રાજકોટએક કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ રેલવે પ્લેટફોર્મ પરથી ચોરી થયાની ઘટના સામે આવી હતી. જેમાં સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊંઘનું ઝોકું ખાઈ રહેલા એલ & ટી કંપનીના સર્વિસ એન્જીનિયરનું લેપટોપ, ચાર્જર વગેરે સાથેનું બેગ તસ્કર ચોરીને ફરાર થઇ ગયા હતા. બનાવ અંગેની જાણ થતાં રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદી વિકાસકુમાર રાજેન્દ્રપ્રસાદ દુબેનાં જણાવ્યા મુજબ તેઓ 10 ઓગસ્ટથી રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ફરવા આવ્યા હતા. તા.14ની વહેલી સવારે કલાક 3.45 વાગ્યે રાજકોટ રેલ્વે સ્ટેશન પર ઊતર્યા હતા. જ્યાં પ્લેટફોર્મ નં-1ના પીલોર નં-32 પરના ઓટલે આવીને બેઠા હતા. સોમનાથ જબલપુર ટ્રેનમાં રાજકોટથી ભોપાલ જવાનું હતું એટલે અમે ટ્રેનની રાહ જોતા હતા. આ દરમિયાન હું ઊંઘી ગયેલ, આશરે સવારે 8.50 વાગ્યે ઉંઘમાંથી ઉઠતા લેપટોપ સહિત 76,640 રૂપિયાની વસ્તુઓ ભરેલી બેગ ચોરાઈ ગયું હતું. પોલીસે CCTVનાં આધારે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
માતા-પુત્રીના હાથમાંથી પર્સ છીનવી બાઈકસવાર ફરાર
શહેરના વાણીયાવાડી મેઈન રોડ નજીક એકટીવાચાલક માતા-પુત્રીના હાથમાંથી પર્સ ઝૂંટવીને બાઈકસવાર સમડીની ઝડપે નાસીપાસ થઈ ગયો હતો. પોલીસે નંબર વગરના બાઈકના ચાલક સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે લક્ષ્મીવાડી મેઈનરોડ પર શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેલા હર્ષાબેન અલ્પેશભાઈ ગાંધીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, 11 ઓગસ્ટે પોતે મોટી પુત્રી સાક્ષી સાથે કામસર બહાર જઈ રહ્યા હતા ત્યારે વાણીયાવાડી મેઈન રોડ પર ડૉ. શુકલના દવાખાના પાસે પાછળ બેઠેલી પુત્રીએ અચાનક રાડ પાડી હતી ત્યારે પૂછતા નંબર પ્લેટ વિનાના બાઈકમાં આવેલો શખ્સ પર્સ ઝૂંટવીને નાસી ગયાનું જણાવ્યું હતું, જેમાં રૂ.36,490નો મુદ્દામાલ હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રેલનગરનાં બંધ મકાનમાંથી રૂ. 3.50 લાખની રોકડની ચોરી
શહેરમાં ચોરીના બનાવો સામાન્ય બની રહ્યા છે, લોકો એક દિવસ પણ તેમનું ઘર રેઢું મૂકીને જઈ શકતા નથી ત્યારે એક દિવસ માટે ઊંઝા નજીક ઉનાવા દરગાહે દર્શન કરવા ગયેલો ઓટો બ્રોકરનો પરિવાર પણ તસ્કરોનો ભોગ બન્યો હતો. અને તસ્કરો તેમના બંધ મકાનમાંથી રોકડ રૂ.3.50 લાખની મતા લઈ નાસી છૂટ્યા હતા. આ અંગે રેલનગર પાસે આવેલ મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં રહેતાં ઇમરાનભાઇ મહંમદભાઈ વજુગરાએ ફરિયાદ નોંધાવી હતી. તેમજ જણાવ્યું હતું કે, ઘર આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક લાલ વસ્ત્રવાળી યુવતી પોતાના મકાનમાં પ્રવેશતી અને ગણતરીનાં સમયમાં જ બહાર નીકળતી જોવા મળી હતી. ફરિયાદીએ આપેલ આ વિગતોને આધારે રેલનગર પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.
.