એક કલાક પેહલા
- કૉપી લિંક
યુગાન્ડાથી મહિલા અમદાવાદ કોકેનની ડિલિવરી કરવા આવી ને ઝડપાઈ
શહેરમાં વધુ એક વખત નશાના ધંધાનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરમાંથી કોકેનનો ગેરકાયદે વેપાર ચલાવતા બે શખસ અને કોકેન ડ્રગ્સની ડિલિવરી આપવા આવનારી વિદેશી મહિલાને ચાર લાખથી વધુની કિંમતના 50.750 ગ્રામ કોકેનના જથ્થા સાથે પકડી પાડવામાં આવી છે. પોલીસ તપાસમાં આ મહિલા એક ટ્રિપના 10 હજાર લેતી હતી. અમદાવાદના શાલિન શાહ અને આદિત્ય પટેલ 4 વર્ષથી મિત્રોને રેવ પાર્ટી કરાવવા યુગાન્ડાથી કોકેન મગાવતા હતા, જેની ડિલિવરી કરવા મહિલા આવતી હતી. આ મહિલા અત્યારસુધી યુગાન્ડાથી અમદાવાદ કોકેનની ડિલિવરીની 10 ટ્રિપ કરી ચૂકી છે.
પોલીસે મહિલા પાસેથી કોકેનનો જથ્થો કબજે કર્યો પ્રાપ્ત વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચે અલગ અલગ ટીમો બનાવીને નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખસોને શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતા, જેમાં ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે ભૂદરપુરા ચાર રસ્તાથી રેડિયો મિર્ચી તરફ જતા રોડ ઉપર આવેલા બંગલા પાસે જાહેર રોડ ઉપરથી શાલિન શાહ, આદિત્ય ઉર્ફે બ્લેકી પટેલ અને આફ્રિકન મહિલા અસીમુલ ઉર્ફે કેલી જેમ્સ રિચેલને કોકેન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચના હાથે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી શાલિન શાહ, આદિત્ય પટેલ તથા તેના મિત્ર વર્તુળના વ્યક્તિઓ છેલ્લાં ચાર વર્ષથી મહિનામાં એકથી બેવાર કોકેન પાર્ટી કરવા અલગ-અલગ જગ્યાએ ભેગા થાય છે. આ તમામ લોકો કોકેન ડ્રગ્સનો નશો કરે છે. પકડાયેલા આરોપીઓ રૂપિયા લઈ પાર્ટીમા આવનારને કોકેન ડ્રગ્સ આપે છે. આદિત્ય શાહ મુંબઈમાં રહેતા સિલ્વેસ્ટરને ડ્રગ્સનો ઓર્ડર આપતો અને સિલ્વેસ્ટર મુંબઈથી કોઈ પેડલર મારફત કોકેન અમદાવાદ ડ્રગ્સ પહોંચાડતો.
પિતાએ બનાવી દીકરીને હવસનો શિકાર
હવસખોરોના લીધે અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. પોતાની હવસ સંતોષવા માટે માસૂમને શિકાર બનાવતા હવસખોરોને ઝડપીને પોલીસ જેલના સળિયા પાછળ પણ ધકેલી દે છે, પણ જે માસૂમની ઇજ્જત લૂંટાય એનું દુ:ખ તેને કાયમ રહે છે અને જિંદગી મરી મરીને જીવવા જેવી નર્ક સમાન બની જાય છેસ પણ કેટલીક ઘટનાઓ એવી હોય છે, જે સાંભળીને જ ભલભલાનું લોહીં ઊકળી ઊઠે… આવો જ એક કિસ્સો સામે આવ્યો છે વલસાડ જિલ્લાના વાપીમાંથી… જ્યાં માસૂમને ચૂંથનાર બીજો કોઈ નહીં, પણ સગો બાપ જ છે.. સતત છ વર્ષ નરાધમ પિતાના હવસનો શિકાર બનેલી માસૂમ દીકરી જ્યારે સગીરવયમાંથી યુવતી બનીને સહન ન થયું તો માતાને વાત કરી. માતાએ તરત જ નરાધમ પતિ અને દીકરીના બાપ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે નરાધમને જેલના સળિયા પછળ ધકેલી દીધો છે.
દીકરીની વાત સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ સમાજમાં બાપ અને દીકરીના પ્રેમને લાંછન લગાવતો કિસ્સો વાપીમાંથી પ્રકાશમાં આવ્યો છે. ઉદ્યોગપતિ પિતાએ પોતાની સગી દીકરી પર છ વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. દીકરી સગીરામાંથી યુવતી થઇ ત્યાં સુધી પાપી પિતા તેને ચૂંથતો રહ્યો હતો. જોકે દીકરીએ હિંમત કરીને તેની માતાને તમામ હકીકત જણાવતાં હવસખોર પિતાનો ભાંડો ફૂટી ગયો છે. દીકરીના વાત સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને દીકરીને લઇને માતા પોલીસ મથકે પહોંચી હતી. દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી નરાધમ પિતાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
તેજસ્વી યાદવને પાઠવ્યા સમન્સ
ગુજરાતીઓને ઠગ કહેવાના બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના નિવેદન મામલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ મામલે અત્યારસુધીમાં રાજ્યમાંથી કુલ 15 સાક્ષીની જુબાની લેવામાં આવી છે તેમ જ ખાનગી ન્યૂઝ ચેનલ પાસેથી તેજસ્વી યાદવના વીડિયોના ઓરિજિનલ પ્રૂફ લેવામાં આવ્યા હતા. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું છે. સમન્સમાં તેજસ્વી યાદવે 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે.
વકીલે કોર્ટ ઇન્કવાયરી ક્લોઝિંગની પ્રોસિજર રજૂ કરી ઉલ્લેખનીય છે કે અગાઉની સુનાવણીમાં અરજદારના વકીલ દ્વારા કોર્ટ ઇન્કવાયરી ક્લોઝિંગની પ્રોસિજર રજૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં રહેતા હરેશ મહેતાએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે આઇપીસીની કલમ 499, 500 અંતર્ગત ગુજરાતીઓને ઠગ કહેવા બદલ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી. 8 ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં સીઆરપીસીના નિયમ 202 મુજબ, ઇન્કવાયરી પૂર્ણ થતાં અરજદારના વકીલે આરોપી તેજસ્વી યાદવ સામે નિયમ 204 અંતર્ગત સમન્સ કાઢવા માગ કરી હતી. અરજદારના વકીલ પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 364 જ્ઞાતિના લોકો રહે છે. કોઈ એક વ્યક્તિને કંઈ કહ્યું હોય તો ઠીક, આ સમગ્ર ગુજરાતના લોકોનું અપમાન છે. આરોપી એક રાજ્યના ઉપમુખ્યમંત્રી છે. તેનું નિવેદન સમાજના લોકોને અસર કરે છે. આ મુદ્દે આગામી સુનાવણી 28 ઓગસ્ટે હાથ ધરાશે.
તેજસ્વી યાદવ શું બોલ્યા, જેને લઈ બદનક્ષીનો કેસ નોંધાયો
ફરિયાદની સાથે ન્યૂઝ ચેનલના ફૂટેજ પણ મૂક્યા છે. ફરિયાદમાં એવી રજૂઆત કરાઈ છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે ‘જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લે કે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’
મુકેશ અંબાણીએ જામનગર માટે કરી જાહેરાત
સોમવારે મળેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં મોટાં એલાન કરવામાં આવ્યાં છે. વાત જાણે એમ છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં મોટા ફેરફારની સાથે જામનગરને લઈ પણ મોટા સમાચાર સામે આવ્યા છે. આ બોર્ડમાં આકાશ, અનંત અને ઈશા અંબાણીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
જામનગરમાં ગીગા ફેક્ટરી બનાવશે રિલાયન્સ રિલાયન્સ AGM 2023માં તેમના સંબોધનમાં RILના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે જૂથ 2026 સુધીમાં બેટરી ગીગા ફેક્ટરી સ્થાપશે. આ સુવિધા ગુજરાતના જામનગરમાં સ્થાપિત કરવામાં આવશે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના નવા એનર્જી બિઝનેસમાં રૂ. 75,000 કરોડનું રોકાણ કર્યું છે. જ્યારે જામનગર રિફાઈનરીની ફોકસ કેમિકલ ઉત્પાદન પર રહે છે. RIL કંપનીના નવા ઊર્જા કારોબાર માટે સતત નવા રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
.