મોરબી42 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ચાર માર્ગીય હાઇવે માટે કિંમતી જમીન છીનવાશે તો અમારી આજીવિકાનું શું ? ખેડૂતોનો આર્તનાદ
- ભારતમાલા પ્રોજેક્ટ સામે માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ઉઠ્યો વિરોધનો સૂર
કેન્દ્ર સરકારના અતિ મહત્વ કાંક્ષી પ્રોજેક્ટ એવા ભારત માલા પ્રોજેકટ અંતર્ગત નેશનલ હાઇવેના નિર્માણ થઇ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાંથી પણ આ પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મોરબી જિલ્લામાં માળીયા મિયાણા તાલુકાના કેટલાક ગામડાની જમીન કપાત થઈ રહી છે, ત્યારે જમીન કપાત કરીને ચાર માર્ગીય નવો હાઇવે બનાવવા સામે ખેડૂતોમાં વિરોધ સૂર ઉઠ્યા હતા. નવા હાઇવેથી ખેતીની મોટી જમીન કપાતમાં જવાની હોવાથી આજીવિકા છીનવાઈ જવાની દહેશતથી ખેડૂતોમાં ડર બેસી ગયો છે. બીજી તરફ જિલ્લાના અધિકારીઓએ અગાઉ કહ્યા મુજબ હવે ફરી જઈને સામુહિક વાંધા અરજી ન સ્વીકારતાં ખેડૂતોમાં રોષ ફાટી નિકળ્યો છે અને જો પાકની નુકશાની સહિતનું યોગ્ય વળતર ન મળે તો ભવિષ્યમાં કોર્ટમાં જવાની અને સત્યાગ્રહ કરવાની ખેડૂતોએ ચીમકી આપી છે.
માળીયા પંથકના સરવડ, બરાર સહિતના અનેક ગામોના ખેડૂતો મોરબી પ્રાંત અધિકારી કચેરીએ ભારત માલા પ્રોજેકટ હેઠળ નવા હાઇવે બનાવવા સામે સામુહિક વાંધા અરજી આપવા આવ્યા હતા અને આ ખેડૂતોએ ઉગ્ર રોષ ઠાલવતા કહ્યું હતું કે, ભારત માલા પ્રોજેકટ હેઠળ મોરબી માળીયાના ગામોના ખેડૂતોની જમીન કપાત કરીને નવો ચાર માર્ગીય હાઇવે બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી મોરબી માળીયાના ઘણા બધા ખેડૂતોની જમીન કપાઈ જવાની હોવાથી ખેડૂતોની આજીવિકા છીનવાઈ જાય તેવી ભીતિ છે. એક બાજુ સરકાર ખેડૂતોનો ઉદ્ધાર કરવાની વાત કરે છે અને બીજી તરફ આવી હાઇવેના નામે ખેડૂતોની જમીનો ઉપર તરાપ મારે છે એ કેટલા અંશે વાજબી છે ? નવા હાઈવેની વાત છે એમાં કોની કેટલી જમીન કપાશે અને કેટલું વળતર મળશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. આવી જાણ કર્યા વગર ખેડૂતોના ખેતરોમાં પિલર, ખુટા નાખીને કામ ચાલુ કરી દીધું છે. હાલ ખેતરોમાં ઉભો પાક હોય પણ આ હાઇવેના કામથી પાકને નુકશાની થઈ છે તેથી તેનું વળતર ચૂકવવું જોઈએ, આ ઉપરાંત અધિકારીઓએ અગાઉ સામુહિક વાંધા અરજી લઈને આવવાનું કહ્યા બાદ આજે સામુહિક વાંધા અરજી ન સ્વીકારતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. આથી આ કામ બંધ ન થાય અને યોગ્ય ન્યાય નહિ મળે તો કોર્ટમાં જવાની અને સત્યાગ્રહ કરવાની ખેડૂતોએ ચીમકી આપી છે.
.