- Gujarati News
- Local
- Gujarat
- Jamnagar
- ‘I Was Not Ready To Believe When My Name Was Announced’, The Little Artist Made A Big Statement After Being Selected As The Best Child Artiste At NFA
જામનગરએક કલાક પેહલા
- કૉપી લિંક
ગુરુવારે 69માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી. જેમાં બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ‘છેલ્લો શો’ ફિલ્મમાં ‘સમય’ તરીકેનું મુખ્યપાત્ર ભજવનાર ભાવિન રબારીની પસંદગી કરવામાં આવી છે. નાના એવા ગામમાં ઉછરેલા અને એક્ટિંગની કોઈપણ તાલીમ લીધા વિના સિદ્ધિ મેળવનારા આ બાળ કલાકારે ‘gnews24x7’ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જામનગરના નાના એવા વસઈ ગામથી આગળ આવેલા આ કલાકારે ફિલ્મને લઈ અને પોતાની અગંત જિંદગીને લઈ ખુલ્લા મને વાત કરી હતી. ભાવિનને એક સમયે ફિલ્મના સિલેકશન માટે મોકલવા તેનો પરિવાર ખચકાઈ રહ્યો હતો. પરંતુ, ભાવિને તેના માતાપિતાને કહેલા એક શબ્દના કારણે તમામ તૈયાર થઈ ગયા હતા. ફિલ્મ સાથે જોડાયેલી અનેક રોચક વાતો ભાવિને કરી હતી.
પરિવારજનો સાથે ભાવિન રબારી
એવોર્ડના શ્રેયને લઈ બાળકલાકારે કરી મોટી વાત
ભાવિને કહ્યું હતું કે, એવોર્ડ મેળવીને હું બહુ ખુશ છું. ગુરુવારે જ્યારે હું શાળાએથી ઘરે આવ્યો ત્યારે મારા પપ્પાએ મને કહ્યું કે, ટીવીમાં એવોર્ડને લઈ કંઈક આવે છે. જેથી હું ટીવી જોઈ રહ્યો હતો. ત્યારે મારું નામ આવ્યું તો પહેલા તો હું માનવા તૈયાર જ ન હતો. પણ પછી મને ખૂબ ખુશી થઈ. આ એવોર્ડ મેળવીને મારા એકનું નામ રોશન નથી થયું. આ એવોર્ડથી જામનગર, ગુજરાત અને ઈન્ડિયાનું નામ રોશન થયું છે. મારા એવોર્ડનો શ્રેય હું મારા માતાપિતા અને મારી આખી ‘લાસ્ટ ફિલ્મ શો’ની ટીમને આપવા માગું છું.
ભાવિનને બહાર મોકલવા એક સમયે પરિવારજનો તૈયાર ન હતા
બાળ કલાકારે કહ્યું કે, હું પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે અમારી શાળામાં ફિલ્મના સિલેકશન માટે આવ્યા હતા. ત્યારે બધા સ્ટુડન્ટને કહ્યું હતું કે, સિલેકશન થવાનું છે. જેથી હું ઘરે ગયો ત્યારે મારા પપ્પા તો બહાર ગયા હતા. મમ્મી હતા તેને મેં કહ્યું કે, ફિલ્મના સિલેકશન માટે લઈ જવાના છે. ત્યારે દાદા-દાદીને બહાર મોકલતા ડર લાગતો હતો. મમ્મી પણ ના પાડતા હતા. પરંતુ, મેં કહ્યું કે, એકવાર તો મને ચાન્સ આપો જો નહીં થાય તો હું ભણવા પર ધ્યાન આપીશ. ત્યારબાદ મમ્મી-પપ્પાએ હા પાડી દીધી. પછી મારું સિલેકશન થઈ ગયું. પછી મારે અમરેલી જવાનું હતું. ત્યાં પપ્પા-મમ્મી સાથે આવી શકે તેમ ન હતા. જેથી મારી સાથે એક સ્ટુડન્ટ હતો તે અને હું અમરેલી ગયા હતા અને 11 દિવસ રોકાયા હતા.
‘છેલ્લો શો’ ફિલ્મનું દ્રશ્ય
ભાવિને એક્ટિંગની કોઈ તાલીમ જ લીધી નથી!
આ વાત જાણીને તમને જરુર નવાઈ લાગશે. પરંતુ, આ વાસ્તવિકતા છે. ભાવિને કહ્યું કે, તેનું ‘છેલ્લા શો’ ફિલ્મમાં સિલેકશન થયું તે પહેલા તેને કોઈએ એક્ટિંગ શીખવી નથી. ફિલ્મના શુટિંગને લઈને પણ કહ્યું કે, અમને ફિલ્મમાં એક્ટિંગ કરવાની ના પાડી હતી. મને મારા ડાયરેક્ટરે કહ્યું હતું કે, તારે ડાયલોગ નથી બોલવાના તને જે સારું લાગે તે બોલ.
પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં લીધું
ભાવિન રબારીનો પરિવાર જામનગર તાલુકાના વસઈ ગામમાં રહેતો હતો. હાલ જામનગર શહેરમાં વસવાટ કરે છે. ‘છેલ્લા શો’ ફિલ્મ માટે ભાવિનનું જ્યારે સિલેકશન થયું ત્યારે ભાવિન સરકારી શાળામાં જ અભ્યાસ કરતો હતો. હાલ ભાવિન જામનગરની ખાનગી શાળામાં અભ્યાસ કરી રહ્યો છે.
ફિલ્મ પહેલા અને ફિલ્મ પછી શું થયું?
ભાવિને કહ્યું કે, ‘છેલ્લો શો’ ફિલ્મમાં કામ કર્યું તે પહેલા મને અને મારા પરિવારને કોઈ ઓળખતું ન હતું. દાદાના કારણે પરિવારને બધા ઓળખતા હતા. પણ, જ્યારે મારી ફિલ્મ ઓસ્કરમાં ગઈ ત્યાર પછી તો વાત જ ન પૂછો. ફિલ્મ બાદ બધા માતાપિતા તેના બાળકોને કહે છે કે, બનવું તો આ છોકરા જેવું બનવું. ત્યારે એમ થાય કે, આ કામ કર્યું છે ત્યારે જ બોલતા હશે.
ભવિષ્યની યોજનાને લઈ શું કહ્યું ભાવિને?
ભાવિનને તેની પ્રથમ ફિલ્મમાં જ બહુ મોટી સિદ્ધિ મળી છે. આ સિદ્ધિ મેળવવા માટે અનેક કલાકારોની કારકિર્દી પૂર્ણ થઈ જતી હોય છે. નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પસંદ થયા બાદ ભાવિને કહ્યું કે, મને આગળ કામ મળે તો મારે કરવું જ છે. પણ સાથે મારે મારા અભ્યાસ પર પણ ધ્યાન આપવું છે.
પ્રિયંકા ચોપરા અને પાન નલીન સાથે ભાવિન રબારી
પ્રિયંકા ચોપરા સાથે કરી હતી મુલાકાત
અમેરિકામાં જ્યારે ‘છેલ્લો શો’નું સ્ક્રીનિંગ યોજાયું હતું ત્યારે ભાવિન રબારીએ પ્રિયંકા ચોપરા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈ ભાવિને કહ્યું હતું કે, પ્રિયંકાજી આવી રહ્યા હતા ત્યારે મને એમ થયું કે, હું મૂવીમાં જેને જોતો હતો તે આજે મારી સામે આવી રહ્યા છે. તેમની સાથે મુલાકાત થઈ ત્યારે શબ્દોમાં વર્ણવી ન શકાય એટલી ખુશી થઈ હતી. અમિતાબ બચ્ચન અને શાહરૂખ ખાન ભાવિનના મનગમતા એક્ટર છે.
ડિરેકટર પાન નલીનના જીવન પર બનાવવામાં આવી છે ફિલ્મ
‘છેલ્લો સો’ નામની વર્ષ 2021માં બનેલી આ ફિલ્મ દોઢ કલાકની છે અને માત્ર ગુજરાતી ભાષામાં જ બની છે. એક પણ ભાષામાં ડબ થઈ નથી. ડિરેક્ટર નલિન પાનના જીવન સાથે વણાયેલી કહાની દર્શાવવાનો બખૂબી પ્રયાસ કરવામાં આવ્યો છે. નવ વર્ષના ટેણીયા ‘સમય’ ભાવિન રબારીની 35 એમએમ સિંગલ સ્ક્રીન સિનેમા પ્રત્યેની હમદર્દી અને સિનેમા પ્રોજેક્ટર લીડનો રોલ કરતા ફઝલ નામના મિત્ર અને અન્ય બાળ મિત્રો વચ્ચેની કહાની છે. મનોરંજક અને લાગણી સાથેની પટકથા આ ફિલ્મના મુખ્ય અંગ છે.
‘છેલ્લો શો’ ફિલ્મનું દ્રશ્ય