અમદાવાદ27 મિનિટ પેહલા
- કૉપી લિંક
- એક છોકરાએ વતનમાં જવા ટિકિટના પૈસા માંગી મહિલાને રોકી હતી
શહેરના ખોખરા વિસ્તારમાં કામસર જઈ રહેલી મહિલાને એક છોકરાએ રોકી વતન જવા માટે પૈસાની મદદ કરવાનુ કહ્યુ હતુ. આ સમયે એક ઓટોરિક્ષામાં આવેલા ત્રણ અજાણ્યા પુરુષોએ મહિલાને છોકરાની મદદ કરવા દાગીના સોનીની દુકાને આપવાનુ કહીને દાગીના ઉતરાવી પોટલીમાં વાળીને સોનીને ત્યાં આવવાનુ કહીને રિક્ષા હંકારી મુકી હતી. મહિલાએ પોટલી ખોલતા તેમાં ઈંટના ટુકડા નીકળ્યા હતા. આ અંગે મહિલાએ તેના રૂ.80 હજારના દાગીનાની નજર ચુકવી ચોરી કરવા બદલ ખોખરા પોલીસ સ્ટેશનમાં ચાર વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઈસનપુરમાં રહેતા શોભાબેન લોધા પૂજાવિધિ હોઈ તેમના પિયર ખોખરા આર્યોદય સોસાયટીમાં આવ્યા હતા. ગઈ તા 16 મીના રોજ સાંજના ઘરેથી દુધ લેવા માટે જતા હતા ત્યારે સોસાયટીના નાકે એક છોકરો મળ્યો હતો જેણે વતનમાં જવા માટે ટિકિટના પૈસા આપવાનુ કહ્યુ હતુ. આ સમયે એક રિક્ષામાં ત્રણ માણસો બેઠા હતા તે પૈકી એકે શોભાબેનને કહ્યુ હતુ કે માસી કોઈનુ સારુ થતુ હોય તો તમે પૈસા આપો.
જો કે તેમણે પોતાની પાસે હાલમાં પૈસા નહોવાનુ કહેતા આ પુરુષે તેમના સોનાના દાગીના સોનીની દુકાને આપીને આ છોકરાને મદદ કરવાથી ભગવાન રાજી થશે તેમ કહ્યું હતું. આવી વાતોમાં ભોળવીને શોભાબેનના દાગીના કુલ રૂ. 85 હજારના ઉતરાવી લીધા હતા. ત્યારબાદ દાગીના કપડાની પોટલીમાં વાળી શોભાબેનને આપીને અમે સોની બજારમાં જઈએ છીએ તમે પાછળ આવો તેમ કહીને છોકરાને સાથે લઈ ત્રણ પુરુષો રિક્ષા લઈ નીકળી ગયા હતા. આ તરફ શોભાબેને પોટલી ખોલતા તેમાં ઈંટના નાના નાના ટુકડા હતા. આમ પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા શોભાબેને ચાર વ્યકિતઓ વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. એટલે કે હવે ગઠિયાઓ મદદ કરવાના નામે મહિલાઓને ભોળવીને તેમના દાગીના ઉતરાવીને તેના બદલે ઇંટો કે પથ્થરોના ટુકડાની પોટલી પકડાવી ઠગાઇ કરી રહ્યા છે.
.