બોટાદ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
કહેવાય છે ને કે જર, જમીન ને જોરુ એ ત્રણેય કજીયાના છોરું… આવોજ એક કિસ્સો ગઢડા તાલુકાના ધ્રુફણીયા ગામે એક પરીવારમાં પ્રકાશમાં આવ્યો છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ધ્રુફણીયા ગામે રહેતા ગણેશ રણછોડભાઈ રાઘવાણી અને તેમના પત્ની બાઘુબેન જે બંને ગઈકાલે સાંજના સમયે વાડીએથી પોતાની બાઈક લઈને ગામ તરફ આવતા હતા. તેવામાં તેના સગા નાનાભાઈ વશરામભાઈના દિકરો જયદીપ સામેથી ફુલ ઝડપે ટ્રેકટર લઈને આવતો હતો અને તેણે તેના દાદા-દાદીને જોરદાર ટક્કર મારી હતી. જેના લીધે બંને નીચે પટકાતા જયદીપે ટ્રેકટર તેના દાદા-દાદી ઉપર ચડાવી દઈને જીવલેણ હુમલો કરી જયદીપ નાસી છૂટ્યો હતો.
ગામ લોકોને ઘટનાની જાણ થતાં લોકોએ 108 દ્વારા આ દંપતિને તાત્કાલિક સારવાર માટે બોટાદની સબીહા હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ બને દંપતિને ગંભીર ઈજાઓ થતાં ગણેશભાઈને અમદાવાદ અને તેમના પત્નીને ભાવનગર સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં ગઢડા PI જાડેજા સહિત પોલીસ કાફલો ધ્રુફણીયા ગામે પહોંચી હુમલો કરનારને પકડવા શોધખોળ હાથ ધરી હતી.
ગણેશ રાઘવાણી અને તેમના નાનાભાઈ વશરામ વચ્ચે ઘણા સમયથી જમીનના ભાગ પાડવાના મામલે તકરાર ચાલતી હતી. જેની દાઝ રાખીને પૌત્ર જયદીપે ટ્રેક્ટર ચડાવી જીવલેણ હુમલો કર્યો હોવાની પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. જ્યારે ઈજા પામનાર ગણેશના પુત્ર રમેશ રાઘવાણીએ સમગ્ર ઘટના મામલે ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ ગઢડા પોલીસે હુમલો કરનાર જયદીપને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ હુમલો કરનાર જયદીપ પોલીસના હાથ વેતમાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.