બોટાદ28 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોટાદ શહેરમાં રહેતા એક બિલ્ડર પિતા-પુત્રના પાંચ જેટલા મકાનના ચાલી રહેલા કામ દરમિયાન બોટાદના ચાર શખ્સોએ એક મકાન પોતાના નામે કરી દેવા નહીંતર પાંચ લાખ રૂપિયા રોકડા આપવા અને એવુ ના કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી બિલ્ડર પુત્ર ઉપર ગઈકાલે બપોરના સમયે સેથળી ગામે હિચકારો હુમલો કર્યો હતો. બિલ્ડર પુત્રને ગંભીર ઈજા થતાં સારવાર માટે અમદાવાદ ખસેડેલ જે આજે ચાર શખ્સો સામે બિલ્ડરે પોલીસ ફરીયાદ નોંધાવી જ્યારે ધોરણસરની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ બોટાદ ખાતે રહેતા ફરીયાદી બળદેવ મૂળજીભાઈ પરમારે પોતાની ફરીયાદમાં જણાવ્યું હતું કે, હાલમાં બોટાદ આનંદ ધામ રેસીડેન્સી-1 માં રચિત નગરમાં બે મકાન તૈયાર હોય અને હાલમાં બીજા ત્રણ મકાનનું કામ શરૂ હોય ફરીયાદીના પુત્ર વિજયને બોટાદના વનરાજ જેઠુરભાઈ ખાચર, મહેશ વનરાજભાઈ ખાચર, શિવરાજ બાબભાઈ બોરીચા અને મહેશ ભાંભળા નામના શખ્સોએ રૂબરૂ આવીને જણાવ્યું કે તમારે અહીં મકાનનું કામ ચાલુ રાખવુ હોય તો એક મકાન અમારા નામે કરી દો અથવા રૂપિયા પાંચ લાખ રોકડા આપી દો. જો એવું નહીં કરો તો તમો બાપ-દિકરા પૈકી એકને મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
આ દરમિયાન ભોગ બનનાર વિજયએ મકાન અથવા રૂપિયા આપવા ઈન્કાર કર્યો હતો. ત્યારે વિજય સેંથળી ગામ પાસે આવેલી વાડીએથી બાઈક લઈને બોટાદ જવા નિકળતા એક સફેદ કલરની નંબર વગરની સ્વિફ્ટ ગાડીએ ટક્કર મારીને પછાડી દઈને ચાર શખ્સોએ લાકડી અને પાઈપ વડે મારી નાખવાના ઈરાદે હિચકારો હૂમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન સામે રહેતા વ્યક્તિ આવી જતા વચ્ચે પડતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્વિફ્ટ ગાડીમાં બેસીને જતા રહ્યા હતા.
આ ઘટના દરમિયાન ઈજાગ્રસ્ત વિજયભાઈને પ્રથમ બોટાદની સબીહા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હેમરેજ અને ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ થતાં વધારે સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે ભોગ બનનારના પિતા બળદેવભાઈએ આજે અમદાવાદ દવાખાને આવેલ પોલીસ રૂબરૂ ફરીયાદ નોંધાવી હતી. જે બાબતે બોટાદ પોલીસે આઈ.પી.સી. 307, 387, 323, 325, 504, 506(2), 114 તથા જી.પી.એકટ 135 મુજબ ધોરણસરની ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ભોગ બનનાર વિજય અમદાવાદ સારવાર હેઠળ છે. તેમ સમગ્ર ઘટનાને લઈને બોટાદ ડિવાયેસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું.