સુરત18 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરતમાં બ્રેનડેડ થયેલા વૃદ્ધના લીવર, બંને કિડની અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. જેથી પાંચ લોકોને નવું જીવન બક્ષી માનવતા મહેકાવી છે. જમવા માટે ઉઠાડવા જતાં જાગ્યા જ નહીં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં મધુભાઈ ભીમજીભાઈ રાંક પત્ની અને ત્રણ પુત્રો સાથે રહેતા હતા. હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળતા હતા. દરમિયાન આશરે છ દિવસ અગાઉ મધુભાઈ રાત્રે 2 વાગ્યે વોશરૂમ માટે ઊભા થવાની સાથે જ પોતાના ખાટલા પાસે ઢળી પડ્યા હતા, જે તુરંત થોડીવારમાં સારું થઈ જતા તેઓ પોતાના રૂટિન લાઈફ મુજબ રહેવા લાગ્યા હતા. તેના બે દિવસ બાદ અચાનક સાંજે 5.30 કલાકે ઘરના સભ્યો સાથે બેઠા હતા ત્યારે તેમની આંખો ઘેરાતી હતી એવું જણાતા દીકરા ધર્મેશભાઈએ એમને આરામ કરવા જણાવ્યું હતું.
મૃતકની ફાઈલ તસવીર
હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર કરાયા
મધુભાઈ પોતાના બેડમાં ઊંઘતા હતા. તેઓને રૂટિન જમવાના સમયે 8.30 વાગ્યે રાત્રે જગાડવા છતાંય જાગતા નહોતા. જેથી વધુ સારવાર માટે પી.પી. સવાણી હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યાં બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. મધુભાઈ ભીમજીભાઈ રાંકના પરિવારજનોને સમાચાર મળતા તેમના ત્રણેય દીકરા પ્રફુલભાઈ રાંક, ધર્મેશભાઈ રાંક, સંજયભાઈ રાંક અને પત્ની કંચનબેન મધુભાઈ રાંક દ્વારા અંગદાન અંગે સંકલ્પ કરાયો હતો.
પરિવારે અંગદાન માટે સંમતિ આપી
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી. શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો પરિવારે અંગદાન માટે સંમતિ આપી હતી. લીવર, કિડની અને ચક્ષુદાનનો નિર્ણય લેવાયો હતો.
લીવર અને કિડની અમદાવાદ મોકલાયા
સોટો ગુજરાત દ્વારા લીવર અને બન્ને કિડનીનું એલોકેશન કરવામાં આવ્યું હતું. બંને આંખનું દાન લોકદૃષ્ટિ ચક્ષુ બેંકના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. અમદાવાદમાં પહોંચાડવા માટે સુરત પી.પી. સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી બાય રોડ ઝાયડ્સ હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ગુજરાત પોલીસ અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો. ઓર્ગન ડોનેશન સમયસર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મિનિટોમાં પી.પી. સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના સમગ્ર રૂટ માટે સુરત, ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
.