બોટાદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજકાલ લોકો પોતાનાં સંતાનોને પ્રગતિ કરાવવા ગમે તેવી લાલચમાં આવીને મુશ્કેલીમાં મુકાય છે. તેવોજ કિસ્સો બોટાદમાં પ્રકાશમાં આવ્યો છે. બોટાદ શહેરનાં એડવોકેટ સાથે અમદાવાદના દંપતીએ દીકરા અને દીકરીને ડિગ્રી અને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી એડવોકેટ સાથે એક કરોડ 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરાતા એડવોકેટે અમદાવાદના બંને દંપતી વિરુદ્ધ બોટાદ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે નયનાબેન પંડ્યાની ધરપકડ કરી અને તેના પતિ ચિરાગ પંડ્યાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોટાદ શહેરમાં રહેતા અને વકિલાત કરતા એડવોકેટ મુકેશભાઈ ધીરજલાલ જોષી કે જેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. મોટી દીકરી જેનસે LLMનો અભ્યાસ પૂર્ણ કરેલો છે અને દીકરો દેવે ધો. 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરેલો અને નેટની પરીક્ષાની તૈયારીઓ કરે છે. ત્યારે અમદાવાદ રહેતા નયનાબેન ચિરાગભાઈ પંડ્યા દીકરીની અમદાવાદ કોલેજમાં ફી ભરવા ગયેલા. તે સમયે કોન્ટેકમાં આવેલા અને નયનાબેને જેનસીને કહેલો કે અમે પણ પેલા બોટાદ રહેતા હતા અને મારા પતિની બહુજ મોટી ઓળખાણ છે. કંઈ કામ હોયતો કહેજો અને એકબીજાએ મોબાઈલ નંબર લીધેલો.

ત્યાર બાદ જેનસીએ નયનાબેન પંડ્યા વિશે તેના પપ્પા મુકેશભાઈને વાત કરેલી અને તેના પપ્પાએ જેનસીને નયનાબેનને ફોન કરવાનું કહેલું અને તેણે વાત કરેલી કે મારા ભાઈને MBBSમાં એડમીશન લેવાનું છે. મારે પણ સરકારી નોકરી લેવાની છે. જે બાબતે નયનાબેને કહેલ કે, હું મારા પતિને વાત કરીને તમને ફોન કરીશ અને ત્યાર બાદ નયનાબેને જેનસીને ફોન કરીને કહેલું કે, MBBSનું એડમીશન અને તને સરકારી નોકરી મળી જશે, પરંતુ પૈસાનો વહિવટ કરવો પડશે. તેમ કહી અમદાવાદ બોલાવેલો ત્યારે મુકેશભાઈ અને તેનું પરિવાર અમદાવાદ ગયેલો અને નયનાબેન અને તેના પતિ ચિરાગભાઈ સાથે બેઠક કરીને નક્કી કરેલું અને ત્યાર બાદ મુકેશભાઈએ કટકે કટકે મળીને એક કરોડને બાર લાખ રૂપિયા ચિરાગ પંડ્યાને આપ્યા હતા.

કોઈ કામ ન થતા મુકેશભાઈને ખ્યાલ આવ્યો કે તેઓ છેતરાયા અને તેની સાથે દંપતીએ ફોર્ડ કરેલો છે. જેથી મુકેશભાઈએ બોટાદ પોલીસ મથકે નયનાબેન પંડ્યા અને તેના પતિ ચિરાગ પંડયા વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. જ્યારે બોટાદ પોલીસે દંપતિ વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે નયનાબેનની ધરપકડ કરવામાં આવી તેમજ તેના પતિ ચિરાગ પંડ્યાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બોટાદ ડિવાયેસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, બોટાદ શહેરમાં વકિલાત કરતા એડવોકેટ મુકેશભાઈ જોષીએ અમદાવાદના ચિરાગભાઈ પંડ્યા અને નયનાબેન પંડ્યાએ તેના દીકરા-દીકરીને ડિગ્રી અપાવવા તેમજ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી તેની સાથે રૂપિયા એક કરોડને બાર લાખ રૂપિયાનું ફોર્ડ કરેલ જે અંગે એડવોકેટ મુકેશભાઈ જોષીએ અમદાવાદના દંપતી ચિરાગ પંડ્યા અને નયનાબેન પંડ્યા વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે નયનાબેન પંડ્યાની ધરપકડ કરી છે તેમજ ચિરાગભાઈને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ નયનાબેનની ધરપકડ કરી વધુ તપાસ માટે રિમાન્ડની પ્રોસેસ હાથ ધરી હોવાનું ડિવાયેસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું.