નવસારી6 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી મેઘરાજાએ રિસમણાં લીધા છે. જોકે, આજે વહેલી સવારથી ફરીથી મેઘરાજાએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગમન કર્યું છે. નવસારી, ડાંગ, ગોધરા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિમંતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
જૂન-જુલાઇમાં 96 વર્ષનો સૌથી વધુ વરસાદ, ઓગસ્ટમાં 86 વર્ષનો સૌથી ઓછો વરસાદ
ગુજરાતમાં જૂન-જુલાઇમાં સાડા 27 ઇંચ વરસાદે છેલ્લાં 96 વર્ષનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ સર્જ્યો હતો. આ અગાઉ 1927ના જૂન-જુલાઇમાં સવા 30 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઓગસ્ટમાં માત્ર દોઢ ઇંચ વરસાદે 86 વર્ષનો સૌથી ઓછા વરસાદનો રેકોર્ડ બન્યો છે. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ 9 ઇંચ વરસાદ થવો જોઇએ તેની સામે માત્ર દોઢ ઇંચ વરસાદ થતાં 89% વરસાદની ઘટ પડી છે. આ અગાઉ 1937માં 17.4 મીમી વરસાદ પડ્યો હતો. એટલે કે, 86 વર્ષ બાદ ચાલુ સાલે રાજ્યમાં ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ થયો છે. પૂણેના હવામાન વિભાગના ક્લાઇમેટ રિસર્ચ અને સર્વિસના આંકડાઓમાંથી આ માહિતી મળી છે.
પોરબંદરમાં રાજ્યનો સૌથી વધુ ઘટ ધરાવતો જિલ્લો
રાજ્યના 33 પૈકી 21 જિલ્લામાં ઓગસ્ટમાં 91%થી વધુ વરસાદની ઘટ છે. પોરબંદરમાં 99% ઓછા વરસાદ સાથે રાજ્યનો સૌથી વધુ ઘટ ધરાવતો જિલ્લો રહ્યો છે. વરસાદ ખેંચાતા રાજ્યના કૃષિ વિભાગે ગત ગુરુવારે ઓનલાઇન બેઠક યોજી પાકની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. ગાંધીનગર કૃષિભવનનાં સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલપૂરતી કૃષિપાકની પરિસ્થિતિ સારી છે, પરંતુ આ સ્થિતિમાં ખેડૂતોએ જાતે પિયતની વ્યવસ્થા કરવાનો વારો આવ્યો છે. સરકારે પણ વીજપ્રવાહમાં 2 કલાકનો વધારો કર્યો છે. જે ખેડૂતોએ માત્ર વરસાદના આધારે વાવણી કરી છે અથવા જે ખેડૂતો પિયતની વ્યવસ્થા નહીં કરી શકે તો તેવા પાકને નુકસાન થવાની શક્યતા છે. તેમજ જો સપ્ટેમ્બરમાં પણ વરસાદ ખેંચાશે તો રાજ્યમાં શિયાળુ વાવેતર વિસ્તાર ઘટી શકે છે
રાજ્યમાં સિઝનનું અંદાજિત 97.25% વાવેતર નોંધાયું
ચોમાસું સિઝનના અંતે રાજ્યની 85.97 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થવાના અંદાજ સામે 83.60 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. અત્યાર સુધીની સિઝનની 97.25% વાવણી થઇ ચૂકી છે. જેમાં ધાન્ય પાકોનું 13.46 લાખ હેક્ટરના અંદાજ સામે 13.80 લાખ (102.53%) હેક્ટરમાં, કઠોળ પાકોનું 4.56 લાખ હેક્ટરના અંદાજ સામે 3.61 લાખ (97.04%) હેક્ટરમાં, તેલીબિયાં પાકોનું 28.71 લાખ હેક્ટરના અંદાજ સામે 25.85 લાખ 90.07% હેક્ટરમાં અને અન્ય પાકોનું 39.23 લાખ હેક્ટરના અંદાજ સામે 40.33 લાખ (102.81%) હેક્ટરમાં વાવેતર થયું છે.
રાજ્યમાં ગત વર્ષ કરતાં 8.18% ઓછો જળસંગ્રહ
સરદાર સરોવર સહિત રાજ્યનાં 207 જળાશયોમાં ઓગસ્ટના અંતે કુલ 76.26% જળસંગ્રહ થયો છે. તે પૈકી 70.72% પાણીનો જથ્થો ઉપયોગમાં લઇ શકાય તેમ છે. ગત વર્ષે 84.44% કુલ જળસંગ્રહ સામે 80.77% પાણીનો જથ્થો વપરાશ લાયક હતો. એટલે કે ગત વર્ષ કરતાં 8.18% ઓછો જળસંગ્રહ થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 25,26,229 કરોડ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા સામે 19,26,526 કરોડ લિટર પાણી સંગ્રહિત થયું છે.