અમદાવાદ10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા બસોમાં કન્ડક્ટરની 3,342 જગ્યાઓ બહાર પડાઈ હતી. જેમાંથી 132 જગ્યાઓ દિવ્યાંગો માટે અનામત હતી. 6 સપ્ટેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેના એક દિવસ પહેલા કમલેશ વાજા સહિત ચાર દિવ્યાંગજનો કે જેઓ લોકોમેટિવ ડિસેબિલિટી ધરાવે છે. તેઓએ યોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાનો સંપર્ક કર્યો હતો. દિવ્યાંગજનોની મુશ્કેલી સાંભળીને આ સંસ્થાને એક જ દિવસમાં પિટિશન તૈયાર કરીને હાઇકોર્ટમાં જમાં કરાવી હતી. જેની પર જજ નિખિલ કેરિઅલની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર.
ફોર્મમાં લોકોમોટિવ દિવ્યાંગતાની કેટેગરી ન હતી
દિવ્યાંગ અરજદારો વતી એડવોકેટ સ્વપનેશ્વર ગૌતમે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, તેમના અસીલોએ એસટી નિગમની કંડકટરની ભરતીમાં ઉમેદવારી નોંધાવવા અરજી કરી હતી, પરંતુ ઓનલાઈન ભરતી ફોર્મમાં તેમની કેટેગરીમાં લોકોમોટિવ દિવ્યાંગતાં દર્શાવી નથી. લોકોમોટિવ ડિસેબિલિટી એટલે બંને હાથ અને બંને પગ સાથે સંકળાયેલ કેટેગરીની દિવ્યાંગતા. દિવ્યાંગો માટેની કેટેગરીમાં લોકોમોટિવ ડિસેબિલિટી માટે રિઝર્વેશન રખાયું નથી.

ગુજરાત હાઈકોર્ટ.
અરજદારોની ફિઝિકલ અરજી સ્વીકારવા કોર્ટનો આદેશ
અરજદારના વકીલ તરફથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 9 જુલાઈ, 2023ના પરિપત્રનો હવાલો, રાજ્યની સરકારી નોકરીઓમાં દિવ્યાંગોના સમાવેશને લઇને સુપ્રીમ કોર્ટમાં ઓર્ડરનો હવાલો તેમજ રાઈટ ઓફ પર્સન ડિસેબિલિટી એક્ટ 2016નો હવાલો અપાયો હતો. હાઇકોર્ટના જજ નિખીલ કેરીઅલે અરજદારોને સાંભળીને તેમની ફિઝિકલ અરજી સ્વીકારવા સંલગ્ન ઓથોરિટીને આદેશ કર્યો છે.

પ્રતિકાત્મક તસવીર.
સમગ્ર ઘટનાની ટાઈમ લાઈન
- કંડકટરની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ થયાની તા.05.8.2023 અને કુલ જગ્યાઓ 3342 અને દિવ્યાંગો માટે અનામત જગ્યાઓ 132.
- ‘સી’ કેટેગરી (લોકો મોટર ડિસેબિલિટી)ના પેટા પ્રકાર ઓ.એલ. (એક પગે વિકલાંગતા), ઓ.એ. (એક હાથે વિકલાંગતા), એસ.ડી. (કરોડરજ્જુની ખામી) અને એસ.આઈ. (કરોડરજ્જુની ઈજા)ને બાકાત રાખવામાં આવી.
- તા.05.08.2023ના રોજ સદર બાબતે કોર્ટ ઓફ કમિશનર (દિવ્યાંગ વ્યક્તિઓના)ને ઈમેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી.
- કોર્ટ ઓફ કમીશન (દિવ્યાંગ વ્યક્તિઓ)એ તા.21.08.2023ના રોજ સદર કેસની સુનાવણી હાથ ધરવામાં આવી. તેના ચુકાદામાં કમીશનરે જે તે વિકલાંગતાના પ્રકારો ઉમેરવા માટે આદેશ આપવામાં આવ્યો. જેના જવાબમાં પ્રતિવાદી તરીકે હાજર રહેલા જી.એસ.આર.ટી.સી.ના પ્રતિનિધિ દ્વારા દિવસ-2માં અમલ કરવાનું આશ્વાસન આપ્યું હતું. જેનો આજ દિન સુધી અમલ થયેલો નહીં.
- એક હાથે, એક પગે, કરોડરજ્જુની ખામી અને કરોડરજ્જુની ઈજાની વિકલાંગતા ધરાવતા ઉમેદવારો કંડક્ટરની પોસ્ટ માટે લાયક ઠરતા હોવાથી જે તે જિલ્લાની આર.ટી,ઓ, દ્વારા કંડક્ટરનું લાઈસન્સ પણ આપવામાં આવ્યું.
- સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તા.09.06.2023ના રોજ ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો, કે એવી કોઈ પણ પોસ્ટ કે જેમા ફીલ્ડવર્ક રહેલું હોય તો એમાં બન્ને હાથે વિક્લાંગતા અને બીજા પગે વિક્લાંગતા ધરાવતા ઉમેદવારો મેડિકલ બોર્ડના અભિપ્રાય મુજબ અરજી કરવાને પાત્ર છે.
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.06.09.2023 છે, પરંતુ કોર્ટ ઓફ કમીશનના હુકમનો અમલ થયેલો નહીં, જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન નં.15742/2023 દાખલ કરેલ અને તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે અરજદારોને ઉમેદવારી નોંધાવવા માટે જી.એસ.આર.ટી.સી.ને ફોર્મ સ્વીકારવા માટે ડાયરેક્શન આપતો વચગાળાનો હુકમ કરેલો છે.
.