Illegal occupation of MP’s office in earthquake-hit village, opposition seeks to file offense under ‘Land Grab Act’ | ભૂકંપગ્રસ્ત ગામમાં સાંસદની સંસ્થાનો ગેરકાયદે કબ્જો, વિપક્ષે ‘લેન્ડ ગ્રેબીગ એકટ’ હેઠળ ગુનો દાખલ કરવા માગ કરી

Spread the love

અમદાવાદ6 કલાક પેહલા

  • કૉપી લિંક

ભાજપનાં દિલ્હીનાં સાંસદની સંસ્થા દ્વારા ભૂકંપગ્રસ્ત ગામ દુધઈને પુનઃવસનના નામે કરોડો રૂપિયા જમીન કૌભાંડનો કોંગ્રેસે પર્દાફાશ કર્યો છે. આ સંસ્થા દ્વારા ગામની સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરી શાળા, કોલેજ, કોમ્યુનિટી હોલ, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ જેવી સરકારી કચેરી પાસેથી મસમોટું ભાડુ વસૂલાઈ રહ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. ખોટી રીતે કબ્જો કરનાર સંસ્થા સામે ‘લેન્ડ ગ્રેબીગ એકટ’ હેઠળ ગુન્હો દાખલ કરવા કોંગ્રેસે માગ કરી છે.

જમીન કૌભાંડનો પર્દાફાશ
ભાજપનાં દિલ્હીના સાંસદની સંસ્થા દ્વારા ભૂકંપગ્રસ્ત ગામ દુધઈને પુનઃવસનના નામે કરોડો રૂપિયા જમીન કૌભાંડનો પર્દાફાશ કરતા કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા વી.કે. હુંબલે જણાવ્યું હતુ કે, ભૂકંપ પુનવર્સન જુન – 2001માં કચ્છનું પ્રથમ ગામ દુધઈનું લોકાર્પણ તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈના હસ્તે કરવામાં આવ્યું. કચ્છ જીલ્લાનાં અંજાર તાલુકાનાં દુધઈ ગામનું પુનર્વસનની કામગીરી ‘રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા’, દિલ્હી દ્વારા કરવામાં આવેલ જેના પ્રમુખ દિલ્હીનાં પૂર્વ સી.એમ. સાહિબસિંહ વર્મા હતા અને હાલ તેમના પુત્ર અને દિલ્હીના ભાજપા સાંસદ પ્રવેશ વર્મા છે. કચ્છમાં ભૂકંપગ્રસ્ત પરિવારને પુનઃસ્થાપનમાં કોંગ્રેસની સરકારો દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર દ્વારા જવાહરનગર ચાંદ્રણી, કનૈયાબે અને વરસાણા આધોઈ અને વોંધ, કોટાય, ચંદિયા જેટલા ગામો પુનર્વસન કરેલ, કચ્છમાં 100થી વધારે સંસ્થાઓએ પુનર્વસન કરી અને ગ્રામજનો તેમજ પંચાયતને કબ્જા સુપ્રત કરી પરત ગયેલ જયારે રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા છેલ્લા 22 વર્ષથી દુધઈ ગામનો કબ્જો જમાવી બેઠેલ છે.

ઘણા મકાનો સંસ્થાએ કબ્જામાં રાખેલ છે
વર્ષ 2001માં માત્ર વાહવાહી મેળવવાના માટે મકાનોમાં શૌચાલય, ફલોરિંગ કર્યા સિવાય સહિતનાં અધૂરા મકાનો લાભાર્થીઓને ફાળવી દેવામાં આવ્યાં. આ સંસ્થા દ્વારા સરકારી જમીનો ઉપર દબાણો કરી ગેરકાયદેસર રીતે કોલેજો, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળાઓ, કોમ્યુનિટી હોલ બનાવી અને કોમર્શિયલ ધોરણે મસમોટી રકમ ભાડા પેટે વસૂલવામાં આવે છે. જે ખરેખર ‘લેન્ડ ગ્રેબિંગ’ એક્ટ અંતર્ગત ગુન્હાપાત્ર છે. સંસ્થા દ્વારા જે મકાનો સરકારની લોકભાગીદારીથી બનેલ છે છતાં ઘણા મકાનો સંસ્થાએ કબ્જામાં રાખેલ છે અને આવા મકાનોમાં સંસ્થા દ્વારા પોલીસ કર્મચારીઓ, શિક્ષકો અને અન્ય લોકો પાસેથી ભાડા વસૂલવામાં આવે છે.

અંદાજીત 150 જેટલી દુકાનો ગેરકાયદેસર રીતે વેચાઈ
​​​​​​​
ભાજપાના સાંસદની સંસ્થા દ્વારા કુલ 648 મકાનો બનાવવામાં આવ્યા, જેમાં દુધઈ ગ્રામજનોને માત્ર 476 મકાનો ગ્રામજનોને આપેલા હતા અને બાકીના 172 જેટલા મકાનો સંસ્થાએ પોતાના કબ્જામાં રાખ્યા. જે પૈકી આ સંસ્થા 8થી 10 લાખ રૂપિયા વસૂલી રાજ્ય બહારના તેમજ ભૂકંપ પીડિત ન હોય તેવા અન્ય લોકોને ગેરકાયદેસર રીતે રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વેચાણ કરી દીધા છે. આ સંસ્થા દ્વારા ગામની સરકારી પર ગેરકાયદે કબ્જો કરી શાળા, કોલેજ, કોમ્યુનિટી હોલ, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ જેવી સરકારી કચેરી પાસેથી મસમોટું ભાડું વસુલાઈ રહ્યું છે. રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા દ્વારા સર્વે નં.116માં અંદાજીત 150 જેટલી દુકાનો બનાવી દુધઈ તેમજ દુધઈ બહારનાં લોકોને 8થી 10 લાખ રૂપિયામાં ગેરકાયદેસર રીતે રજીસ્ટ્રી કરાવ્યા વગર વેચાણ કરી રહેલ છે.

લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવાની વિપક્ષની માગ
આ સંસ્થા દ્વારા સ્કૂલો તેમજ જુદી-જુદી સંસ્થાઓને જેમ ડી.એ.વી. સ્કુલ તેમજ નિરાકારી સંસ્થાને 10થી 15 હજાર ચો.મી. જેટલી સરકારી જમીન ફાળવી દેવામાં આવેલ છે. જે શાળા મસમોટી ફી વસૂલી રહી છે. આ સંસ્થા દ્વારા ગ્રામજનો માટે કોમ્યુનિટી હોલ સરકારની ભાગીદારીથી સાથે બનેલ હોવા છતાં 15થી 20 હાજર જેટલું ભાડું કોઈપણ પ્રસંગ માટે વસૂલે છે. આ સંસ્થા દ્વારા જે ખાનગી જમીનો ખરીદેલ છે જે પૈકી ઘણી જમીનો સરકારની પણ છે અથવા તો નવી શરતની પણ છે અને જે જમીનનું પ્રીમીયમ પણ ભરેલ નથી અને ગેરકાયદેસર રીતે આ સંસ્થા દ્વારા કબ્જો જમાવી બેઠેલ છે. આ સંસ્થા દ્વારા બાબા નાહરસિંહ ઇન્દ્રપ્રસ્થ કોલેજ, સંત નિરાકારી વિદ્યાભવન, હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળા જેવા સરકારી જમીન ઉપર બિલ્ડિંગો ઊભા કરી અને કોમર્શિયલ ધોરણે ફીસની પણ વસૂલાત કરવામાં આવે છે, જે ગેરકાયદેસર છે. આ સંસ્થા સાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ જોડાયેલા છે, જેને કારણે ગુજરાત સરકારનું વહીવટી તંત્ર અવારનવાર ફરિયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને તાજેતરમાં જ સરકારી જમીન ગામતળ તરીકે પંચાયતને નીમ થઇ ગયેલ હોવા છતાં કબ્જો છોડવામાં આવતો નથી અને વહીવટી તંત્ર દ્વારા કબ્જો આપવામાં માટે કોઈપણ કાર્યવાહી પણ કરવામાં આવી રહેલ નથી, જે ગંભીર બાબત છે. સામાન્ય માણસનું ઝૂંપડું તોડવામાં બહાદુરી બતાવનાર વહીવટી તંત્ર ભાજપનાં સાંસદની કેમ ઘૂંટણિયે છે. સમગ્ર કૌભાંડની ન્યાયાધીશનાં વડપણ હેઠળ તપાસ કરવામાં આવે અને કૌભાંડમાં ખોટી રીતે કબ્જો કરનાર સંસ્થા સામે ‘લેન્ડ ગ્રેબીગ એકટ’ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *