ગાંધીનગર29 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાંધીનગર પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં ભાદરોડા ચોકડીથી પીકઅપ ડાલામાંથી એલસીબી – 2 ની ટીમે પૂર્વ બાતમીના આધારે વિદેશી દારૂની રૂ. 1 લાખ 71 હજારની કિંમતની 465 બોટલો સાથે બે ઈસમોને ઝડપી પાડી કુલ રૂ. 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 ની ટીમ ખાનગી વાહનમાં રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ વોચમાં નીકળી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, મોડાસા તરફથી છોટાહાથી પીકઅપ ડાલુ (GJ-07-TU-0839) માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી દહેગામ તરફ જનાર છે. જે બાતમી આધારે ભાદરોડા ચોકડી ખાતે વોચ ગોઠવી દેવામાં આવી હતી.
બાદમાં બાતમી મુજબનાં પીકઅપ ડાલાને ઈશારો કરીને રોકી દેવાયું હતું. જેમાં બેઠેલ બે ઈસમોએ પોતાના નામ પરવતસિંહ ચંદનસિંહ રાજપુત અને રાજેશ ભીમરાજ મીણા (બન્ને રહે. ચોકવાડા ગાવડાપાલ, ઉદેપુર) હોવાનું જણાવ્યું હતું. જેઓને સાથે રાખી પોલીસે પીકઅપ ડાલાની તલાશી લેતાં ડાલું ખાલી હાલતમાં જણાઈ આવ્યું હતું.
જો કે પાક્કી બાતમી હોવાથી પોલીસે ડાલાની નીચેની પટ્ટીઓ ખોલી જોતા ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 465 બોટલો હોવાનું સામે આવ્યું હતું. જે અંગે બંને ઈસમોએ ચૂપકીદી સાધી લીધી હોવાથી પોલીસે રૂ. 1.71 લાખનો દારૃ, પીકઅપ ડાલું તેમજ બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.