને ખૂબ જ ત્રાસ આપતા હતા
પિતા બળવંતસિંહ પ્રતાપસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મારી દીકરીનો નવાપુરા ગામમાં સંબંધ કર્યો હતો. 15 દિવસથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો પરંતુ, મારા પપ્પાને દુ:ખ થશે અને મને ધમકાવશે તેવા ડરથી મને કહ્યું ન હતું. ત્રાસ સહન કરતી રહી. મારી દીકરીને ગળે ટૂંપો આપી મારી નાંખી છે. મરેલી હાલતમાં જ દવાખાનામાં લઇને આવ્યા હતા. લગ્ન થયા ત્યારથી હેરાન કરતા હતા. આખરે મારી દીકરી મરી ગઇ. મારી દીકરી મને યાદ આવે છે.
નણંદ પર હત્યાનો આક્ષેપ લગાવ્યો
ભાભી નયનાબહેન સોલંકીએ પણ આક્ષેપ કર્યો હતો કે, મારી નણંદ રમીલાને તેના સાસરીયાઓએ ભેગા મળીને મારી નાંખી છે. અમે તેની લાશ જોઇ છે. તેના ઢીંચણ છોલાઇ ગયા છે. હાથે પણ ઇજા થઇ છે. ગળા ઉપર નિશાન જણાઇ આવ્યા છે. મારી નણંદને ન્યાય મળવો જોઇએ.
.