32 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત સરકારે ગ્રાન્ટેડ સ્કૂલો સાથેનો ભેદભાવ દૂર કર્યો
ગ્રાન્ટેડ સ્કૂલો સાથે સરકારની ભેદભાવભરી નીતિ હતી. જે સ્કૂલનું પરિણામ ઓછું આવે એને ઓછી ગ્રાન્ટ, જેનું રિઝલ્ટ ઊંચું આવે એને ઊંચી ગ્રાન્ટ. આ નીતિ સામે લાંબા સમયથી શાળા સંચાલક મંડળનો વિરોધ ચાલતો હતો, પણ નીતિમાં ફેરફાર થયો નહીં. સરકારે હવે આ નીતિમાં ફેરફાર કરીને ગ્રાન્ટેડ સ્કૂલ સાથેનો ભેદભાવ દૂર કર્યો છે અને તમામ ગ્રાન્ટેડ સ્કૂલને સોએ સો ટકા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. આના કારણે ગ્રાન્ટેડ સ્કૂલોમાં નવા પ્રાણનો સંચાર થશે.શાળાઓનું ધો.10 અને 12નું પરિણામ ઓછું આવે તો તેમને ગ્રાન્ટ ઓછી મળે છે. જ્યારે સારું પરિણામ આવે તો પૂરેપૂરી ગ્રાન્ટ મળતી હોય છે. આ ગ્રાન્ટ નીતિ સામે સંચાલકોમાં ભારે નારાજગી છે અને એને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા તાજેતરમાં જ શિક્ષણમંત્રી સાથે બેઠક કરી હતી. એ બાદ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ કરી હોવાની જાહેરાત કરી છે.
70થી 50 ટકા વચ્ચે પરિણામ હોય તેને 75 ટકા ગ્રાન્ટ અત્યાર સુધી સ્કૂલમાં બોર્ડનું પરિણામ આવે એના આધારે ગ્રાન્ટ આપવામાં આવતી હતી. એ મુજબ જે સ્કૂલનું પરિણામ 70 ટકાથી વધુ આવે એને 100 ટકા ગ્રાન્ટ આપવામાં આવતી હતી. જે સ્કૂલનું પરિણામ 70થી 50 ટકા વચ્ચે હોય એની 25 ટકા ગ્રાન્ટ કાપવામાં આવતી હતી. 50થી 30 ટકા વચ્ચે પરિણામ હોય એ સ્કૂલની 50 ટકા ગ્રાન્ટ કાપવામાં આવતી હતી અને જે સ્કૂલનું પરિણામ 30 ટકાથી ઓછું હોય એ સ્કૂલને ગ્રાન્ટ મળતી જ નહોતી.
ભારતે ચંદ્ર પર રચ્યો ઈતિહાસ
ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર તે ચોથો દેશ બની ગયો છે. આ પહેલા માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે. હવે બધા વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. ધૂળ સ્થિર થયા પછી તે બહાર આવશે. તે લગભગ 1 કલાક 50 મિનિટ લેશે. આ પછી વિક્રમ અને પ્રજ્ઞાન એકબીજાના ફોટા પાડીને પૃથ્વી પર મોકલશે. ભારત પહેલા રશિયા ચંદ્રના સાઉથ પોલ પર લુના-25 ઉતારવાનું હતું. આ લેન્ડિંગ 21 ઓગસ્ટે થવાનું હતું, પરંતુ છેલ્લી ભ્રમણકક્ષા બદલતી વખતે તે ભટકી ગયું અને ચંદ્રની સપાટી પર ક્રેશ થયું.ચંદ્રયાન-3 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી 14 જુલાઈના રોજ સવારે 3.35 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રની સપાટી પર ઉતરવામાં તેને 41 દિવસ લાગ્યા હતા. પૃથ્વીથી ચંદ્રનું કુલ અંતર 3 લાખ 84 હજાર કિલોમીટર છે.વડાપ્રધાન મોદીએ કહ્યું- જ્યારે આપણી આંખોની સામે આવી ઘટના જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે. આ ક્ષણ 140 કરોડ ધડકનોની સામર્થ્યની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહવાનની છે. અમૃતકાળમાં સફળતાની અમૃતવર્ષા થઈ છે.
ભરુચમાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સરોદ નજીક આવેલી કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટનાના પગલે દોડધામ મચી ગઈ છે. પ્લાન્ટમાંથી પીળા રંગના ધુમાડા વછૂટતાં કામદારો જીવ બચાવવા ભાગતા નજરે પડ્યા હતા. આ ગેસ બ્રોમીન હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે હજી સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ સાંપડ્યા નથી. જોકે, 15 લોકોને ગેસની અસર થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઇમર્જન્સી સર્વિસીસની ટુકડીઓએ ઘટનાસ્થળ પહોંચી જંબુસર તાલુકામાં સરોદ નજીક આવેલી PI Indsutries માં ગેસ ગળતરની ઘટના બની હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડી રહ્યા છે. ઘટના બાબતે ફાયર બ્રિગેડને કોલ આપવામાં આવતા ઇમર્જન્સી સર્વિસીસની ટુકડીઓએ ઘટનાસ્થળ પહોંચી સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.બ્રોમિન ગેસ સીધો શ્વસન તંત્ર ઉપર અસર પહોંચાડે છે. શ્વાસમાં તકલીફ સહિતની સમસ્યાઓ આ ગેસથી થાય છે. હવા કરતાં ભારે હોવાના કારણે તેનું જોખમ પણ વધુ રહે છે. આજે PI ઈન્ડસ્ટ્રીઝમાં બનેલી ઘટનામાં 15થી વધુ લોકોને ગેસની અસરનાં લક્ષણનો સામનો કરવો પડ્યો હતો. કંપની સત્તાધીશ સહિત ઇમર્જન્સી સર્વિસીસનાં સૂત્રોએ આ 15થી વધુ લોકોને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસે તપાસ હાથ ધરી ઘટનાના પગલે સ્થાનિક અગ્રણીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સારવાર હેઠળના વ્યક્તિઓમાં કોઈની હાલત ગંભીર નથી. મામલાની પોલીસ અને એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં કરી જામીન અરજી
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. તે સમયે અકસ્માત કરનાર 20 વર્ષીય તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ ઘટનાસ્થળે આવ્યા હતા. લોકોને ધમકાવીને અને રિવોલ્વર કાઢવાની ધમકી આપીને આરોપી તથ્યને ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. લોકોને ધમકાવવાના ગુના માટે પ્રગ્નેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. પ્રગ્નેશે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દિધી હતી. અત્યારે પ્રગ્નેશ પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ છે. ત્યારે કોર્ટે પ્રગ્નેશ પટેલની મેડિકલ ગ્રાઉન્ડ ઉપર ફાઈલ કરેલ વચગાળાની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. આથી પ્રગ્નેશ પટેલે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.
આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે પ્રગ્નેશ પટેલે પર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વ્હિકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે. પ્રગ્નેશ પટેલના વકીલ નિસાર વૈદ્યએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય સેશન્સ કોર્ટે પ્રગ્નેશ પટેલના જામીન ફગાવતા હવે પ્રગ્નેશ પટેલની રેગ્યુલર જામીન અરજી હાઇકોર્ટમાં કરાઈ છે. જેની પર આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટમાં પ્રગ્નેશ પટેલ વતી એડવોકેટ સોમનાથ વત્સે દલીલ કરે તેવી શકયતા છે.
અમરેલીના સાંસદનું વિવાદીત નિવેદન
ગુજરાતના વિકાસની ચર્ચા રાષ્ટ્રીય કક્ષાએ થતી રહે છે. ત્યારે અમરેલીના ત્રણ ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડિયાએ આજે સ્વીકાર કરતા કહ્યું હતુ કે, વિકાસની દ્રષ્ટિએ અમરેલી જિલ્લો પછાત રહ્યો છે. નારણભાઈના આ નિવેદને અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. કાછડિયાના આ નિવેદન બાદ પૂર્વ સાંસદ વિરજી ઠુ્મ્મરે કટાક્ષ કરતા કહ્યું હતુ ંકે, 15 વર્ષથી સાંસદ હોવા છતા વિકાસ ન કરી શક્યા તો પ્રજાની માફી માગી લેવી જોઈએ.અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે સાંસદ નારણ કાછડિયા દ્વારા મતદાતા ચેતન અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં અમરેલી બસ સ્ટેન્ડને લઈ સવાલ કરવામાં આવતા નારણ કાછડિયાને સવાલ કરાતા તેમણે સ્વીકાર કરતા કહ્યું હતું કે, 100 ટકા વિકાસની દ્રષ્ટિએ અમરેલી જિલ્લો પછાત રહ્યો છે.
ધારી-બગસરા વિસ્તારનો તો વિકાસ થયો છે- ધારાસભ્ય સાંસદ નારણ કાછડિયાના નિવેદન બાદ ‘gnews24x7ે’ ધારી-બગસરાના ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડીયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સરકાર તો કામ કરે જ છે. આરોગ્ય માટે હેલ્થ સેન્ટર આપ્યા, રોડ રસ્તાના કામો થયા, સાયન્સ કોલેજ મળી, આંબરડી પાર્ક બન્યો. મારા વિસ્તારની વાત કરું તો અહીં વિકાસન બધા કામો થાય છે.અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમરનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, 15 વર્ષથી ભાજપના સાંસદ છે તેવો વિકાસમાં નિષ્ફળ ગયા છે, પ્રજાની માફી માંગી લેવી જોઈએ, ડો.જીવરાજ મહેતાના સપનાનો જિલ્લો છે. ભાજપથી ખેડૂતો અને પ્રજા ત્રસ્ત છે.
વિકાસની દ્રષ્ટિએ અમરેલી જિલ્લો પછાત કેમ રહ્યો? જો નારણભાઈના કહ્યા મુજબ અમરેલી જિલ્લો વિકાસની દ્રષ્ટિએ પછાત રહ્યો છે. તો સવાલ એ થાય કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. નારણ કાછડીયા સતત ત્રણ ટર્મથી અમરેલીના સાંસદ પદે ચૂંટાઈ રહ્યા છે. અમરેલી જિલ્લાના પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રમાં મંત્રી છે. તો પછી જિલ્લો વિકાસની દ્રષ્ટિએ પછાત કઈ રીતે રહી ગયો.