કચ્છ (ભુજ )39 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભુજની અદાણી સંચાલીત જી.કે.જનરલ સરકારી હોસ્પિટકાની ગેઇમ્સ ચક્ષુ બેન્ક અંતર્ગત મળેલા આંખોના દાન થકી અનેક લોકોના જીવનમાંથી અંધકાર દૂર થયું છે. હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 123 દ્રષ્ટિવિહીનના જીવનમાં અજવાળાં પાથરી તેમની દુનિયા રંગોથી ભરી દેવામાં આવી છે, હોસ્પિટલના ઓપ્થલ વિભાગના તબીબોએ રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા નિમિત્તે ખાસ માહિતી બહાર પાડી વિગતો જાહેર જણાવ્યું હતું.
હોસ્પિટલના આંખ વિભાગના હેડ ડો. કવિતાબેન શાહ અને ડો. અતુલ મોડેસરાએ ૨૫મી ઓગસ્ટથી આઠમી સપ્ટેમ્બર સુધી દેશભરમાં ઉજવાતા ચક્ષુદાન પખવાડિયા નિમિત્તે નેત્રદાનના આહવાન સાથે જણાવ્યું હતું કે, જો મૃત્યુ પછી પણ આંખ દ્વારા દિવ્ય સ્વપ્ન જોવા માંગતા હોઇએ તો ચક્ષુદાન અવશ્ય કરવું જોઇએ કારણ કે એક વ્યક્તિ ઓછામાં ઓછી બે વ્યક્તિની તો જિંદગી હરીભરી બનાવી શકે છે.
ચક્ષુદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાય અને દરેક વ્યક્તિ, મૃત્યુ બાદ પણ તેમની આંખ વડે કોઇની જીવન પાંખ બની શકે એ માટે વિભાગ દ્વારા પખવાડિયા સુધી સધન આયોજન કરવામાં આવ્યું છે. ડો. કવિતા શાહના જણાવ્યા મુજબ, શ્રાવણ માસમાં ભુજ અને માધાપરના મંદિરોમાં શ્રાવણ માસમાં વિશાળ સંખ્યામાં આવતા ભક્તજનોને જાગૃત કરી ચક્ષુદાન અંગે દિવ્ય સંદેશો આપી પ્રોત્સાહિત કરાશે. અદાણી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ ચક્ષુદાન અંગે નાટક ભજવાશે તો જી.કે.ના દરેક વોર્ડમાં દર્દીઓ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, દરેકને ચક્ષુદાનના મહત્વ વિશે સમજાવવામાં આવશે. આ કાર્યક્રમ માટે તબીબોના જુદા જુદા ગ્રુપની રચના કરી દેવામાં આવી છે. જેમાં ડો.લક્ષ્મી આહીર, સિનિ.રેસિ.ડો. મોનિકા ઠક્કર, ડો.પિંકિત વોરા, મીત પરીખ, ડો. વૃંદા ગોગદાની, ડો. તૃપ્તિ પરીખ, આઇ વોર્ડના ઇન્ચાર્જ કૈલાશ ધ્યે વીગેરેએ જનજાગૃતિ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નશીલ બન્યા છે . ચક્ષુદાન જાગૃતિ કાર્યક્રમ પ્રથમ દિવસથી શરૂ થઈ 8મી સપ્ટેમ્બર સુધી ચાલશે.
આ વિશે તબીબોએ જણાવ્યું હતું કે વ્યક્તિને અનેક કારણોસર અંધાપો આવી શકે છે, જેમાં જન્મ અથવા બીજા કોઈ કારણ પણ હોઇ શકે છે, પરંતુ જો કોઇ વ્યક્તિ ચક્ષુવિહીનનું જીવન સુધારવા ઇચ્છુક હોય તો બે વર્ષના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ ચક્ષુદાન કરી શકે છે. મોતિયાનું કે બીજું કોઇ ઓપરેશન, બીપી, ડાયાબિટીસ, હોય તો પણ નેત્રદાન કરી શકે છે. નેત્રદાન માટે ગેઇમ્સ આઇ બેન્કના નંબર 9726430783 પર સંપર્ક થઈ શકશે.