જૂનાગઢએક કલાક પેહલા
- કૉપી લિંક
જૂનાગઢ જિલ્લાના માંગરોળનો એક યુવાન આફ્રિકાના કોંગોમાં ફસાયો હોવાની જાણ તેના પરિવારજનને કરી હતી. જેથી પરિવારજનોએ માંગરોળ પોલીસને જાણ કરતા જૂનાગઢ પોલીસે મામલાની ગંભીરતા સમજી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો હતો અને યુવકના જીવનો જોખમ ન થાય તે માટે એમ્બેસીની મદદ માગી હતી. અંતે આ યુવક પરત પોતાના વતનમાં આવી જતા પરિવારજનો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
શું હતો સમગ્ર મામલો?
જૂનાગઢ જિલ્લાના માંગરોળનો રહેવાસી ફરહાન નામનો યુવાન સાડા ચાર વર્ષથી આફ્રિકાના કોંગોમાં નોકરી કરતો હતો. માંગરોળ પરત ફરેલા ફરહાને કહ્યું હતું કે, તેમને ત્યાં રહેવામાં અને નોકરી કરવામાં કોઈ તકલીફ ન હતી. તે જૂન મહિનામાં અહીં પરત ફરવાનો હતો. પરંતુ, સ્ટોરના હિસાબમાં ઘટ આવતા અંદાજે 80 લાખ રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. જે વાત મારા પરિવારને કરતા મારાપિતાએ પોલીસની મદદ માગી હતી.
શું કહી રહ્યા છે ફરહાનના પિતા?
ફરહાનના પિતા મુનાફભાઈ પરમારે કહ્યું હતું કે, તેમના પુત્રએ જૂન મહિનામાં પરત આવવાનો ફોન કરતા તેઓ ખુશ હતા. પરંતુ, થોડા દિવસ બાદ ત્યાંથી અજાણી વ્યકિતનો ફોન આવ્યો હતો અને તેને 80 લાખ રૂપિયા જમા કરાવે તો જ પોતાનો પુત્ર ભારત પરત ફરશે તેમ જણાવતા તેઓ ગભરાઈ ગયા હતા. જેથી મેં માંગરોળ અને જૂનાગઢ પોલીસને જાણ કરી હતી. મારો પુત્ર હેમખેમ પરત ફરી જતા જૂનાગઢ પોલીસનો આભાર.
શું કહી રહી છે પોલીસ?
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું હતું કે, ફરહાનના પિતા પર અજાણી વ્યકિતનો ફોન આવ્યાની અને પૈસાની માગણી કર્યાની જાણ પોલીસને થતા જ માંગરોળ પોલીસ સ્ટેશન, ડીવાયએસપી, તત્કાલીન એસપી અને રેન્જ આઈજીએ મામલાની ગંભીરતાને જોતા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સંકલન કર્યું હતું. ત્યાં ફસાયેલા ફરહાનના જીવને જોખમ ન થાય તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા. અંતે ફરહાન 11 ઓગસ્ટે તેના ઘરે માંગરોળ પરત ફર્યો છે.