- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Katargam Zone Executive Engineer Transferred After Four Months To Remove 70 Illegal Properties, Talk Of Political Graft Orders
સુરત31 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરત મહાનગરપાલિકામાં રાજકીય રીતે અધિકારીઓની ફેરબદલી સતત થતી રહે છે. ઉલ્લેખનીય છે કે, નેતા હોય કે અધિકારીઓ હોય ફેરબદલી થાય એટલે રાજકીય ઈશારે આ કામગીરી થતી હોવાની ચર્ચાઓ ચાલુ થઈ જાય છે પરંતુ, કેટલાક અધિકારીઓ કહેવામાં રહેતા ન હોય અને યોગ્ય રીતે કામગીરી કરતા ન હોય તો તેમની બદલી થવી સ્વાભાવિક છે ત્યારે કતારગામ ઝોનમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરની રાત્રે બદલીના ઓર્ડરનું ફરમાન આવતા ચર્ચાએ જોર પકડ્યું છે.
સાડા ચાર મહિનામાં બદલી
કોર્પોરેશનના કતારગામ ઝોનમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા રાકેશ મોદીને હાઇડ્રોલિક વિભાગમાં બદલી કરી દેવાતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. સાડા ચાર મહિના સુધી તેમણે કતારગામ ઝોનમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવી છે. તે દરમિયાન તેમણે અંદાજે 70 જેટલી ગેરકાયદેસર સંપત્તિ દૂર કરાવી હતી, એટલું જ નહીં પરંતુ 70 લાખ કરતા વધારાનો વહીવટી ચાર્જ પણ વસૂલ કર્યો હતો.
સ્થાનિક નેતાઓના ઇશારે બદલી?
સુરત મહાનગરપાલિકામાં રાકેશ મોદીની બદલી થવાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. રાકેશ મોદીનું સ્થાનિક નેતાઓ સાથે સતત કોઈકને કોઈક બાબતે વિસંગતતા દેખાતી હતી. ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામને લઈને આવતી ભલામણોને કારણે જ વાદવિવાદ ઊભા થતા હતા. તાજેતરમાં જ સિંગણપોર ઓમકાર સોસાયટીની સામે છ માળનો ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવાયું હતું. જેની બે દિવસથી ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાકેશ મોદી કતારગામ વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા મુદ્દે સ્થાનિક નેતાઓના આંખમાં કણાની જેમ ખુચતા હતા. તેમની તાત્કાલિક બદલી કરી દેવા હતા. સુરત મહાનગરપાલિકા વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે કે ખોટી રીતે કોઈકના ઈશારે બદલી કરી દેવામાં આવી છે.
ફરિયાદ મળતા જ તેઓ પગલાં લેતા
અન્ય વોર્ડના કોર્પોરેટરે પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું કે, રાકેશ મોદી જ્યારે અમારા ઝોનમાં હતા, ત્યારે તેઓ ખૂબ જ સારી રીતે કામગીરી કરતા હતા. મારો અનુભવ એવો રહ્યો છે કે તેઓ કદી કોઈની વિશેષ ભલામણ ધ્યાનમાં રાખતા ન હતા. જો ફરિયાદ મળી હોય તો તે ગેરકાયદેસર સંપત્તિને દૂર કરી જ દેતા હતા. કોઈપણ નિયમ વિરોધ બાંધકામ તેમના ધ્યાન પર આવ્યું હોય અથવા તો કોઈ ફરિયાદ મળી હોય તો તાત્કાલિક અસરથી તેની સામે પગલાં લેતા હતા. જેમાં સંપૂર્ણ મિલકત ગેરકાયદેસર હોય તો મિલકતને દૂર કરી નાખતા અથવા તો કેટલોક ભાગ ગેરકાયદેસર હોય તો તેને હટાવવાની કામગીરીમાં લાગી જતા હતા. રાજકીય ઈશારે જો તેમની બદલી થઈ હોય તો તે દુઃખદ બાબત છે.
રાત્રે ઈજનેરની બદલીનો ઓર્ડર
આમ આદમી પાર્ટી સુરત મનપાના ઉપનેતા કિશોર રૂપારેલિયાએ જણાવ્યું કે, જે વ્યક્તિનું લીંબાયત ઝોનમાં શંકાસ્પદ કામગીરીમાં નામ સંડોવાયું હોય એવા ને બદલે નિષ્પક્ષ અને સાફ છબી ધરાવતા કાર્યપાલકને શા માટે કતારગામમાં ઝોનલ અધિકારી તરીકેના મુક્યા? શું કમિશનરને બીજા સાફ છબી ધરાવતા અધિકારી જ ના મળ્યાં? શું કારણ છે કે રાત્રે 11 વાગ્યે કમિશનરે બદલીનો ઓર્ડર કરવો પડ્યો? હું ચીમકી આપું છું કે લીંબાયતમાં જે મુજબ ગેરરીતિમાં સૂચિત અધિકારીનું નામ સંડોવાયેલું એવા પ્રકરણ જો કતારગામમાં ચાલશે તો ઉપર સુધી રજૂઆત કરવામાં આવશે. મારાં મત વિસ્તારના લોકોને સહેજ પણ હાલાકી પડી તો હું ચલાવી નહીં લઉં. અમે SMCમાં ભ્રષ્ટાચાર વિહીન શાસન ઈચ્છીએ છીએ. જેની કમિશનર અને શાસકો નોંધ લે.
.