ગાંધીનગર41 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાંધીનગરમાં રાયપુર ગામની સીમમાં આવેલા રાજ ફાર્મ હાઉસમાં અમદાવાદના શેર બજારના વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાના ગુનામાં પાંચ ઈસમો વિરુદ્ધ ડભોડા પોલીસ મથકમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ધંધામાં ખોટ આવતાં યુવાને સ્યુસાઇડ નોટમાં શેર બજારમાં રોકાણ કરેલ પૈસા બાબતે અમદાવાદના પાંચ ઈસમો અવાર નવાર ઉઘરાણી કરી ત્રાસ આપતાં હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
અમદાવાદના ન્યુ રાણીપ સાંનિધ્ય ફલોરા મકાન નંબર – એચ/701 માં રહેતા 32 વર્ષીય ભૌમિક નરેશભાઇ સોનીએ 22 મી ઓક્ટોબર 2022 નાં રોજ ગાંધીનગરના રાયપુર ગામની સીમમાં આવેલા રાજ ફાર્મ હાઉસમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતકની માતા ધર્મિષ્ઠાબેને ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પુત્ર ભૌમિકની ડી.એન. કોમ્પ્યુટર નામની ઓફીસ વૈષ્ણોદેવી સર્કલ નજીક હતી. જયાં તે શેર બજારમાં બહારથી પાર્ટીઓના પૈસા લઇ શેર માર્કેટમાં રોકાણ કરવાનુ કામકાજ કરતો હતો. ભૌમિક શેરબજારમાં રોકાણ કરતાં લોકોને મહિને સાત ટકા લેખે પૈસા આપતો હતો.
એવામાં શેરબજારમાં શેરોનો ભાવ ડાઉન થઇ જતાં 10 મી ઓક્ટોબર 2022 ના રોજ ભૌમિક તથા તેનો પાટનર વિશાલ પટેલે ધર્મિષ્ઠાબેનને વાત કરેલી કે શેર બજારમાં ત્રણથી ચાર મહિનાથી જે ઇન્વેસ્ટમેન્ટ કરેલ તેનું ફન્ડિંગ શુન્ય થઇ ગયું છે. બાદમાં બીજા દિવસે ભૌમિક તથા તેનો પાર્ટનર વિશાલ પટેલ તથા અન્ય 4 ઇસમો જયમીન પટેલ, જય સોની તથા રજનીભાઇ રાવતની હાજરીમાં શેર બજારની મિટિંગ કરી હતી. અને 12 મી ઓક્ટોબરે મોરબી વાળા એક ઈસમે બાનાખત લઇ રૂ. 6 લાખ રોકડા લઈ લીધા હતા. જ્યારે ધર્મેશ ઠાકોર ઘરે જઈને 25 લાખના દાગીના, બે ફોર વ્હીલ ગાડીનાં ટી.ટી.ઓ ફોર્મમાં સહીઓ પણ ભૌમિક પાસે કરાવી લીધી હતી. ઉપરાંત મોરબી વાળો ઈસમ અંડર કન્સ્ટ્રકશન મની પ્લાન્ટ ઓફીસના કાગળો તેમજ સાંનિધ્ય ફલોરા ખોડીયાર માતાના મંદિરની બાજુમાં આવેલ પ્રોપર્ટીના ઓરીજીનલ દસ્તાવેજ જય સોની લઇ ગયો હતો.
વધુમાં ધર્મિષ્ઠાબેને ફરિયાદમાં ઉમેર્યું છે કે, વારંવાર અસામાજિક તત્વો ધાક ધમકીઓ આપતા હોવાથી ભૌમિકને તેની માસીનાં ઘરે મુકી આવ્યા હતા. ભૌમિકે શેર બજારમાં અંદાજીત 25 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. જેને લઈને 14 મી ઓક્ટોબરે મુંબઈથી સચિનસિંગ નામનો ઈસમ ઘરમાં ઘૂસી ગયો હતો. અને તમામ પરિવારના સભ્યોને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. બાદમાં 15 મી ઓક્ટોબરે પણ સંદિપસિંગ સહીતના પાંચ છ ઈસમો સાંનિધ્ય ફ્લોરા વાળા મકાનનું તાળુ તોડીને કબજો જમાવી લીધો હતો. જેનાં કારણે ભૌમિકની પત્ની અને બાળકોને પિયરમાં મૂકી આવવાની ફરજ પડી હતી. અને ધર્મિષ્ઠાબેન અંબાજી જતાં રહ્યાં હતાં.
બાદમાં ભૌમિકે રાયપુરનાં રાજ ફાર્મ હાઉસમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાના સમાચાર ધર્મિષ્ઠાબેનને મળ્યા હતા. જેને વિજય સોની,રાકેશ બ્રહમભટ્ટ અને દિક્ષીત સોની ત્રણેય મળીને ભૌમિકને ફાર્મ હાઉસ લઈ ગયા હતા. જ્યાં આદિત્ય અલ્તુંસ નામના ફ્લેટનો કબજો લેવા પ્રોસેસ પણ કરી હોવાનું વધુમાં જાણવા મળ્યું હતું. આ ઘટના બને તે પહેલાં વિજય સોની, રાકેશ બ્રહમભટ્ટ ભૌમિકની સાથે હતા. અને દિક્ષીત સોનીએ એવી ભયજનક અફવાઓ ફેલાવી હતી કે ભૌમિક નરેશભાઇ સોની ઉપર 150 કેસો કરેલા છે. જે ન્યુઝ ચેનલમાં આવે છે તેના માટે અમારી મિટિંગ કરવા માટે અમારે ભૌમિકને એકલો મુકીને જવાનું થાય છે તેવું દિક્ષીત સોનીએ વિપુલ સોનીને કહ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારે દીકરાના મોતના સમાચાર સાંભળી ખેડબ્રહ્માથી ધર્મિષ્ઠાબેન પરત આવી રહ્યા હતા. એ વખતે દીક્ષિત સોનીએ સાંનિધ્ય ફલોરાની જગ્યાએ તેના નિવાસસ્થાન ખાતે સ્પેક્ટ્રમ ટાવર શાહીબાગ ખાતે તેમને બોલાવ્યા હતા. જ્યાં ધર્મિષ્ઠા બેનને ભલામણ કરેલી કે ભૌમિકની ડેડ બોડી ઘરે લઈ જવાની જગ્યાએ સીધા સ્મશાને લઈ જઈએ. આથી દબાણમાં આવીને ધર્મિષ્ઠાબેને જેતે વખતે ફરિયાદ કરી ન હતી.
જો કે ધર્મિષ્ઠાબેનને પોલીસ થકી ભૌમિકની લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે, મારે આપઘાત કરવાનું કારણ મારા ધંધામાં આવેલો લોસ અને પૈસા માંગવા વાળાનો ત્રાસ, પૈસા માંગવા વાળાના કારણે મારા ખુશ પરિવારને ઘર છોડી દેવું પડ્યુ, પૈસા માંગવા વાળામાં સૌથી વધારે ત્રાસ સોનુસિંગ , સચીનભાઇ, સંદીપભાઇ જે લોકોએ મારૂ ઘર પણ કબ્જે કરી લીધું છે. મારા ધંધામાં ભાગીદાર તરીકે વિશાલ ભુવાજી (પટેલ) હતા. બીજા કોઇ ન હતા. મારો મારો ભાઇ કે પરિવારનું કોઇ સભ્ય મહેરબાની કરી મારા પરિવારને મારા બંને ઘર પરત અપાવજો. વધુમાં સ્યુસાઇડ નોટમાં ભૌમિકે લખેલ કે મમ્મી પપ્પા, ગોપુ, નિધી, નિકીતા, નિવાન, અર્પી બધાને સોરી… નિવાનનું ધ્યાન રાખજો અને ગોપુ જેવો બનાવજો. Advance માં happy birthday nivan, love u બેટા- bhaumik soni”.
એ વખતે પોલીસે કહેવા છતાં ધર્મિષ્ઠાબેને ફરિયાદ કરી નહોતી કેમકે વિજય સોની તથા દીક્ષિત સોની તેમના સગા થતા હતા. ત્યારે પાછળથી જાણવા મળ્યું હતું કે ભૌમિકને આપઘાત કરવા માટે સોનુસિંગ (રહે. શ્રીજી ટવીન બેંગ્લોઝ ચેનપુર રોડ ન્યુ રાણીપ), સચીનસિંગ જેના ભાઇનું નામ મનોજસિંગ છે જે હાલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં મર્ડરના ગુનામાં છે તથા સંદિપસિંગનાં પિતા તેમજ દિક્ષીત મુકુંદભાઇ સોની (રહે.સી બ્લોક ,7 મો માળ સ્પેક્ટ્રમ ટાવર પોલીસ સ્ટેડીયમની સામે શાહીબાગ) અને જય કિર્તીભાઇ સોની (રહે.ઘોડાસર સર્મપણ ફલેટ ડી/૨ ૨૦૪ ઘોડાસર) એ મજબૂર કર્યો હતો. જે અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.