- Gujarati News
- Local
- Gujarat
- Surat
- In Sarthana, Surat, An Employee Of Angadia Service Was Shown A Revolver And Looted Bags Of Diamond Parcels, Made A Plan With A Jail Friend For Money.
સુરત4 કલાક પેહલા
- કૉપી લિંક
સુરતના સરથાણા વિસ્તારમાં ગુજરાત આંગડીયા સર્વિસનાં કર્મચારીને રિવોલ્વર બતાવી આંગડીયા પેઢીના કરોડોની કિંમતના હીરાના પાર્સલોના થેલાઓની લૂંટ કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, પાંચ પૈકી એક આરોપી અગાઉ સુરતની જુદી-જુદી ટ્રાવેલ્સમાં ક્લિનર તરીકેની નોકરી કરી ચૂક્યો છે. જેથી, ટ્રાવેલ્સમાં થતી કિંમતી પાર્સલોની હેરાફેરીથી વાકેફ હતો અને પોતાને પૈસાની જરૂરિયાત હતી એટલે મુંબઈ- મહારાષ્ટ્ર ખાતેથી પોતાની ગેંગ બનાવી અગાઉ જેલમાં સાથે રહેનાર એક ઈસમ અને અન્ય બીજા ત્રણ ઈસમો સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લૂંટનો વીડિયો સામે આવ્યો
સરથાણા વિસ્તારમાં આવેલા ગુરુકૃપા અલંગ હાઉસ પાસે રામદેવ ટ્રાવેલ્સના લકઝરી બસમાંથી ગુજરાત આંગડીયા સર્વિસનું કામકાજ સંભાળતા જગદીશભાઈ રાયચંદદાસ પટેલ આંગડીયાના હીરાના પાર્સલના પાંચ જુદા-જુદા થેલાઓ લઇ પોતાની આંગડીયા પેઢીની ઇકો કારમાં મૂકાવતા હતા. તે દરમિયાન અન્ય એક ઇકો કારમાં આવેલા 5-6 જેટલા ઇસમો ધારિયા તથા રીવોલ્વર સાથે ત્યાં આવ્યા હતા અને ધારિયા વડે આંગડીયા પેઢીની કારમાં તોડફોડ કરી આંગડીયા પેઢીના હીરાના પાર્સલોની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ફિલ્મી ઢબે સવારે બનેલી આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. લૂંટની આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીની કારનો પીછો કરી ઝડપી પાડ્યા
ચકચારી આ લૂંટને લઈને સુરત પોલીસ દ્વારા સુરત રેન્જના નવસારી તેમજ વલસાડ જિલ્લા પોલીસ સાથે સંકલન સાધ્યું હતું તો બીજી તરફ સુરતની સરથાણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીઓની કારનો પીછો કરતી હતી. આ દરમિયાન આરોપીઓ વલસાડ તરફના હાઈવે પરથી મુંબઈ તરફ જનાર હોવાથી વલસાડ જિલ્લા પોલીસને આ બાબતે માહિતી આપી હતી અને વાપી બગવાડા ટોલ પાસેથી વલસાડ જિલ્લા પોલીસ અને સુરત પોલીસે જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓ
- પોલીસે આરોપી પ્રમોદ ઉર્ફે પમ્યા પ્રભાકર જઠાર [ઉ. 40]
- મોહમંદ સૈયદ અલ્લાદિન ખાન [ઉ. 43], રાહુલ ઉતમ વાઘમારે [ઉ. 30]
- રાજકુમાર ગીરધારી ઉકે [ઉ. 40]
4 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
જીતેન્દ્ર ઉર્ફે ગુડ્ડુ બદ્રીનાથ તિવારી [ઉ.૪૫]ની ધરપકડ કરી છે તેમજ આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા 4 કરોડ, 58 લાખ, 41 હજાર, 380 રૂપિયાના હીરા તેમજ એક પિસ્ટલ, 5 રાઉન્ડ, દેશી હાથ બનાવટનો કટ્ટો તેમજ 4 રાઉન્ડ અને એક ઇકો કાર તથા 5 મોબાઈલ ફોન કબજે કર્યા હતા.
પોલીસ તપાસમાં અગાઉનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો
પોલીસે આરોપી પ્રમોદ ઉર્ફે પમીયાની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપી પોતે વર્ષ 2019-20માં સુરત શહેરમાં અલગ-અલગ ટ્રાવેલ્સમાં ક્લીનર તરીકેની નોકરી કરતો હતો. જેથી, ટ્રાવેલ્સમાં થતી કિંમતી પાર્સલોની હેરાફેરીથી વાકેફ હતો અને પોતાને પૈસાની જરૂરિયાત હોવાથી મુંબઈ- મહારાષ્ટ્ર ખાતેથી પોતાની ગેંગ બનાવી અગાઉ જેલમાં સાથે રહેનાર રાજકુમાર તેમજ અન્ય બીજા ત્રણ ઈસમો સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને તેના ભાગરૂપે મુંબઈ ખાતેથી ઇકો કારની ચોરી કરી સુરત શહેરમાં લૂંટ કરવા આવ્યા હતા અને દેશી હાથ બનાવટની પિસ્ટલ પ્રમોદ લાવ્યો હતો અને દેશી કટ્ટો રાજકુમાર લાવ્યો હતો, વધુમાં ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું, આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
.