રાજકોટ39 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. જેમાં ગઈકાલે સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જોકે આ ઔપચારિક મેચ હોવા છતાં ખૂબ જ મનોરંજક રહી હતી. ઝાલાવાડ રોયલ્સના ઓપનિંગ બેટ્સમેન ચિરાગ સિસોદિયાએ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં અત્યાર સુધીની સૌથી ઝડપી હાફસેન્ચ્યુરી ફટકારી હતી. તેમજ ઝાલાવાડ રોયલ્સે સોરઠ લાયન્સને હરાવ્યું હતું. આજે મેગા ફાઈનલમાં ગોહિલવાડ અને કચ્છ વચ્ચે જંગ જામશે.
આ મેચમાં સોરઠ લાયન્સે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. સોરઠ લાયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. અંશ ગોસાઈએ 37 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા. તરંગ ગોહેલે 15 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. ભાગ્યરાજ ચુડાસમાએ 26 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા. પાર્થ ભુતે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આદિત્યસિંહ જાડેજા, પવન પરમાર અને દેવ દંડે 1-1 વિકેટ લીધી હતી.
બીજીતરફ ઝાલાવાડ રોયલ્સે 19.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. ચિરાગ સિસોદિયાએ 27 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા હતા. ચિરાગે SPLમાં અત્યાર સુધીની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી 21 બોલમાં 50 રન બનાવ્યા. એક ઓવરમાં તેણે 5 સિક્સ અને એક ફોર ફટકારી હતી. કિશન પરમારે 31 બોલમાં 33 રન બનાવ્યા હતા. પવન પરમારે 7 બોલમાં 2 છગ્ગા સાથે અણનમ 15 રન બનાવ્યા હતા. રાહુલ વાકાણીએ 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રાહુલ વાકાણીએ SPLમાં ડેબ્યુ કર્યું હતું. ઝાલાવાડ રોયલ્સે 2 વિકેટે મેચ જીતી લીધી હતી.
આ મેચમાં હાથી સિમેન્ટ મજબૂત પ્લેયર ઓફ ધ મેચ રાહુલ વાકાણીને આપવામાં આવ્યો હતો. તો એકસ્ટ્રીમ પ્લેયર ઓફ ધ મેચ ચિરાગ સિસોદિયાને આપવામાં આવ્યો હતો. સ્કાયફેર પ્લેયર ઓફ ધ મેચ ચિરાગ સિસોદિયાને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને હિમાંશુ શાહનાં હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
.