પોરબંદર43 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર પોરબંદરના સયુંકત ઉપક્રમે આજરોજ 05 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ બિરલા હૉલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુ કારાવદરાના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુ કારાવદરા જણાવ્યું હતું કે, આજરોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે શિક્ષકોએ સમાજની કરોડરજ્જુ સમાન છે. જેમ કુંભાર પોતાની આગવી કળાથી માટીના ઘડાનું નિર્માણ કરે છે. તેવી જ રીતે શિક્ષકો બાળકોના ભવિષ્યનું ઘડતર કરે છે. માતાપિતા બાદ જો કોઈ બાળકના ઘડતરમાં મહત્વપૂર્ણ માધ્યમ હોય તો તે એક શિક્ષક છે.
આ તકે જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી જણાવ્યું હતું કે, જીવનમાં શિક્ષણનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ શિક્ષકનું પણ છે. કોઈપણ બાળકની સફળતામાં માતાપિતા બાદ સૌથી અમૂલ્ય યોગદાન શિક્ષકનું હોય છે. બાળક જ્યારે અભ્યાસ કરવાનું શરૂ કરે ત્યાંથી લઈને સફળતાના શિખરો સર કરે ત્યાં સુધીનું યોગદાન શિક્ષકનું હોય છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, શિક્ષણએ કોઈ વ્યવસાય નથી પરંતુ સેવાધર્મ છે. કોઈ વિદ્યાર્થી કે બાળક દ્વારા જાહેરમાં કોઈપણ સ્થળે પોતાના ગુરુને જોઈ વંદન કરે તે એક શિક્ષક માટે શ્રેષ્ઠ પારિતોષિક છે. આજરોજ અહીંયા સુંદર કામગીરી કરી પારિતોષિક પ્રાપ્ત કરનાર શ્રેષ્ઠ શિક્ષકોને હું અભિનંદન પાઠવું છું. તેમજ ગૌરવની લાગણી અનુભવું છું.
ઉલ્લેખનીય છે કે, તાલુકા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરનારા શિક્ષકોને 05 હજારનો ચેક તેમજ શાલ અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા. જ્યારે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરનારા શિક્ષકોને 15 હજારનો ચેક, શાલ અને પ્રશસ્તિપત્ર આપી પુરસ્કૃત કરાયા હતા.
જેમાં જિલ્લા કક્ષાએ પે સેન્ટર કુમાર શાળા પોરબંદરના દર્શના માવદીયા તેમજ તાલુકા કક્ષાએ ચિકાસા પ્રાથમિક શાળાના ચૌહાણ ચંદ્રિકા, ખંભાળા પે સેન્ટર શાળાના પંચમતિયા અંકિતા તેમજ આદિતપરા પ્રાથમિક શાળાના જોશી પ્રજ્ઞાને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતાં.
તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર 13 જેટલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં જ્ઞાન સાધના પરીક્ષામાં કુલ 06 તથા જ્ઞાન સેતુ પરીક્ષામાં કુલ 07 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. તેમજ મહાત્મા ગાંધી અંગ્રેજી માધ્યમ શાળાના 04 શિક્ષકોને પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરી ફૂલ પે માટેના ઓર્ડર મહાનુભાવોને હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
.