ભાવનગર25 મિનિટ પેહલા
- કૉપી લિંક
રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે “ચંદ્રયાન -3 મિશનના લોન્ચ” ના લાઈવ સ્ટ્રીમિંગ ને બહોળો પ્રતિસાદ મળ્યો હતો જેને અનુલક્ષીને રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે આગામી તા.23 ઓગસ્ટના રોજ “ચંદ્રયાન -3 મિશન અંતગર્ત ચન્દ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના સોફ્ટલેન્ડ”નું લાઈવ સ્ટ્રીમિંગનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી કાર્યક્રમમાં ભાગ લઇ શકશે.
ભાવનગર અને આસપાસના વિસ્તારના લોકોમાં વિજ્ઞાન પ્રત્યે લાગણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોઘોગિકી વિભાગના ગુજકોસ્ટ દ્વારા RSC ભાવનગરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જે અતિઆઘુનિક વિવિઘ ગેલેરીઓના માધ્યમથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોમાં વૈજ્ઞાનિક સ્વભાવના વિકાસ, તકનીકી જાગૃતિ અને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ને લોકપ્રિય બનાવવા પ્રોત્સાહન પુરુ પાડે છે.
આપણે સૌ જાણીએ છીએ એમ ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈ-2023ના રોજ પૃથ્વી પરથી ચંદ્ર યાત્રાએ રવાના થયું હતુ અને આ સાથે ચંદ્રયાન-3 અવકાશયાને ચંદ્રની ભ્રમણકક્ષામાં સંપૂર્ણ સફળતાથી પ્રવેશ કર્યો છે. ઉપરાંત સ્પેસક્રાફ્ટે ચમકતા ચંદ્રની તસવીર પણ મોકલે છે, જે ઈસરો દ્વારા સમયાંતરે શેર કરવામાં આવે છે . ચંદ્રયાન-3ની ચંદ્ર યાત્રા પર ઇસરોના ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
અધિકૃત માહિતી મુજબ ચંદ્રયાન-3નાં પ્રોપલ્ઝન મોડયુલને તેનાં લેન્ડર મોડયુલથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે. આ સાથે ભારતની ચંદ્રયાત્રાનું આખરી ચરણ શરૂ થયું છે. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે, ચંદ્રની સપાટી ઉપર સોફટ લેન્ડીંગ કરશે. આ લેન્ડીંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી ઉપર થશે. તે માટે લેન્ડર વિક્રમે પોતાની સફર શરૂ કરી છે.
જેમ “ચંદ્રયાન -3 મિશન ના લોન્ચ” નિમિત્તે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એવી જ રીતે “ચન્દ્રની સપાટી પર વિક્રમ લેન્ડર ના સોફ્ટલેન્ડ”નું રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓ અને આર.એસ.સી ના સ્ટાફ માટે લાઇવ સ્ટ્રીમિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજિસ્ટ્રેશન કરાવવા 9586100600 – રાજદીપસિંહ ઝાલાનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.ગિરિશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવશે.