રાજકોટ26 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટમાં 181 મહિલા અભયમ ટીમે એક પરિવારને નવું જીવન આપ્યું છે. તારીખ 16મી ઓગસ્ટ 2023ના રોજ શહેરની એક હોસ્પિટલમાં એક મહિલા પોતાની કિડની વહેંચવા માટે પહોંચી હતી. જ્યાં ડોક્ટરે મહિલાને પુછ્યું કે, કિડની વેચવાનો વિચાર કેમ આવ્યો? ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે, પતિને દેવું થઈ છે. જોકે, હોસ્પિટલ દ્વારા મહિલાની વાત સાંભળીને 181 મહિલા અભયમને ફોન કરવામાં આવ્યો હતો. બાદ 181 ટીમના કાઉન્સેલર દ્વારા પતિ-પત્નીને સમજાવીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બાદમાં પતિ-પત્નીએ કહ્યું કે, હવે આવું કોઈ દિવસ નહીં વિચારવી.
“હું મારા પતિનું દુઃખ હળવું કરવા માગું છું”
હોસ્પિટલમાંથી મળેલા કોલ બાદ 181 રેસકોર્સ ટીમના કાઉન્સેલર જીનલબેન વણકર અને કોન્સ્ટેબલ પૂજાબેન પરમાર તેમજ પાયલોટ ભાવિન સોલંકી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ મહિલાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને પોતાની કિડની વેચવા પાછળનું કારણ પૂછતાં પીડીતાએ દુઃખદ અવાજમાં જણાવ્યું કે, મારા પતિ અને મારા બે છોકરાઓ પર ખૂબ જ દેવું થઈ ગયું છે. જેથી અમારા ઘરમાં રોજના ઝઘડા થાય છે અને મારા પતિ ટેન્શનમાં રહે છે અને આત્મહત્યા કરવાનું વિચારે છે. તેથી હું એક પત્ની તરીકે મારા પતિની મદદ કરવા માગું છું અને હું મારી એક કિડની વેચીને મારા પતિનું દુઃખ હળવું કરવા માગું છું.
જીવને જોખમમાં નાખીને કિડની વેચવાનો નિર્ણય
આ સાંભળતાની સાથે થોડા સમય માટે અભયમ ટીમ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી અને મહિલાને પૂછ્યું હતું કે, કિડની વેચવાની વાત તમારા પતિ અને દીકરાઓને કરેલી છે કે કેમ? તો મહિલાએ તેના જવાબમાં ના કહેતા મહિલા કાઉન્સિલરો દ્વારા સમજાવામાં આવ્યું કે દેવું થવાથી કોઈને પણ આત્મહત્યા કરવી જોઈએ નહીં અને કિડની વેચવાનું વિચાર યોગ્ય નથી. તમારા બંને છોકરાઓ 18 વર્ષ ઉપરના છે તો તે લોકો પણ કામકાજ કરવા માટે જઈ શકે છે. તમો પણ ઘરકામ જેવા કામ કરીને પૈસા કમાઈ શકો છો. તો નાના મોટા દેવા માટે તમારા જીવનને જોખમમાં નાખીને કિડની વેચવી જોઈએ નહીં..
પતિ દ્વારા લોનના હપ્તા ન ભરાયા
ત્યારબાદ કાઉન્સિલિંગ માટે તેમના પતિને ફોન દ્વારા સંપર્ક કરીને તેમના પતિને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. મહિલાના પતિએ જણાવ્યું કે, તેઓએ ઓનલાઇન હોમ ક્રેડિટની લોન લીધેલ. જેના તેમને સાત હપ્તા ભર્યા ન હતા. તેથી તેમને સાત હપ્તાની પેનલ્ટી આવેલી છે અને એમના ઘરે નોટિસ પણ આવેલી છે. તેથી આગળ તેમને શું કરવું જોઈએ તે સમજાતું ન હતું ત્યારબાદ તેઓને પણ સમજાવવામાં આવ્યું કે તમે આત્મહત્યાના વિચાર કરશો તો તમારા પત્ની અને તમારા બાળકો પર વધારે ખરાબ અસર થશે અને તમે મનથી હારી જશો, તો તમારા પત્ની અને તમારા બાળકો પણ હતાશ થઈ જશે.
હવે કોઈ દિવસ આત્મહત્યાનો વિચાર નહીં કરે
181 ટીમ દ્વારા પરિવારને સમજાવવામાં આવ્યો ત્યારબાદ પરિવારે કહ્યું કે, હવે કોઈ દિવસ આત્મહત્યાના વિચાર નહીં કરું અને આવી રીતે કિડની વેચવા માટે પણ નહીં વિચારે તેવું ખાત્રી આપેલી હતી. આમ 181 ટીમે મહિલાની સાથે સાથે તેમના પતિનું પણ કાઉન્સિલિંગ કરીને પરિવારને એક નવું જીવન આપેલું છે.
.