રાજકોટ31 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ શહેર એ-ડિવિઝન પોલીસે રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ ડ્રીમસીટી ડી-301માં રહેતાં 38 વર્ષીય મહેકબેન લલીતકુમાર ભંભાણીની ફરિયાદ પરથી પતિ લલીત ભંભાણી, સાસરિયા પક્ષના જમટમલ, રાજેશ, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિલીપ આસવાણી, તેના પુત્ર રામ ઉપરાંત મહેશ બુધવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પૂર્વયોજીત કાવત્રુ રચી સમાધાન માટે ઉદ્યોગનગર કોલોનીમાં આવેલા ભંભાણી કાસ્ટીંગમાં બોલાવી, ગાળો દઇ, જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.
મહિલાએ 2020માં પણ ફરિયાદ નોંધાવી હતી
મહેકબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન 2014માં લલિત હકુમત ભંભાણી સાથે થયા છે. બાદમાં પતિએ ત્રાસ આપવાનું શરૂ કરતાં 2020માં મેં મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભરણપોષણનો કેસ પણ કર્યો હતો, ત્યારથી મારા અને મારા પતિ વચ્ચે ઝઘડો ચાલતો હતો. આ દરમિયાન ગઈ તારીખ 4 ડિસેમ્બર 2022ના રોજ મારા પતિએ અમારા કૌટુંબિક જીજાજી લલિત રામચંદાણી દ્વારા મને જાણ કરી ઉદ્યોગનગર કોલોની જવાહર એસ્ટેટ પાસે ભંભાણી કાસ્ટીંગ ખાતે સમાધાનની અને નાણાકીય લેવડદેવડની વાત કરવાની મિટિંગમાં આવવાનું કહેવાયું હતું. જેથી હું ત્યાં કૌટુંબિક જીજાજી અને પાડોશી અમિત ઠાકર સાથે ગઈ હતી. મિટીંગમાં મારા સાસરિયા પક્ષના સભ્યો હાજર હતા. થોડીવાર પછી પતિ લલિત અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિલીપ આસવાણી આવ્યા હતાં. જેથી મેં દિલીપ આસવાણીને મિટીંગમાં કેમ બોલાવ્યા છે તેવો સવાલ કરતા પતિએ પોતે બોલાવ્યાનું કહ્યું હતું.
દિલીપ આસવાણીના પુત્રએ ધમકી આપી
ત્યારબાદ મેં દિલીપ આસવાણીને આ અમારી પારિવારિક મિટિંગ હોવાનું કહી જતા રહેવાનું કહેતા તે જતા રહ્યા હતા. આ પછી સાસરિયા પક્ષના સભ્યોએ દિલીપ આસવાણીને મિટીંગમાં બેસવાની કેમ ના પાડી તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો, ત્યારબાદ થોડી વાર પછી દિલીપ આસવાણીનો પુત્ર રામ એકટીવા લઈ ત્યાં ઘસી આવ્યો હતો. જેણે તમે મારા પિતાનું અપમાન કર્યું છે, જે મને પોષાય તેમ નથી, હું અત્યારે જ ખેલ પાડી દઈશ, તું હવેથી કઈ રીતે બહાર નીકળે છે, કઈ રીતે જીવીને દેખાડે છે, તે કલ્પના પણ નહીં કરી હોય તે હું કરીશ તેવી તેને ધમકી આપી હતી.
સુખદ અંત આવ્યા બાદ અપશબ્દો
ત્યારબાદ મારા પડોશી અમિતભાઇએ દિલીપ આસવાણીને મિટીંગનો સુખદ અંત આવ્યાની કોલથી જાણ કરતા તેણે બિભત્સ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં એકાદ માસ બાદ મહેશ બુધવાણીએ કોલ કરી સમાધાન માટે પ્રેશર કર્યું હતું. થોડા સમય બાદ મહેશે ધનરજની કોમ્પલેક્ષ પાસે મળીને કહ્યું કે, તમે પૈસા લઈ તમારા પતિ સાથે સમાધાન કરી લો, નહીંતર તમારે રાજકોટમાં જીવવું મુશ્કેલું થઈ જશે તેવી ધમકી આપી હતી. જે ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
.