અમદાવાદ20 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોશિયલ મીડિયાના ઉપયોગ દરમિયાન અજાણી વ્યક્તિ સાથે બનેલી મિત્રતા ઘણી વખત ખૂબ મુશ્કેલી સર્જી દેતી હોય છે. અમદાવાદમાં એક પરિણીતાએ પતિ જેલમાં હતો તે દરમિયાન સોશિયલ મીડિયામાં એક અજાણી વ્યક્તિ સાથે મિત્રતા બાંધી. થોડા દિવસની વાતચીત બાદ અજાણ્યા વ્યક્તિએ પરિણીતા પાસે અશ્લીલ ફોટોની માંગ કરતા પરિણીતાએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ અજાણ્યા શખ્સે અલગ-અલગ આઈડીથી પરિણીતાને પરેશાન કરતા યુવક સામે આખરે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સંપર્ક તોડી નાખતાં અલગ-અલગ આઈડીથી અશ્લીલ માગણી કરી
અમદાવાદમાં રહેતી પરિણીતા નેહા (નામ બદલ્યું છે)નો પતિ કોઈ કારણોસર જેલની અંદર જતાં એકની એક દીકરી સાથે જેમતેમ સમય પસાર કરી રહી હતી. આ કપરા સમયમાં મોબાઈલ પર સોશિયલ મીડિયા ચલાવતા તે એક અજાણ્યા યુવક સાથે સંપર્કમાં આવી હતી અને એકલતાને દૂર કરવા તેની સાથે વાતચીત શરુ કરી હતી. થોડા દિવસમાં જ મિત્રતા એટલી સારી થઈ ગઈ કે, તેણીએ ઘણા સમયથી છાતીમાં દુખાવાની સમસ્યા હતી અને જેની તે સારવાર કરી રહી હતી, તે વાત અજાણ્યા યુવક સાથે કરી હતી. જોકે, આ વાતની સાથે જ અજાણ્યા શખ્સની સાચી નિયત સામે આવી. તેણે મહિલા પાસેથી અશ્લીલ ફોટોઝની માગણી કરી. પીડિતા અજાણ્યા શખ્સનાં આ મેસેજથી વિચલિત થઈ અને તેણે તેની સાથેનો સંપર્ક તોડી નાખ્યો. જોકે, અજાણ્યા શખ્સે અહીં ન અટકતા અલગ-અલગ આઈડીથી મેસેજ કરી અશ્લીલ ફોટોની માગણી કરતો રહ્યો. જેથી, પીડિતાએ આ માનસિક ત્રાસથી કંટાળી સ્વજનોને આખી ઘટના જણાવી અને ત્યારબાદ સાયબર ક્રાઈમમાં આ અંગે ફરિયાદ નોંધાવી.
.