અમદાવાદ3 કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદના ઓઢવ પોલીસ મથકે વર્ષ 2013માં 16 વર્ષીય સગીરાને ભગાડી જવાના અને દુષ્કર્મના કેસમાં 05 આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 363, 366, 376, 201, 114 તેમજ પોકસોની કલમ 3, 4 અને 17 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં 10 વર્ષે ચુકાદો આપતા પોકસો કોર્ટે મુખ્ય આરોપી સચિનને 07 વર્ષ જેલની સજા અને અન્ય સહ આરોપીઓને પંદર હજાર ભરીને છોડી મુક્યા હતા. આ કેસમાં સરકારી વકીલ વી.સી ચાવડાએ પીડિતા વતી દલીલો કરી હતી.
16 વર્ષીય સગીરાને ભગાડી જવાના અને દુષ્કર્મના કેસ
કેસની વિગતો જોતા સગીરા પોતાના ઘરેથી ટોયલેટ જવા નીકળ્યા બાદ ઘરે પરત ફરી ન હતી. તેમજ તેના અને આરોપી સચિનના મિત્રો અને સગાઓ મારફતે બાપુનગર, પાલનપુર, વડોદરા, ઉદેપુર ગઈ હતી. જેથી સગીરાને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જવાની ફરિયાદ ઓઢવ પોલીસ મથકે નોંધાઇ હતી. આરોપી સગીરાના સંપર્કમાં ઘટનાના એક વર્ષ પહેલાથી આવ્યો હતો.
લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સબંધ બાંધ્યા
ઉલ્લેખનીય છે કે ભાગ્યા પહેલા સગીરા તેના કાકાને ત્યાં દિવાળીમાં રહેવા ગઈ હતી. જ્યાં સચીન તેને મળવા આવ્યો હતો. તે તેને એક રૂમમાં મળી હતી. તેમજ સચીને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. સગીરાની કાકીએ દરવાજો ખખડાવતા તેમાંથી સચિન દોડીને બહાર નીકળ્યો હતો. તે વિશે સગીરાને પૂછતાં તે તેનો બોયફ્રેન્ડ હોવાનું અને તે અંગે તેણીના માતા-પિતાને ન જણાવવાનું કહ્યું હતું. આથી સગીરાની કાકીએ સગીરાને તેના ઘરે પરત મૂકી આવવા સગીરાના કાકાને જણાવ્યું હતું. આ ઘટના સગીરાના ઘર છોડીને ગયા પહેલાની છે.
રિપોર્ટમાં જબરદસ્તી કરી હોવાનું સામે આવ્યું નથી
સગીરા તેના ઘરેથી પૈસા લઈને ભાગી હતી. જેની જોડે સચીને જવા ના પાડી હતી. પરંતુ સગીરા અમદાવાદ પરત ફરતા સચીન તેને ઓઢવ પોલીસ ચોકી ઉતારી ગયો હતો. પોલીસે આ કેસ સંદર્ભે વર્ષ 2014 માં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આરોપી પક્ષે દલીલ કરી હતી કે ફરિયાદી પક્ષ દુષ્કર્મ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. પીડિતા ઓળખીતાઓની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગઈ હતી. તેમાં સચીનનો કોઈ ભાગ નહોતો. બાયોલોજીકલ રિપોર્ટમાં જબરદસ્તી કરી હોવાનું સામે આવ્યું નથી.
કોર્ટે આરોપી એવા સચિનને 07 વર્ષની જેલ ઉપરાંત 50 હજારનો દંડ કર્યો
જો કે કોર્ટે અવલોકન નોંધ્યું હતું કે સમાજમાં આવા ગુના વધી રહ્યા છે. આવા કેસમાં સગીર છોકરીની સહમતી હોવાને પણ માન્ય ગણી શકાતી નથી. કોર્ટે મુખ્ય આરોપી એવા સચિનને 07 વર્ષની જેલ ઉપરાંત 50 હજારનો દંડ કર્યો હતો. જે દંડની રકમ કોર્ટે પીડિતાને વળતર રૂપે આપવા હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સેશન્સ કોર્ટ અંતર્ગતની સ્પેશિયલ પોકસો કોર્ટે કુલ 21 સાહેદ અને 38 દસ્તાવેજી પુરાવા ચકાસ્યા હતા. દસ્તાવેજી પુરાવામાં આરોપી અને પીડિતાના કપડા, FSL રિપોર્ટ, બંનેના મેડિકલ રિપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.