પંચમહાલ (ગોધરા)14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોધરા શહેરના જાફરાબાદ ફાટકથી નાલંદા સ્કૂલ સુધી આજુબાજુમાં આવેલી મોટાભાગની સોસાયટીઓમાં વરસાદી પાણીના ભરાવાથી મુખ્ય માર્ગોની હાલત બદતર બની છે. જેના લીધે રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. બીજી બાજુ વરસાદી પાણીના ભરવાના લીધે ચારેય બાજુ કાદવ કીચડ થઈ ગયું છે. જેના કારણે સ્થાનિક રહીશોને અવર-જવર કરવા માટે ભારે હાલાકી ભોગવી પડે છે. સ્થાનિક નગરપાલિકા સભ્યોને આ બાબતે જાણ હોવા છતાં પણ તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે, જ્યારે આ બાબતે ત્યાં સ્થાનિક રહીશો અનેક વખત નગરપાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ તેઓની સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી.
ગોધરા શહેરના વોર્ડ નં-2માં સમાવેશ થતી કૃપાલુ આશ્રમથી દર્શન સોસાયટી, નાલંદા સ્કૂલ, નાલંદા સોસાયટી વ્રજધામ, સુભદ્ર પાર્ક, ધરણીધર, આશાપુરી જેવી અનેક સોસાયટીઓ આવેલી છે ત્યાં 10 હજાર કરતા વધારે લોકો વસવાટ કરે છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ ન હોવાના કારણે સોસાયટીના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને ચોતરફ કાદવ કીચડના કારણે વાહન ચાલકોને પોતાના વાહનો કાદવ કીચડમાંથી લઈ જઉં પડે છે. ત્યારે ઘણી વખત ફોરવ્હીલ જેવા વાહનો કાદવ કીચડ ફસાઈ જાય છે અને મહામુશ્કેલીથી વાહન બહાર કાઢવું પડે છે.
ચારેય બાજુ પાણીના ભરવાના લીધે સ્થાનિક રહીશોને અવરજવર કરવા માટે ભારે વિપદા ભોગવી પડી રહી છે. વરસાદી પાણીના ભરાવાના લીધે સોસાયટીના મુખ્ય માર્ગોના રસ્તાઓ ધોવાણ થઈ જતા રસ્તા ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. બીજી બાજુ અહી નાલંદા સ્કૂલ આવેલી છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે. ત્યાંજ વરસાદી પાણીના ભરાવા લીધે વિદ્યાર્થીઓને કાદવ કીચડ અને પાણીના ભરાવામાંથી પસાર થવું પડે છે. જેના લીધે વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણકે પાણીના ભરાવાના કારણે રોગચાળો થવાની શકયતા નકારી ન શકાય.
વરસાદી પાણીના ભરાવાના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધવા લાગ્યો છે. જેના કારણે મેલેરિયા ડેન્ગ્યુ જેવી બીમારીઓએ દસ્તક દે તેવી શક્યતાઓ વધવા લાગી છે. વોર્ડ નં.2માં સમાવેશ થતી તમામ સોસાયટીના રહીશોની માંગ છે કે વહેલી તકે તેમની સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ અને રસ્તાઓનું સમારકામ કરી ખાડાઓ પુરવામાં આવે.