હાલોલ3 કલાક પેહલા
- કૉપી લિંક
હાલોલ એસટી ડેપો નજીક યુવરાજ હોટલ તરફના માર્ગ ઉપર આવેલી સરદાર સોસાયટીના કુવામાંથી પતિ-પત્નીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મહિલા અને પુરુષના મૃતદેહ હોવાનો કોલ હાલોલ ફાયરને મળતા ઘટનાસ્થળે પહોંચી કુવામાં પડેલા બંને મૃતદેહોને કૂવામાં ઉતરી બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી. બંને મૃતદેહોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.
હાલોલની સરદાર સોસાયટીના કૂવામાં બે મૃતદેહો પડ્યા હોવાની જાણ હાલોલ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે જઈ તપાસ કરતા કૂવામાં એક પુરુષ અને મહિલાનો મૃતદેહ પડેલો જણાઈ આવ્યો હતો. ટીમે બંને મૃતદેહોને દોરડાની મદદથી બહાર કાઢ્યા હતા. મૃતક બંને પતિ પત્ની હોવાનું જાણવા મળ્યું છે. પુરુષ હર્ષદ ગોસલા ભાઈ રાઠવા (ઉ.વ.25) અને મહિલા તેની પત્ની પ્રિયંકા હર્ષદ ભાઈ રાઠવા (ઉ.વ. 23) હોવાનું સામે આવ્યું છે.
મૂળ છોટાઉદેપુર જિલ્લાના બંને અહીં સરદાર સોસાયટીના એક મકાન સાચવવા મકાનની એક ઓરડીમાં 6 મહિનાથી ભાડે રહેતા હતા. પતિ-પત્ની વચ્ચે સાંજે ઝગડો થતા પત્ની દોડીને કુવા તરફ ભાગી હતી જેને બચાવવા પતિ પણ પાછળ દોડ્યો હતો. પત્નીએ કુવામાં છલાંગ મારી દેતા તેને બચાવવા પતિએ પણ કૂવામાં પડતું મૂક્યું હતું. આ ઘટના બનતા સોસાયટીના રહિશો દોડી આવ્યા હતા અને હાલોલ ફાયર વિભાગને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યાં સુધી બંનેના મોત નિપજ્યા હતા. હર્ષદ રાઠવા હાલોલ જીઆઇડીસીમાં હમાલી તરીકે મજૂરી કામ કરતો હતો અને તેની પત્ની ઘરે જ રહેતી હતી. બંનેને બે નાના બાળકો છે. એક નાનો દીકરો અને એક નાની દીકરી બંને અનાથ બન્યા છે. ગૃહ કંકાસમાં પતિ સાથે બોલાચાલી થતા જીવ આપવા કુવા તરફ દોડેલી પત્નીએ કુવામાં છલાંગ મારી દેતા પાછળ દોડેલો પતિ પણ કૂવામાં પડ્યો હતો.
.