ભાવનગર33 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાવનગર શહેરના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે લોકાર્પણના 11 મહિનામાં જ 1 લાખથી વધુ બાળકો, વિદ્યાર્થીઓ અને લોકોએ મુલાકાત લીધી હતી, સાયન્સ ટેકનોલોજી સાથે ઈતિહાસનો દ્રશ્ય, શ્રાવ્ય માધ્યમોનો ખજાનો વિજ્ઞાન ટેકનોલોજી સાથે ઈતિહાસનું જ્ઞાન પિરસતુ અનોખુ ભાવનગરનું રીજીયોનલ સાયન્સ સેન્ટર છે, જેમાં પાંચ ગેલેરીઓ આવેલી છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા અત્યાધુનિક રીજીયોનલ સાયન્સ સેન્ટર (RSC) ભાવનગર વિકસાવવામાં આવ્યું છે. જેમા પાંચ અતિઆઘુનિક વિવિધ ગેલેરીઓના માઘ્યમથી ‘STEM’ પ્રત્યે લોકોમાં જાણકારી અને રુચિ વઘારવા માટે ભાવનગરમાં આર.એસ.સી. કેન્દ્ર છે. જેમાં મુખ્ય આર્કષણ તરીકે મરિન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઇલ ગેલેરી, બાયોલોજી સાયન્સ ગેલેરી, ઈલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરી તથા નોબેલ પારિતોષિક ગેલેરી અને સાથે 200 સીટનું ઓડિટોરિયમ અને ખાસ બાળકો માટે સુસંગત ડિઝાઇન ધરાવતુ છે. 11 મહિનામાં જ 395 શાળાઓના 39 હજારથી વધુ વિદ્યાર્થીઓ સહિત 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.
શું છે રીજીયોનલ સાયન્સ સેન્ટરની વિશેષતા
મરિન એકવેટિક: ભાવનગરના તટવર્તી પ્રદેશથી પ્રેરિત, મરિન એક્વેટિક ગેલેરી દરિયાઈ જીવસૃષ્ટિ તથા વિવિધ પ્રજાતિઓને લગતા વૈજ્ઞાનિક અભ્યાસ થતા અભિગમને પ્રદર્શિત કરે છે. મુલાકાતીઓને દરિયાઈ જીવસૃષ્ટિની વૈવિધ્ય સભર દુનિયામાં ડુબકી લગાવવાનો મોકો મળે છે.
ઓટોમોબાઇલ: આઈ સી એંજીન્સ થી વિમાનો અને હાઈડો મોબિલિટી, ઓટોમોબાઇલ વિજ્ઞાન ચોમેર પ્રસરેલુ છે. આ ગેલેરીમાં વર્કશોપની પણ સુવિધા વિકસાવવામાં આવેલ છે. વિવિધ હિસ્સાઓ ને સમજી શકે છે.
બાયોલોજી સાયન્સ: બાયોલોજી સાયન્સ ગેલેરી જીવનને લગતા સામાન્ય સિદ્ધાતો તથા વિવિધ પ્રજાતિઓ અને નિવસનતંત્રોને આવરે છે.
ઈલેક્ટ્રોમિકેનિક્સ ગેલેરી: વિધ્યુત અને ચુંબક વચ્ચેના સંબંધને નવીન પદ્ધતિઓથી પ્રદર્શિત કરે છે. આ ગેલેરીમાં મુલાકાતીઓ હોલ ઓફ ટેસ્લામાં મંત્રમુગ્ધ થઇ જાય છે,મેગલેવ અને બુલેટ ટ્રેઈનના કામ કરતા મોડેલ્સ નિહાળી શકે છે, જે મુખ્ય આકર્ષણો માણી રહ્યા છે.
નોબેલ પ્રાઈઝ –ફિઝિયોલોજી એન્ડ મેડિસિન ગેલેરી:આ ગેલેરી ફિઝિયોલોજી એન્ડ મેડિસિન ક્ષેત્રે નોબૅલ પારિતોષિક મેળવનારાઓને સમર્પિત છે, જેમાં બધા નોબૅલ પારિતોષિક વિજેતાઓ સમાવિષ્ટ છે કે જેઓના યોગદાનને લીધે લાખો લોકોના જીવન ને અસર પડી છે.
ગુજકોસ્ટ દ્વારા ધોરણ 10 સુધીના શાળાના વિદ્યાર્થીઓ માટે “માનવજાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” થીમ પર, રિજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે નવેમ્બર દરમિયાન રાજ્ય કક્ષાના નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના 33 અને સંયોજકો સહિત કુલ 330 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, એજ રીતે સાયન્સ સમર કેમ્પ, મોન્સુન ફેસ્ટિવલ, આલ્ફ્રેડ નોબેલના જન્મ દિવસ પર નોબેલ પારિતોષિક વિજેતાનું સંમેલન, લાઇવ સ્ટ્રીમિંગ, ચન્દ્રયાન-3 લોન્ચ અને આદિત્ય એલ-1 નું લાઇવ સ્ટ્રીમિંગ જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરીને સાયન્સને લોકોના ઘર સુધી પહોંચાડ્યું છે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર વિજ્ઞાન અને ટેક્નોલોજીના નવા ક્ષેત્રે યુવા પેઢીને પ્રોત્સાહિત શિક્ષિત કરનાર અને આત્મવિશ્વાસ વધારનાર આધાર રૂપી કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગર આશરે 20 એકર જમીન ઉપર જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહિત કરે તથા જીવન પર્યન્ત શીખવાની વ્રુતિ ને ચાલુ રાખે તેવી વાઇબ્રન્ટ ડિઝાઈન ધરાવે છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર પ્રોજેક્ટની લાગત લગભગ 100 કરોડ છે. ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં વિજ્ઞાન અને તકનીકી આધારિત ઇનોવેશનનું કેન્દ્ર છે. અને સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લા અને રાજ્ય કક્ષાના વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથો-સાથ ભાવનગર જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વિજ્ઞાન પર્યટનનું કેન્દ્ર છે.