Initiative to restart closed worker welfare centers | પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કડીયા પ્લોટ અને બિરલા સાગર રોડ સ્થિત કામદાર કલ્યાણ કેન્દ્રોની મુલાકાત લીધી

Spread the love

પોરબંદર34 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પોરબંદરમાં છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડેલ શ્રમયોગી કલ્યાણ બોર્ડ સંચાલિત કામદાર કલ્યાણ કેન્દ્રોની ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મુલાકાત લઈને સ્થિતીની સમીક્ષા કરી હતી. તેમજ બન્ને કામદાર કલ્યાણ કેન્દ્રો ફરી કાર્યરત થાય તે માટે તમામ પ્રયત્નો કરવાની તત્પરતા દર્શાવી હતી. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પોરબંદરમાં વર્ષોથી શ્રમયોગી કલ્યાણ બોર્ડ સંચાલિત કામદાર કલ્યાણ કેન્દ્ર કડીયા પ્લોટ અને બિરલા સાગર રોડ ખાતે કાર્યરત હતા.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપની સરકારે આ બન્ને કામદાર કલ્યાણ કેન્દ્રો બંધ કરેલ છે. આ બન્ને કામદાર કલ્યાણ કેન્દ્રોમાં ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકો માટે રમત-ગમત, સંગીત, રાસ-ગરબા સહિતની પ્રવૃત્તિઓ થતી હતી. અહીં બહુ સારી રીતે તૈયાર થઈને બાળકોએ રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં નામના મેળવતા હતા. અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે, પોરબંદરની રાણા સીડાની જે મણીયારા રાસ મંડળી તૈયાર થઈ એ પણ કામદાર કલ્યાણ કેન્દ્રોની જ દેન છે. આ ઉપરાંત મહિલાઓ માટે સીવણ ક્લાસથી માંડીને અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ થતી હતી. આ કામદાર કલ્યાણ કેન્દ્રો ફરીથી જીવંત થાય તે માટે મેં બન્ને કામદાર કલ્યાણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી.

અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે, બિરલા સાગર રોડ ઉપર આવેલ કામદાર કલ્યાણ કેન્દ્ર તો અત્યંત જર્જરીત સ્થિતીમાં હોવાથી તેને ફરીથી બાંધવુ પડે તેમ છે. જ્યારે કડીયા પ્લોટનું કામદાર કલ્યાણ કેન્દ્ર છે તેમાં થોડા ઘણા સમારકામની જરૂર છે. તો તે સમારકામ ઝડપથી કરીને તેને ફરીથી શરૂ કરવા રાજ્ય સરકારમાં રજૂઆત તેમજ બિરલા સાગર રોડ સ્થિત કામદાર કલ્યાણ કેન્દ્રનું નવેસરથી બાંધકામ કરી તે વિસ્તારના લોકોને સર્જનાત્મક પ્રવૃત્તિ માટેનું સેન્ટર મળે તે માટેના તમામ પ્રયત્નો કરવાનો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *