ગાંધીધામ7 મિનિટ પેહલા
- કૉપી લિંક
- વારંવાર ધાક ધમકી કરી વેપારીના પિતાને છરી બતાવી સાગરીતો દ્વારા માર મરાવી 1 લાખ બળજબરીથી પડાવ્યા હોવાની ફરિયાદ
કંડલા સ્પેશીયલ ઇકોનોમિક ઝોનમાં ચાલતા વેસ્ટ કાપડના કારોબારમાં ખંડણી માટે વર્ષોથી સક્રીય રહેલા હરિયાણાના ગેંગસ્ટર સચિન ધવનની હત્યા બાદ શાંત રહ્યા બાદ ફરી એક વખત કાસેઝના કાપડના વેપારીને રૂબરૂ અને ફોન પર ધાક ધમકી કરી જો કાસેઝમાં ધંધો કરવો હોય તો રૂપિયા આપવા પડશે કહી 5 લાખ વધુ ચુકવીને મશીન અમારી પાસેથી લેવા દબાણ કરી 1 લાખ બળજબરી પૂર્વક પડાવી લીધા ઉપરાંત વેપારીના પિતાને રોકી છરી સાથે પોતાના સાગરીતો સાથે આવેલા આ હરીયાણાના કુખ્યાત ગેંગસ્ટર અફરોઝ અંસારીએ માર માર્યો હોવાની અને મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
કાસેઝમાં વેસ્ટ કાપડનો વેપાર કરતા વેપારીએ નોંધાવેલી ફરિયાદને ટાંકી પોલીસ સૂત્રોએ આપેલી વિગતો મુજબ, હરીયાણાનો અફરોઝ સૈફ્ફુદ્દિન અંસારીએ વેસ્ટ કાપડનો માલ તેમની પાસેથી ખરીદવા દબાણ કરી રૂબરૂ તેમજ ફોન પર વારંવાર ધાક ધમકીઓ આપી હેરાન પરેશાન કર્યા હતા, એટલું જ નહીં પણ મશિન પણ બજારભાવ કરતાં 5 લાખ વધુ આપીને તેમની પાસેથી જ લેવાનું દબાણ કરી રુ.1,00,000 બળજબરી પૂર્વક પડાવી લીધા હતા. અફરોઝ તેના સાગરીતો પાસે અવાર નવાર રેકી પણ કરાવતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
અફરોઝે પોતાના સાગરિતો સિકંદર અને સુલેમાન સાથે તેમના પિતાને રોકી છરી બતાવી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરીયાદમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે હરીયાણાના આ કુખ્યાત અફરોઝ અંસારીએ વર્ષ-2016 માં કાસેઝના કાપડના વેપારી સચિન ધવનની હત્યાને અંજામ આપ્યો હતો. હવે આ જ ગેંગસ્ટર ફરી કાસેઝમાં દાદાગીરી કરી વેપારીઓને પરેશાન કરી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. આવા આરોપી સામે ધાક બેસાડતી કાર્યવાહી થવી જોઇએ તેવું તમામ વેપારીઓ ઇચ્છી રહ્યા છે.
2016માં ખંડણી માટે થયેલી હત્યા, જેનાથી ટ્રેડમાં ચિંતા પ્રસરી હતી
1લી ઓગસ્ટ 2016ની સાંજે ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં લાલ કલરની બાઈક પર આવેલા બે શુટરોએ કપડાના યુવા વેપારી સચીન ઉર્ફે મૃત્યુજંય સુરેન્દ્રનાથ ધવનની રાઉંડ ફાયરીંગ કરી હત્યા નીપજાવી હતી. જે બંન્નેને પકડવા સમગ્ર કચ્છમાં પોલીસને એલર્ટ કરી દેવાતા આડેસર પાસે તે બાઈક પર સવાર બે લોકોને પોલીસે અટકાવતા કટ્ટાની ફાયર કરવાની કોશીષ કરી ભાગી ગયા હતા. તે બાઈકથી પોલીસે સગડ મેળવી હિસ્ટ્રીશીટર અફરોઝ સેફ્ફુદીન અન્સારી સુધી પહોંચી હતી. સંકુલમાં પ્રથમ વાર બનેલી ખંડણી માટૅની હત્યાના તાર યુપી, બિહાર અને ત્યારબાદ હરીયાણા સુધી ફેલાયેલા હોવાનું ખુલ્યું હતું. આરોપી અફરોઝનો ગુનાહિત ઈતિહાસ ઘણો લાંબો છે અને કચ્છમાં અને કચ્છબહાર પણ ઘણા કેસ તેના સામે થઈ ચુક્યા છે. સુત્રોએ જણાવ્યું કે અગાઉ આજીવન કેદ માટે મહિનાઓ માટે જેલની હવા ખાધા બાદ જામીન પર બહાર આવ્યો હતો.
વેપારીઓ ગભરાયા વિના ફરિયાદ કરવા આગળ આવે, પોલીસે કરી અપીલ
ગાંધીધામને વેપાર વાણીજ્યનું શહેર કહેવાય છે, ત્યાર જો ટ્રેડ પર દબાણ આવશે કે કનગડતો શરૂ થશે તો મુંબઈ જેવો માહોલ બનતા વાર નહિ લાગે. જેથી વેપારીઓ કે જેમની કોઇ પરેશાની હોય તેમણે કોઇ સંકોચ કે ભય વિના પોલીસ સમક્ષ આવીને ખોટી રીતે પરેશાન કરતા તત્વો સામે અવાજ ઉઠાવવો જોઇએ તેવી અપીલ કરાઈ હતી.
.