સુરત8 મિનિટ પેહલા
- કૉપી લિંક
મિત્રની ખોટી સલાહથી વિદ્યાર્થીનું ભાવિ બગડ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નર્મદ યુનિવર્સિટીની બીકોમની પરીક્ષામાં પાસ થવા વિદ્યાર્થીએ મિત્રના કહ્યા પર ઉત્તરવહીમાં રૂ. 500 અને રૂ. 200ની નોટ મૂકી હતી. જોકે, યુનિવર્સિટીએ તેનું રિઝલ્ટ કેન્સલ કરી 2 હજારનો દંડ કર્યો છે.
90% વિદ્યાર્થી માઇક્રો ઝેરોક્ષ લઈને આવ્યા
યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ગેરરીતિના 350 કેસમાં વિદ્યાર્થીઓને હીયરિંગ પર બોલાવાયા હતા. જેમાં 150 જ હાજર રહ્યા હતા. ગેરરીતિ કરનારા 90% વિદ્યાર્થી માઇક્રો ઝેરોક્ષ લઈને આવ્યા હતા. જેમને જે તે વિષયમાં 0 માર્ક્સ આપી 500નો દંડ કર્યો હતો. એક કિસ્સામાં બીકોમના વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં રૂ. 500 અને રૂ. 200ની ચલણી નોટ ચોંટાડી હતી.
2 હજારનો દંડ કરી 500 અને 200ની નોટ પરત કરી
આ મામલે વિદ્યાર્થીએ કબૂલ્યું હતું કે ‘સાહેબ, મારા મિત્રએ કહ્યું હતું કે ઉત્તરવહીમાં રોકડા મૂકશે તો પ્રોફેસર પરીક્ષામાં પાસ કરી દેશે.’ ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીએ વિદ્યાર્થીનું રિઝલ્ટ કેન્સલ કરી તમામ વિષયમાં 0 માર્ક્સ આપ્યા છે. ઉપરાંત 2 હજારનો દંડ કરી 500 અને 200ની નોટ પરત કરી હતી.
મિત્રને લખાવનારી બહેનપણીનું રિઝલ્ટ પણ કેન્સલ કરાયું
બીકોમમાં મિત્રને પાસ કરાવવા પરીક્ષા ખંડ બહાર ઊભેલી બહેનપણીનું રિઝલ્ટ પણ યુનિવર્સિટીએ કેન્સલ કર્યું છે. આ મામલો યુનિવર્સિટીની સ્ક્વોર્ડે પકડી પાડ્યો હતો. જેમાં બંનેને હીયરિંગ પર બોલાવ્યા હતા, પરંતુ તેઓ આવતા ન હતા. દરમિયાન યુનિવર્સિટીએ બંનેને છેલ્લી નોટિસ આપતાં તેઓ હાજર રહ્યા હતા. જ્યાં તેમણે ભૂલ કબૂલતાં જ યુનિવર્સિટીએ બંનેને જે તે વિષયમાં 0 માર્ક્સ આપી 500નો દંડ કર્યો હતો.
900માંથી 550 દોષત, જે તે વિષયમાં 0 માર્ક્સ
યુનિવર્સિટીની પૂરક પરીક્ષામાં ગેરરીતિ કેસમાં 900 વિદ્યાર્થી પૈકી 550 સામે દંડાત્મક કાર્યવાહી થઈ છે. તબક્કાવાર હીયરિંગ દરમિયાન વિદ્યાર્થીઓને સાંભળ્યા બાદ 550 જેટલા વિદ્યાર્થીઓને દોષિત ઠરાવી આ વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ મુકવામાં આવ્યા છે. જ્યારે તમામને રૂ.500નો દંડ કરવામાં આવ્યો છે. જોકે, હજુ ગેરરીતિ કરતા પકડાયેલા 350 જેટલા વિદ્યાર્થીઓને હીયરિંગ માટે બોલાવવામાં આવશે.