મહેસાણાએક કલાક પેહલા
- કૉપી લિંક
સતલાસણા પાસે આવેલા ધરોઈ ડેમ પર જવાના માર્ગ પર સાઈડમાં મુકેલા ત્રણ બાઇકને ધરોઈ ખાતે ચાલતા પ્રોજેકટના કામગીરીમાં વપરાતી બોલેરો ગાડીના ડ્રાઈવરે હડફેટે લીધા બાદ ડ્રાઈવર પોતે બોલેરો ગાડી સાથે કેનાલમાં ખાબક્યો હતો. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ અકસ્માતમાં ત્રણ બાઇકને નુકસાન થયું હતું. જેમાં એક બાઈકના માલિકે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
મૂળ નાની દાઉના અને જમનાપુર કેનાલ પાસે ખેતી કરતા વાઘેલા પ્રકાશસિંહ પોતાનું બાઈક લઇ ધરોઈ રોડ પર આવેલ પોતાના મામાના ખેતરમાં ગયા હતા. જ્યાં તેઓએ પોતાનું બાઈક રોડની સાઇડોમા પાર્ક કર્યું હતું. જ્યાં ધરોઈ પ્રોજેકટનું કામ કરતી કંપનીના બોલેરોના ડ્રાઇવરે પોતાની ગાડી બેફામ હંકારી આવી ધરોઈ કેનાલ પાસે આવેલા રોડની સાઇડો પર પાર્ક કરેલા ત્રણ બાઇકોને હડફેટે લીધા હતા
અકસ્માતનો મોટો અવાજ આવતા ફરિયાદી પોતાના પરિવાર જનો સાથે ઘટના સ્થળે દોડી આવી જોતા પોતાના બાઈક સહિત અન્ય બે બાઇકોને ગાડીના ચાલકે હડફેટે લીધા બાદ બોલેરો ગાડી પર કાબુ ખોઈ ગાડી કેનાલમાં ઉતરી પલટી મારી ગઈ હોવાનું જોવા મળ્યું હતું. તેમજ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા. ત્યારે અકસ્માત સર્જનાર ગાડી ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
સમગ્ર કેસમાં ફરિયાદીએ gnews24x7ને જણાવ્યું કે, મારુ બાઈક લાવે હજુ બે મહિના પણ થયા નથી અને આ ગાડીએ ટકકર મારતા મારા બાઇકને મોટું નુકસાન થયું છે. ત્યારે પ્રોજેકટ પર કામ કરતી કંપનીમાં માણસો ઘટના સ્થળે મુલાકત માટે આવતા અમે નુકસાન પેટે ખર્ચો માગ્યો હતો. જ્યાં તેઓએ આપવાની મનાઈ કરતા અમે ગાડી ચાલક સામે સતલાસણા પોલીસમાં ફરિયાદ આપી છે.