ગાંધીનગર30 મિનિટ પેહલા
- કૉપી લિંક
તાજેતરમાં નિવૃત આઈપીએસ જેબલીયાના પુત્ર સામે હાઈકોર્ટના બોગસ સ્ટે ઓર્ડર બનાવી 5 લાખ પડાવી લેવા મામલે કેટરીંગનાં વેપારીની ફરીયાદના આધારે સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણમાં સુરતના વિપુલ મેદપરાએ વેપારીનું અપહરણ કરી ગાંધીનગરના એક બંગલોમાં ગોંધી રાખી રિવૉલ્વર તાકીને ફરિયાદ પરત ખેંચી લેવા ધાક ધમકીઓ આપવામાં આવી હતી. જેનાં પગલે ગભરાઈ ગયેલા વેપારીએ ફરિયાદ પરત ખેંચી લીધી હોવાનું બહાર આવતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
હાઇકોર્ટમાંથી સ્ટે ઓર્ડર અપાવાનું કહી રૂ. 5 લાખ પડાવ્યા
અમદાવાદના કુબેરનગર ખાતે રહી કેટરીંગનો ધંધો કરતાં દિનેશ ખુશાલભાઈ રાણા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. તા.15 એપ્રિલથી 30 મે સુધીમાં નિવૃત આઈપીએસ બકુલભાઇ જેબલીયા પુત્ર નિરવે દિનેશનાં મિત્ર મેહુલ મેવાડાના સામેના ડ્રગ્સ કેસમાં પોલીસ અટકાયતી પગલાં ન ભરે તે માટે ગુજરાત હાઇકોર્ટમાંથી સ્ટે ઓર્ડર અપાવાનું કહી રૂ. 5 લાખ પડાવ્યા હતા. જોકે, હાઈકોર્ટનો નકલી સ્ટે ઓર્ડર હોવાની જાણ થતાં દિનેશ રાણાએ સોલા પોલીસ મથકમાં નિરવ જેબલીયા વિરુદ્ધ અરજી આપી હતી.
ફરિયાદ પાછી લેવા ધમકી આપી પણ ફરિયાદી ન માન્યો
આ મામલે 8 મી જૂનના રોજ દિનેશને સુરતના વિપુલ મેન્દપરાએ ફોન કરીને ઈન્ફોસિટી સબ વે કેફે સામે બોલાવ્યો હતો. જ્યાં વિપુલ મેન્દપરા અપ્લાય કોર રજીસ્ટર લખેલ ફોર્ચ્યુનર કારમાં આવ્યો હતો. જેની સાથે સાથે ડ્રાઈવર અને એક ગનમેન પણ હતો. બાદમાં દિનેશને ગાડીમાં બેસાડી વિપુલે ગાળો બોલીને કહ્યું હતું કે, તુ જે સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા જાય છે. તે આઇ.જી. રેન્જના અધિકારીનો છોકરો છે. તેમની સાથે ઘણા અધિકારી છે. તને ખોટા કેસમાં સંડોવી દેશે અને તને ખબર છે હુ કેવો વ્યકિત છું હું ધારુ તે પોલીસ સ્ટેશનમાં ફોન કરી શકુ છું. તને તારા સારા માટે કહું છું આ ફરીયાદ પાછી લઇ લે નહી તો આ બધા ભેગા મળી ખોટા કેસમાં ફસાવી દેશે. આથી દિનેશ ફરિયાદ પાછી લેવાની ના પાડીને હિંમતનગર જવા નિકળી ગયો હતો.
ફરિયાદી ન માનતા અપહરણ કર્યું
જેનાં એકાદ કલાક પછી વિપુલ મેંદપરા ફોન કરી ગર્ભિત ધમકીઓ આપી દિનેશને કોબા બોલાવ્યો હતો. બાદમાં ગાડીમાં દિનેશનું અપહરણ કરી અંબાપુર ગામમાં આવેલ સોસાયટીના બંગલામાં લઈ જવાયો હતો. જ્યાં ગાડીની ચાવી લઈ મોબાઈલ પણ ફલાઈટ મોડ પર મુકાવી દીધો હતો. બાદમાં બંગલામાં ગોંધી રાખી રાત્રે વૈષ્ણવદેવી સર્કલની આજુ-બાજુમાં કોઇ ફાર્મમાં જમવા લઈ ગયો હતો. જ્યાં ચાર પાંચ માણસો પણ હતા અને વિપુલે રિવોલ્વર ટેબલ પર મૂકીને ફરિયાદ પાછી ખેંચી લેવા મર્ડરની ધમકીઓ આપી હતી.
હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરતાં ગુનો દાખલ કરાયો
બાદમાં બીજા દિવસે સવારે વિપુલ મેંદપરા ફોર્ચ્યુનર ગાડીમાં દિનેશને સોલા પોલીસ સ્ટેશને લઈ ગયો હતો. આથી ગભરાઈ ગયેલા દિનેશ રાણાએ નિવૃત આઈપીએસનાં પુત્ર સામેની ફરિયાદ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવાનું નિવેદન આપ્યું હતું. બાદમાં વિપુલ પાછો ગાંધીનગરના બંગલે દિનેશને પાછો લઈ આવ્યો હતો અને આ મામલે કોઈ ચર્ચા નહીં કરવાનું વિપુલ કહેવા લાગેલો કે, હું મોટા માણસો સાથે બેસતો હોય તને ખોટા કેસમાં ભરાવી દઇશ. બાદમાં 25 હજાર દિનેશને આપીને રાજસ્થાન વતન જતા રહેવાની ફરજ પાડી હતી. જે મામલે દિનેશ રાણાએ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.