વડોદરા26 મિનિટ પેહલા
- કૉપી લિંક
- લગ્નની લાલચ આપી ઠગાઈ કરનાર આરોપી ભોપાલથી ઝડપાયો
મધ્યપ્રદેશનાં ભોપાલમાં રહેતા અને MBAનો અભ્યાસ કરીને જાણીતી ટેલિકોમ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં યુવાને બિઝનેસમેન, ડૉક્ટર અને ડાયમંડ કિંગની ઓળખ આપીને મેટ્રોમોનિયલ સાઇટ પર યુવતીને ફસાવી હતી અને અંગત પળોનાં ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી 12.67 લાખ પડાવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમે આરોપી યુવક રોહિત સિંગની ભોપાલથી ધરપકડ કરી છે.
ફેક આઈડીથી મારો સંપર્ક કર્યો
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ નોંઘાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી રોહિત રાકેશ સિંગ (ઉં.33), (રહે. તા. હુઝુર જિ. ભોપાલ, મધ્યપ્રદેશ) જુલાઇ-2019માં મેટ્રોમોનિયલ સાઇટમાં ફેક આઇડી પરથી મારી સાથે વાત કરીને તેનો મોબાઇલ નંબર આપ્યો હતો અને તેને પોતાની ઓળખ અનુરાગ શર્મા તરીકે આપી હતી અને મારો વિશ્વાસ કેળવીને મારી સાથે વોઈસ કોલ, વ્હોટ્સએપ કોલ તથા ઈન્સ્ટાગ્રામ આઈડીમાં ચેટ કરીને લગ્ન કરવાની લાલચ આપી હતી.
મારા ફોટો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી
મારી પાસેથી મારા અંગત પળોનાં ફોટો તથા વીડિયો મેળવીને તે ફોટાઓ તથા વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મને ડરાવી ધમકાવીને તેનો બેન્ક ખાતા નંબર આપી બળજબરીપૂર્વક કુલ રૂ.12,67,864 વર્ષ-2019થી આજ દિન સુધીમાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. મારી સાથે ઓનલાઇન માધ્યમથી સંપર્કમાં આવીને રોહિત સિંગે મારી સાથે છેતરપિંડી આચરી હતી.
આરોપી ભોપાલથી પકડાયો
આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા એનાલિસિસ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તુરંત જ એક ટીમ મધ્યપ્રદેશનાં ભોપાલ ખાતે રવાના કરવામાં આવી હતી. આરોપી રોહિત સિંગની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને 5 દિવસનાં રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીએ MBAનો અભ્યાસ કરેલ છે અને તે જાણીતી ટેલિકોમ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.
ગુનાની મોડસ ઓપરેન્ડી
આરોપી મેટ્રીમોનિયલ સાઇટ તેમજ અલગ-અલગ સોશિયલ મેડિયા એપ્લિકેશનમાં ફેક આઈડીઓ બનાવી તેના માધ્યમથી યુવતીઓ સાથે મિત્રતા કેળવીને લગ્નની લાલચ આપીને અંગત પળોનાં ફોટો અને વીડિયો મેળવીને તે વાઈરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવવાતો હતો. આરોપનાં 4થી વધુ વ્હોટ્સએપ એકાઉન્ટ, 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, મેટ્રોમોનિયલ સાઇટ પર 2 આઇડી, 2 સ્નેપચેટ એકાઉન્ટ, 4 ફેસબુક એકાઉન્ટ ધરાવે છે અને 150થી વધુ યુવતીઓનાં સંપર્કમાં આવ્યો હતો.
યુવતીઓને ફસાવી રૂપિયા પડાવતો હતો
સોશિયલ મીડિયાનાં માધ્યમ ઉપર વિવિધ પ્રોફાઇલસ બનાવી તેમાં અલગ-અલગ કંપનીઓનાં મેનેજર તથા માલિક તરીકેની પોતાની ઓળખ આપી સેલેરી પેકેજ કરોડોમાં બતાવી તેમજ પ્રોફાઈલમાં મોંધી ગાડીઓના ફોટા મૂકી પોતે બિઝનેસમેન તરીકેનુ ખોટું રુપ ધારણ કરીને વાતયીત યાલુ કરતો હતો. ત્યારબાદ પર્સનલ સેક્રેટરી તરીકે પણ કામ આપવાનું જણાવી તેમની સાથે અંગત પળો માણવા માટેનું કામ કરવાનું જણાવી યુવતીઓને ફોસલાવી વિશ્વાસમાં લઈને તેમના ફોટા તથા વીડિયો મેળવી લઇ કે વીડિયો કોલ કરીને તેનું રેકોર્ડીંગ કરીને તે વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવતો હતો.
ગરીબ કે લાયાર બનીને રુપિયાની માગણી કરતો
પોતાની ઓળખ ડોક્ટર તરીકેની આપીને પણ છોકરીઓને નોકરી આપવાની લાલચ આપી તેઓ પાસેથી અશ્વીલ માંગણી કરતો હતો. વિવિધ મેટ્રોમોનિયલ વેબસાઇટમાં પ્રતિષ્ઠિત ડાયમંડ કિંગ તરીકેની આઇડી બનાવી તે આઇડીના માતા તરીકે બીજુ એક આઇડી બનાવી છોકરી સાથે વાત કરી ડાયમંડ કિંગ સાથે લગ્નની લાલચ આપતો હતો અને ત્યારબાદ ડાયમંડ કિંગ તરીકે પોતે વાત કરીને છોકરીને વિશ્વાસમાં લઇ છેતરપિંડી કરતો હતો. તો વળી ક્યારેક ગરીબ કે લાયાર બનીને અલગ અલગ બહાનાથી રૂપિયાની માંગણી કરતો હતો.
10થી વધુ ઇ-મેઇલ આઇડી પણ મળી આવ્યા
પોતે યુવતીની ઓળખ ધારણ કરીને પણ અન્ય યુવતીઓ તથા યુવાનો સાથે વાત કરી તેઓને અલગ અલગ બહાનાથી અશ્લિલ માંગણી કરતો હતો અને તેઓના અંગત પળોના ફોટાઓ તથા વીડિયો મેળવી બ્લેક મેઇલ કરતો હતો. પોતે યુવતી તરીકેની પ્રોફાઇલ બનાવીને છોકરીઓને સ્ટોકિંગ પણ કરતો હતો. તે મોંઘી હોટેલમાં મોજ શોખ પૂરા કરતો હતો અને તેના 10થી વધુ ઇમેઇલ આઇડી પણ મળી આવ્યા છે. તે ટિન્ડર નામની એપ પણ વાપરતો હતો.
150થી વધુ યુવતીઓના સંપર્કમાં હતો
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એન. પટેલે જણાવ્યું હતું કે, યુવકે 150થી વધુ યુવતીઓના સંપર્કમાં હતો અને તેમની સાથે ચેટ કરતો હતો અને ઘણી યુવતીઓ પાસેથી નાણાં પડાવ્યા હતા. વડોદરાની યુવતીની ફરિયાદના આધારે અમે આરોપી રોહિત સિંગને ભોપાલથી ઝડપી પાડ્યો છે અને તેના રિમાન્ડ મેળવીને તેની પૂછપરછ શરૂ કરી છે.
સાયબર ક્રાઇમની સેફટી ટિપ્સ
- અજાણ્યા વ્યકિતથી વીડિયો કોલ ઉપર વાત કરવાનું ટાળો.
- પોતાના અંગત ફોટા વીડીયો સોશ્યલ મીડિયા પર કોઇ પણ વ્યકિતને શેર કરવા નહીં
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અજાણી વ્યકિત સાથે નાણાંકીય વ્યવહાર કરવો નહીં. જો આપને આ પ્રકારના સાયબર ક્રાઇમમાં કોઇ પણ વ્યકિત બ્લેકમેલ કરે તો આપ તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર 1930 પર ફરીયાદ કરી શકો છો.
- લગ્ન માટે ઉત્સુક યુવક યુવતીઓએ કોઇ મેટ્રોમોનિયલ સાઇટ પર આકર્ષક પ્રોફાઇલ ધરાવતી અને ઓનલાઈન મળેલ વ્યક્તીને રૂબરૂ મળી ખરાઈ કર્યા શિવાય વિશ્વાસ કરવો નહીં કે, તેઓને પોતાના અંગત ફોટો કે વીડિયો આપવા નહી કે કોઈ પણ જાતનો નાણાકિય વ્યવહાર કરવો નહીં.
.