સાબરકાંઠા (હિંમતનગર)3 કલાક પહેલા
- કૉપી લિંક
LCBની ટીમે ઘરફોડ ચોરી કરતી શીખલીગર ગેંગને ઝડપી પાડી…
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુજરાત તથા આંતરરાજ્યમાં ઘરફોડ ચોરી કરતી શીખલીગર ગેંગના ચાર શખ્સોને ઝડપી લઇ ઘરફોડ ચોરીના 6 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. પોલીસે ત્રણ લાખ રોકડ, સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 30.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.
આ અંગે જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું હતું કે, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 15 લાખની ઘરફોડ ચોરી અંગે નોંધાયેલા ગુનાની તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે ગુનો થયેલી જગ્યાએ સ્થળ વિઝીટ કરી હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આ ચોરીના ગુનામાં ગ્રે કલરની ટાટા અલ્ટ્રોઝ ગાડી શંકાસ્પદ હિલચાલમાં જણાઇ હતી. જેથી ખાનગી બાતમીદારો રોકી પોલીસે શકમંદ શખ્સો ઉપર વોંચ ગોઠવી હતી અને અગાઉ પકડાયેલા આરોપીઓની પ્રવૃત્તિ ઉપર વોંચ રાખી તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા માટે તથા શોધી કાઢવા માટેનો એકશન પ્લાન તૈયાર કરી ખેડબ્રહ્મા વિસ્તારમાં દિવસ અને રાત્રી દરમિયાન ખાનગી તેમજ સરકારી વાહનોમાં પેટ્રોલીંગ ચાલુ રાખવામાં આવ્યું હતું. જે દરમિયાન ગઈકાલે 5 ઓગસ્ટના રોજ LCBના PI એ.જી.રાઠોડ, PSI એ.જે.રાઠોડ, એલ.પી.રાણા ટીમના વિક્રમસિંહ, ચાંપાભાઇ, દેવુસિંહ, લીલાબેન,વીરભદ્રસિંહ, કલ્પેશકુમાર,સનતકુમાર, કમલેશસિંહ, હિમાંશુકુમાર, વિક્રમસિંહ, ધવલકુમાર, અમૃતભાઈ,ગોપાલભાઈ,વિજયકુમાર,પ્રકાશકુમાર, અનિરુદ્ધસિંહ, નિરીલકુમાર, રમતુજી,કાળાજી અને ચંદ્રસિંહ તમામ નાઇટ પેટ્રોલીંગમાં અલગ અલગ વાહનોમાં ફરતા હતા.
તે દરમિયાન શ્યામનગર ત્રણ રસ્તા હાઇવે ઉપરથી વડાલી તરફથી આવી રહેલી એક ગ્રે કલરની ટાટા અલ્ટ્રોઝ ગાડી શંકાસ્પદ જોવા મળતા સરકારી તથા ખાનગી વાહનોથી રસ્તો બ્લોક કરી ગાડીમાં બેઠેલા ઇસમોને કોર્ડન કરી અને તેમને પકડી લીધા હતા અને તેમની પુછપરછ કરતા તેઓ લખનસિંગ કિરપાલસિંગ ગુરૂબચ્ચનસિંગ સરદાર (ઉ.વ.29), સતનામસિંગ પ્રતાપસિંગ દરબારસિંહ બાવરી (શીખ) (ઉ.વ.32), સતપાલસિંગ ગુરૂબચ્ચનસિંગ સરદાર (ઉ.વ.27), મલીન્દરસિંગ કિરપાલસિંહ ગુરૂબચ્ચનસિંગ સરદાર (ઉ.વ.22 ) (તમામ રહે. બાલાજી સોસાયટી, મકાન નંબર 32,33 વાવ સતલાસણા) હોવાનુ જણાવ્યુ હતુ.
પોલીસે ગાડીના ડ્રોવરમાં રૂપિયા 500 ના દરની ચલણી નોટોના બંડલો નંગ 6 રૂપિયા 3લાખ તથા લોખંડનો જાડો સળીયો એક બાજુથી અંણીવાળો તથા બીજુ બાજુથી વળેલો તથા લોખંડના બે મોટા ડિસ્મીસ, એક લોખંડનુ પાનુ સહિતના સાધનો મળી આવ્યા હતા. જેઓની પુછપરછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે તેઓ ભુંડ પકડવાનુ કામ કરતા હોવાથી દિવસ દરમિયાન પીકઅપ ડાલા નંબર GJ-02-XX-5586 લઇને અલગ અલગ શહેરો તથા ગામડાઓમાં ભુંડ પકડવાના બહાને ફરીને બંધ મકાન જોવા મળે તો તેને જોઇ રાતના સમયે ગાડી લઇને ચોરી કરવા માટે નિકળતા હતા. થોડાક દિવસ અગાઉ ખેડબ્રહ્મા તેમજ મહેસાણા જિલ્લાના ખરોડ તથા રણસિંહપુર અને મહારાષ્ટ્ર રાજ્યના અકુલા જિલ્લાના બાલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 6 ઘરફોડ ચોરી કરી હોવાના ગુનાઓની કબુલાત કરી હતી.
પોલીસ પકડથી દુર આરોપીઓ
- સોનીયાકૌર લખનસિંગ કિરપાલસિંગ સરદાર (સીકલીગર)
- કિરણકૌર સતપાલસિંહ સરદાર (સીકલીગર)
પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલની વિગત
- રોકડ રૂપિયા 3 લાખ
- ટાટા અલ્ટ્રોઝ ગાડી નંબર GJ-02-DM-0569 કિંમત રૂપિયા ૪ લાખ
- ઘરફોડ ચોરીના સાધનો કિંમત રૂપિયા 200
- મોબાઇલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 15 હજાર
- સોના-ચાંદીના દાગીના, કાંડા ઘડીયાળ મળી કુલ રૂપિયા 2,02,320
- પીકઅપ ડાલુ નંબર GJI-02-XX-5586 કિંમત રૂપિયા 3 લાખ
- તેમજ બેન્ક ખાતામાં જમા કરેલ રૂપિયા 7,50,000
પોલીસે કયા આરોપીઓની ધરપકડ કરી
- લખનસિંગ કિરપાલસિંગ ગુરૂબચ્ચનસિંગ સરદાર (ઉ.વ.29)
- સતનામસિંગ પ્રતાપસિંગ દરબારસિંહ બાવરી (શીખ) (ઉ.વ.32)
- સતપાલસિંગ ગુરૂબચ્ચનસિંગ સરદાર (ઉ.વ.27)
- મલીન્દરસિંગ કિરપાલસિંહ ગુરૂબચ્ચનસિંગ સરદાર (ઉ.વ.22)
(તમામ રહે. બાલાજી સોસાયટી, મકાન નંબર 32,33, વાવ સતલાસણા)
સાબરકાંઠા LCBની ટીમે ગાંભોઇ વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇકો કારને ઝડપી લીધી…
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન વિદેશી દારૂ ભરીને આવતી ઇકો કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઇકો કારનો ચાલક ગાડી લઇને ભાગવા જતા પોલીસે તેનો પીછો કર્યો હતો. જોકે ઇકો કારનો ચાલક ગાડીને ખેતરમાં મુકી અંધારામાં નાસી ગયો હતો. ઇકો કારમાં તપાસ કરતા વિદેશી બિયર ટીન નંગ 648 કિંમત રૂપિયા 77,760 તથા ઇકો કાર કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 2,77,760 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં દારૂ, જુગારની ઘેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે જિલ્લા પોલીસવડા વિજય પટેલે કરેલા આદેશો મુજબ એલસીબી ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનોનું ચેકીંગ કરવામાં આવતું હતું. તે દરમિયાન બાવસર-હાથરોલ તરફથી એક સફેદ કરલની ઇકો કાર નંબર GJ-09-BJ-8939 ને રોકવાનો પ્રયાસ કરાયો હતો. તે દરમિયાન ગાડીના ચાલકે ગાડી પાછી વળાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
જેથી પોલીસને શંકા જતા ખાનગી તેમજ સરકારી વાહનો લઇ ઇકો કારનો પીછો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ઇકો ગાડી રોડની સાઇડમાં આવેલા ઇલેકટ્રીક ડીપી સાથે ટકરાઇ હતી. ત્યારબાદ ઇકો કારનો ચાલક કાર મુકીને અંધારાનો લાભ લઇ ખેતરમાંથી નાસી ગયો હતો. પોલીસે ઇકો કારમાં તપાસ કરતા કારમાંથી વિદેશી બિયર ટીન નંગ 648 કિંમત રૂપિયા 77,760નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ સહિત ઇકો કાર મળી કુલ રૂપિયા 2,77,760 નો મુદ્દામાલ જપ્ત કરી ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.