વડોદરા40 મિનિટ પેહલા
- કૉપી લિંક
મૃત્તક ફાઈલ ફોટો
ગુજરાત રાજ્યના કુખ્યાત બુટલેગરો પૈકીના એક એવા નાગદાન ગઢવીને છાતીમાં દુઃખાવો થતાં મોત નીપજ્યું હતું. બુટલેગરને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ખેડાની કોર્ટમાં જાપ્તા સાથે હાજર કરાયો હતો. ખેડાથી પરત ફરતી વખતે સમા-સાવલી રોડ ઉપર બુટલેગરને છાતીમાં દુઃખાવો ઉપડતા નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. તબીબોના મત મુજબ હ્રદય રોગનો પ્રચંડ હુમલો આવવાના કારણે મોત નીપજ્યું છે.
જાપ્તા સાથે લઇ જવાયો હતો
ગુજરાતના નામચીન બુટલેગરો પૈકીના એક જૂનાગઢના માથાભારે બુટલેગર નાગદાન પ્રભુદાન ટાપરીયા (ગઢવી) પણ સામેલ છે. નાગદાન સામે ગુજરાતના અનેક શહેરોમાં ગુનાઓ નોંધાયેલા છે. જે પૈકી ખેડા જિલ્લામાં પણ તેની સામે ગુનાઓ નોંધાયેલા હતા. જે ગુનાના હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કડક જાપ્તા સાથે ખેડા કોર્ટમાં હાજર કરાયો હતો.
ડાયરીએ રાઝ ખોલ્યા
મળેલી માહિતી પ્રમાણે થોડા સમય પહેલા જ નાગદાન ગઢવીની સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ગુરૂગ્રામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની પાસેથી એક ડાયરી મળી આવી હતી. જેમાં વડોદરા અને મધ્ય ગુજરાતના લિસ્ટેડ બુટલેગર વિનોદ સિંધી સાથેના રૂપિયા 45 કરોડના આર્થિક વ્યવહારનો ચિઠ્ઠી પણ મળી આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુરૂગ્રામથી ગુજરાતના લીસ્ટેડ બુટલેગર નાગદાન ગઢવીને ઝડપી લીધા બાદ તેની પાસેથી અન્ય બુટલેગર વિનોદ સિંધી સાથે મળીને તેણે ગુજરાતમાં ફેલાવેલા દારૂના નેટવર્કને લગતી અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
SMC એ બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કર્યા
સ્ટેટ મોનીટરીંગ સેલને હાથ લાગેલી ડાયરીમાં નાગદાન ગઢવી અને વિનોદ સિંધીના 20 જેટલા બેંક એકાઉન્ટમાંથી 45 કરોડના આર્થિક વ્યવહાર થયાનું બહાર આવતા તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસને નાગદાન ગઢવીના મોબાઇલ ફોનમાંથી દારૂના ધંધા સાથે જોડાયેલા સ્થાનિક બુટલેગરો સાથેની વાતચીતનું રેકોર્ડીંગ પણ મળ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ ગુરૂગ્રામથી ગુજરાતના કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીને ઝડપી લીધા બાદ વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં વિનોદ સિંધી સાથે તેનું સીધું કનેકશન બ્હાર આવ્યું હતું.
બોગસ દસ્તાવેજો બનાવ્યા
મળેલી માહિતી પ્રમાણે પોલીસ તપાસમાં ભારતીય બનાવટનું દારૂનું વેચાણ કરવા માટે અન્ય ધંધાના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનું બહાર આવતા પોલીસે નાગદાન ગઢવી વિરૂદ્ધ અન્ય ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. આ સાથે નાગદાન ગઢવીના મોબાઇલ ફોનની ફોરેન્સીક તપાસમાં તેણે દારૂના વેચાણ અને તેને લગતી ઓડિયો ક્લીપ પણ મળી હતી. જેમાં તેણે કોની કોની સાથે વાતચીત કરી ? તે અંગે વોઇસ સેમ્પલ લઇને તપાસ કરવામાં આવી છે.
કરોડોના આર્થિક વ્યવહાર ઠપ
આ ઉપરાંત નાગદાન ગઢવી અને ગુજરાતના સૌથી મોટા બુટલેગર વિનોદ સિંધી ઉર્ફે વિજુ ઉદવાણી તથા તેના ખાસ માણસ સુનીલ કેવલરામાણી વચ્ચે થયેલા આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. જેમાં કરોડો રૂપિયાની હેરફેર આંગડિયા પેઢી દ્વારા થઇ હતી. આ વ્યવહારમાં નાગદાન ગઢવીએ 9 કરોડ અને વિનોદ કિંધીએ કુલ 31 કરોડ રૂપિયાનાં વ્યવહાર કર્યાં હતા.
31થી વધુ ગુના નોંધાયા
ગુજરાતમાં કોઇ બુટલેગરના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાયાના અને કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર મળી આવ્યાની આ પ્રથમ ઘટના કહેવાય છે, તેને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. આજે તેને ખેડાની કોર્ટમાં લઇ જવાયો હતો. ત્યાંથી પરત વડોદરા આવતા સમા-સાવલી રોડ ઉપર તેને છાતીમાં દુખાવો થતાં મોત નીપજ્યું હતું. તેની સામે 31 કરતા વધુ ગુના નોંધાયા હોવાનું જાણવા મળે છે. હરણી પોલીસે બનાવ સંદર્ભે અકસ્માત મોતના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.
.