વેરાવળ35 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ટ્રસ્ટે કહ્યું – એસપી અને સોમનાથ ટ્રસ્ટને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે
સોમનાથ શોપિંગ સેન્ટર તરફના એક્ઝિટ ગેટને ખુલ્લો કરવા શોપિંગ સેન્ટરના વેપારીઓ એક મહિનો મથ્યા તો પણ કોઈ અંત ન નીકળ્યો ! આખરે ટ્રસ્ટ દ્વારા પત્ર જાહેર કરી અને જિલ્લા પોલીસવડા દ્વારા સુરક્ષાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે.જેમાં જણાવ્યા અનુસાર સોમનાથ શોપીંગ સેન્ટરના વેપારીઓ દ્વારા સોમનાથ શોપીંગ સેન્ટરની આગળની બાજુએ જે વાહન પાર્કિંગ થતું હતું તે બાબતે તેઓ દ્વારા અવાર-નવાર અને વારંવાર રજૂઆતો કરતા હતા.
હાલ જે સોમનાથ ટ્રસ્ટ નિર્મિત શોપીંગ સેન્ટરના વેપારીઓની જે રજૂઆત છે, તે અંગે ટ્રસ્ટ દ્વારા તા.29-07-2023 ના રોજ જીલ્લા પોલીસ વડાને પત્ર લખી આ સમગ્ર બાબત ધ્યાને મુકી આ રજૂઆત પરત્વે યાત્રિકોની સુવિધા તેમજ મંદિરની સલામતિને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા જે પણ નિર્ણય કરવામાં આવે તેમાં ટ્રસ્ટને કોઈ વાંધો હરકત નથી. તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી અને જીલ્લા પોલીસ વડા દ્વારા પોતે રજા પરથી આવીને તાબડતોબ મીટીંગ બોલાવી પ્રાંત અધિકારી, ડી.વાય.એસ.પી. ટેમ્પલ, ડીવીઝન ડી.વાય.એસ.પી., મામલતદાર, ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી., પી.આઈ., ટ્રસ્ટના જનરલ મેનેજર તમામની ઉપસ્થિતિમાં શોપીંગ સેન્ટરના આગેવાનોને શાંતિથી સાંભળ્યા હતા અને વ્હીકલ પાર્કિંગ માલ–સામાન લાવવા બાબત જેવા પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને એકઝીટ ગેટ ખોલવા બાબતે સ્થળ નિરીક્ષણ કરી અને શું થઈ શકે તે માટે સંનિષ્ટ પ્રયાસો જીલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા હતા.
પરંતુ મંદિર સલામતિ અને યાત્રિકોની ભીડને સુચારૂ રૂપથી સંચાલિત કરવાના કારણોસર શોપીંગ તરફનો એકઝીટ ગેટ ખોલી શકાય તેમ ન હોય તે અંગે ગેટ ન ખોલવા જીલ્લા પોલીસ વડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે સ્થાનિક શોપીંગ સેન્ટરના અમુક લોકો દ્વારા ખોટી રીતે સોશ્યલ મીડીયા પર દુષ્પ્રચાર કરી જીલ્લા પોલીસ વડા ઉપર દબાણ કરી તેમજ આ ખોટી બાબતમાં સહયોગ લેવા માટે અન્ય લોકોને ખોટી વાતો કરી ઉશ્કેરવામાં આવે છે અને જીલ્લા પોલીસ વડા તેમજ સોમનાથ ટ્રસ્ટને બદનામ કરવામાં આવે છે. આ તકે એ પણ ઉલ્લેખનિય છે કે, કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં ટ્રસ્ટ દ્વારા આ શોપીંગ સેન્ટરના વેપારીઓને પોતાના ગણી તેઓને ભાડામાં રાહત આપવામાં આવેલ, તેમજ જરૂરીયાત પ્રમાણે રાશન કીટ પણ ટ્રસ્ટ દ્વારા અપાઈ હતી. સ્થાનિકો ખોટા દુષ્પ્રચારમાં ન પ્રેરાય અને સાચી પરિસ્થિતિ જાણી સહયોગ આપે તે ખૂબ જરૂરી છે તેમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે.
.