3 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે સંજીવ ભટ્ટની NDPS કેસમાં અરજી ફગાવી દેવામાં આવી છે તેમજ હાઇકોર્ટે નીચલી અદાલતની કાર્યવાહીમાં કોઈ ખામી ન હોવાનું અવલોકન કર્યું છે. સંજીવ ભટ્ટ વર્ષ 1996માં બનાસકાંઠાનાં જિલ્લા પોલીસ વડા હતા. તે સમયે ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાનો સંજીવ ભટ્ટ પર આરોપ લાગેલો છે. જેની ટ્રાયલ બનાસકાંઠાની કોર્ટમાં ચાલી રહી છે.
જજના વલણ અંગે સંજીવ ભટ્ટે અરજી કરી
સંજીવ ભટ્ટે હાઇકોર્ટને અરજીમાં જણાવ્યું હતું કે, જે જજની કોર્ટમાં તેમનો NDPSને લગતો કેસ ચાલી રહ્યો છે. તેમાં જજનું તેમના પ્રત્યેનું વલણ યોગ્ય નથી. તેમને સાંભળવામાં આવતા નથી તેમજ ટ્રાયલમાં બિનજરૂરી વિલંબ કરવામાં આવી રહ્યો છે. સરકારી વકીલો પણ પોતાની અનુકૂળતાએ પ્રમાણે વર્તે છે. જેથી, હાઇકોર્ટ તેમના કેસને અન્ય ઉપરી જજની કોર્ટમાં ટ્રાન્સફર કરે અને વર્તમાન જજના અગાઉના આદેશો રદ્દ કરવા નિર્ણય આપે. આ મુદ્દે પાલનપુરની અદાલતમાં ચાલેલી કોર્ટ કાર્યવાહીના ઓડિયો-વિઝ્યુઅલ હાઇકોર્ટ સમક્ષ મુકાયા હતા.
જજે બંને અરજી ફગાવી દીધી
જોકે, હાઇકોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર કોર્ટ કાર્યવાહી અટકાવવા આવી અરજી કરે છે. અરજદારને નીચલી કોર્ટ દ્વારા સાંભળવામાં આવી જ રહ્યા છે. તેમની કેટલીક અરજીઓ નીચલી કોર્ટનાં મંજૂર કરતાં આ પ્રકારનાં આક્ષેપ કરવામાં આવ્યા છે. અરજદાર સતત અરજીઓ કરીને કેસને સમયસીમા કરતા લંબાવી રહ્યા છે. નીચલી કોર્ટ દ્વારા અરજદારના વકીલ ઉપસ્થિત ન રહેતાં ન્યાયના હિતમાં તેમની સમકક્ષ વકીલને કાર્યવાહી આગળ ચલાવવા પણ કહ્યું છે. આમ, જજ સમીર દવેએ સંજીવ ભટ્ટની બંને અરજી ફગાવી દીધી હતી.
કોર્ટની કાર્યવાહી પર સ્ટે માંગ્યો હતો
સંજીવ ભટ્ટની અરજી ફગાવતાં તેમના વકીલે નીચલી કોર્ટની કાર્યવાહી પર સ્ટે માંગ્યો હતો. જેનો સરકારી વકીલે વિરોધ કરતાં તેને પણ હાઇકોર્ટ દ્વારા નકારી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 1996માં સંજીવ ભટ્ટ દ્વારા રાજસ્થાનના વકીલ સુમેરસિંહ રાજપુરોહિત પાસેથી પાલનપુરની એક હોટલમાંથી 1.5 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ આખી ઘટના બનાવટી હોવાનું સામે આવ્યું હતું.
.