અમદાવાદએક કલાક પેહલા
- કૉપી લિંક
એપલ એરટેગ વડે મહિલાની સતામણી અને પીછો કરવાનો દેશનો પહેલો ગુનો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો. કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાની સતામણી માટે આ એરટેગનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યુ છે. જોકે, સાયબર ક્રાઈમે આ અંગે ગુનો નોંધી મહિલાનો પીછો કરનાર કોણ છે? તે અંગે તપાસ શરૂ કરી છે. આ સાથે જ કયા કારણોસર મહિલાનો પીછો કરવામાં આવતો હતો? તે અંગે પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
એપલ એરટેગ મહિલાની માહિતી આરોપી સુધી પહોંચાડતું
શહેરનાં પૂર્વ વિસ્તારમાં રહેતી અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલી મહિલા એ થોડા સમય પહેલા સાયબર ક્રાઈમમાં એક રજૂઆત કરી હતી. જેમાં મહિલાનું કહેવુ હતું કે, તેની ખાનગી માહિતી કોઈ હેકર પાસે પહોચી જાય છે. જેમાં તે ક્યાં ફરે છે. કોની સાથે વાતચીત કરે છે? કોની સાથે ટેક્સ મેસેજ કરે છે? તે તમામ માહિતી હેકર પાસે પહોચે છે. આ રજૂઆત બાદ તપાસ કરતાં હકીકત સામે આવી કે, મહિલાની માહિતી મેળવવા માટે મહિલાની ગાડીમાં એપ્પલ એરટેગ લગાવ્યું હતું. જેથી મહિલાની માહિતી ચોક્કર આરોપી સુધી પહોંચતી હતી.
બ્લેકમેઈલ કરવા આ માહિતીનો ઉપયોગ કરતો
મહિલા વેપારીની રજૂઆત બાદ સાયબર ક્રાઈમે તપાસ કરતા મહિલાની ગાડીમાંથી એક એરટેગ મળ્યુ હતું. જે મહિલાનું ન હોવાનું સામે આવતા પોલીસે તેની તપાસ શરૂ કરી હતી. આ એરટેગની મદદથી પોલીસ આરોપી સુધી પહોચી શકશે. બીજી તરફ આ એરટેગ મારફતે આરોપી મહિલાનું લોકેશન, તેનો કોલ અને મેસેજ ડેટા પણ મેળવી લેતો હતો અને તે જ માહિતી આરોપી મહિલાને આપી તેને બ્લેકમેઈલ કરવા કે તેની સતામણી માટે ઉપયોગ કરતો હતો.
ગાડી સાફ-સફાઈ કરનાર યુવકે એરટેગ મૂક્યું
સાયબર ક્રાઈમની તપાસમાં હકીકત સામે આવી કે, મહિલાની ગાડીની સાફસફાઈ કરનાર યુવક દ્વારા આ એરટેગ તેની ગાડીમાં મુકવામાં આવ્યું હતું પરંતુ, આ એરટેગ મૂકવા પાછળ અન્ય કોઈ જવાબદાર હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. જેથી, પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે, આખરે કોને અને શા માટે આ કૃત્ય કર્યુ છે? તેવામાં પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે? તે જોવુ મહત્વનું છે.
.