છોટા ઉદેપુર30 મિનિટ પેહલા
- કૉપી લિંક
છોટા ઉદેપુર જિલ્લા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરીને જતી બોલેરો ગાડી પકડવા જતા ખેપિયાઓએ પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં ખેપિયાઓને રોકવા પોલીસે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આખરે 3 ખેપિયાઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે 1 નાસી છૂટવામાં સફળ થયો હતો.
છોટા ઉદેપુર જિલ્લામાં ગત મોડી રાત્રે ફિલ્મોની સ્ટોરીને પણ ઝાંખી પાડી દે અને દીલ ધડક દૃશ્યો નજર સામે આવે તેવી ફિલ્મી ઢબે જિલ્લા પોલીસે ખેપીયાઓનો પીછો કરી 3 ખેપિયાઓને ઝડપી પાડયા હતા. વિગત એવી છે કે, છોટા ઉદેપુર જિલ્લા એલ.સી.બી.ની અલગ અલગ ટીમો રાત્રી દરમિયાન વિવિધ ઠેકાણે પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેજગઢ પાસેની ટીમને બાતમી મળી હતી કે, એક બોલેરો ગાડીમાં વિદેશી દારૂ આવી રહ્યો છે. જેથી પોલીસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી.
વોચમાં ગોઠવાઈ ગયેલી એલ.સી.બીની ટીમને એક પૂરપાટ ઝડપે મોટર સાયકલ અને તેની પાછળ નંબર વગરની બોલેરો ગાડી આવતી જણાતા તેને ઊભી રાખવા ઈશારો કર્યો હતો. પરંતુ બંન્ને વાહનો રાયસીંગપુરા તરફ હંકારીને એલ.સી.બીની ટીમની ગાડીને અથડાવવાનો પ્રયાસ કર્યો હતો.
એલસીબી ટીમે મોટી આમરોલ ટીમ અને રતનપુર ખાતે પાવી જેતપુરના પોલીસને આ અંગેની જાણ કરી હતી. ત્યાર બાદ તેજગઢ ખાતે ઊભેલી એલસીબીની ટીમે ખેપિયાઓનો પીછો કરતા મોટી આમરોલ પાસે બોલેરો ગાડીમાં બેઠેલા એક ઈસમે ગાડીમાંથી દારૂની બોટલો પોલીસની ગાડી પર ફેંકવાની ચાલુ કરી હતી.
આગળ પોલીસની અન્ય ટીમને અગાઉથી જાણ કરતા તેઓ પણ નાકાબંધી કરીને ઊભા હતા. ખેપીયાઓએ તેઓની ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ખેતરમાં કૂદીને પોતાનો બચાવ કર્યો હતો. ખેપિયાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
પાવી જેતપુરના પી.એસ.આઇ. હરપાલસિંહ જેતાવતને જાણ કરી હોવાથી તેઓ પણ પોતાના સ્ટાફ એલસીબીના માણસો સાથે રતનપુર પાસે ટ્રકની આડસ કરી નાકાબંધી કરીને ઊભા હતા. ત્યારે ત્યાં પણ ખેપિયાઓ ટ્રકની બાજુ પરથી બોલેરો કાઢી પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ખેપિયાઓને રોકવા એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વર વડે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. જ્યારે થોડે આગળ ઉભેલા પાવી જેતપુરના પી.એસ.આઇ. હરપાલસિંહ જેતાવતે પણ પોતાની રિવોલ્વર વડે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. તેમ છતાં ખેપિયાઓ પોલીસને હંફાવવા સફળ થઈ દારૂ ભરેલી ગાડી આગળ ભગાડી જવામાં સફળ થયા હતા.
ખેપિયાઓ પોલીસને હંફાવી હરખપુરથી વડાતલાવ રોડ પર એક બાઈકને પાઇલોટિંગ સાથે બોલેરો ગાડી હંકારી ગયા હતા. આગળ વડાતલાવ પાસે કાચા રસ્તે બોલેરો ગાડી ફસાઈ જતાં બે ખેપિયાઓ ગાડીમાંથી કૂદીને ભાગી ગયા હતા અને બાઈકચાલક બે જણા પણ બાઈક મૂકીને ખેતરમાં ભાગવા જતાં પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે બોલેરો ગાડીમાં સવાર એક ખેપિયો ઝડપાઈ ગયો હતો અને ચાલક રાતના અંધારામાં ભાગી છૂટવામાં સફળ થયો હતો.
આ બોલેરો ગાડીની તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની 1004 બોટલ કિંમત રૂ.1,50,700 સહિત કુલ રૂ.8,02,200ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે બેફામ બોલેરો ચલાવનાર ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો.