- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Fire Brigade Personnel Recovered Two Dead Bodies From Rajkot’s Ajidam, Innocent Victim Of Accident While Going For Bath With Family Members
રાજકોટ32 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટનાં આજી અને ન્યારી ડેમમાં ડૂબી જવાથી મોતની અનેક ઘટનાઓ અગાઉ સામે આવી ચૂકી છે ત્યારે આજ રોજ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આજીડેમમાં ડૂબી જતાં બે તરૂણીનાં મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડનાં જવાનો દ્વારા આજી ડેમમાંથી બંને તરૂણીની લાશને બહાર કાઢીને આજી ડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
બંને તરુણીઓ ઊંડા પાણીમાં ગરકાવ
પ્રાપ્ત વિગતો મુજબ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા નેપાળી પરિવારની મુમતાઝ દિલબહાદુરભાઈ પરિહાર તેમજ હીર દિપકભાઈ પરિહાર નામની બે તરૂણી તેના પરિવાર સાથે આજી ડેમમાં ન્હાવા ગઈ હતી. દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થતા બંને ડૂબવા લાગી હતી. જેને લઈને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને ફાયરની ટીમ દ્વારા બંને તરૂણીને શોધી બહાર કાઢવામાં આવી હતી. જોકે ફાયર વિભાગને બંનેના મૃતદેહ હાથ લાગ્યા હતા. જેને લઈને આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પરિવારજનો સાથે ડેમમાં ન્હાવા ગઈ હતી
આજી ડેમ પોલીસ દ્વારા બંને તરૂણીઓ અંગે સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બંનેના નામ મુમતાઝ પરિહાર તેમજ હીર પરિહાર હોવાનું અને બંને પરિવારજનોની સાથે ન્હાવા માટે ગઈ હોવાનું હાલ સામે આવ્યું છે. અને પ્રાથમિક તપાસમાં અકસ્માતે ઊંડા પાણીમાં ગરકાવ થતા આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હાલ પોલીસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેઓના ડૂબી જવા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારમાં શોકનો માહોલ છવાયો
ફાયર વિભાગનાં જણાવ્યા મુજબ આજી ડેમમાં બે તરૂણી ડૂબી ગઈ હોવાની જાણ થતાં ટીમ ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી અને ફાયરના જવાનો દ્વારા ગણતરીની કલાકોમાં બંને તરૂણીનાં મૃતદેહને શોધી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, આ બંને તરૂણીઓનાં મોત અંગેની વધુ માહિતી પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. હાલ તો ફૂલ જેવી માસૂમ આ બંને તરૂણીનાં અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
.